બે વર્ષ બાદ અખાત્રીજે સોના-ચાંદી બજારમાં રોનક
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ તિથિ પર અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજ અથવા અક્ષય ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ અખા ત્રીજે દેશભરના સોના-ચાંદીના બજારમાં રોનક જોવા મળી છે.
સુરતના ભાગલ વિસ્તારમાં આશાપુરા ઓર્નામેન્ટર્સના વેપારી ભરતભાઈ સોનીએ જણાવ્યું કે આ અખાતિજે સારી ખરીદી થઈ છે. સવારથી જ દુકાનમાં ગ્રાહકોની ભીડ જામી હતી. શહેરના વિવિધ સ્થળોએથી લોકો તેમની દુકાને સોના-ચાંદીની ખરીદી કરવા આવતા હતા.લોકોએ સોના-ચાંદીની જોરશોરથી ખરીદી કરી હતી. તેમણે ગૌમાતાના ચરણ સ્પર્શ કરીને પોતાની દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે જ્વેલર્સની દુકાનો બંધ રહેતા અખાત્રીજના દિવસે સોના-ચાંદીના દાગીના કે સિક્કાની ખરીદ-વેચાણ થઇ શક્યુ ન હતુ, પરંતુ આ વખતે કોઇ પ્રકારના પ્રતિબંધો ન હોવાથી જ્વેલર્સની દુકાન સોના-ચાંદીના બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી છે.