ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા કોલસા, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ન્યુક્લિયર એનર્જીને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ: ડૉ. નિલમ ગોયલ
પાટીદાર સમાજ સન્માન સમારોહમાં પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે પરમાણું ઊર્જા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો
સુરત:બુધવાર: ભારતની પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે પાટીદાર સમાજ સન્માન સમારોહમાં સુરતના તમામ નાગરિકોને પરમાણું ઊર્જા અંગે જાગૃત કરવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ઔદ્યોગિક વિસ્તારોની હાલત કફોડી છે. તેમની પાસે સ્વચ્છ અને વ્યાપારી રીતે સ્પર્ધાત્મક વીજળીના ટકાઉ પુરવઠાનો કાયમી સ્ત્રોત નથી. કોલસાની કટોકટી સતત વધી રહી છે અને મોંઘા ભાવને કારણે વીજળી બનાવવા માટે કોલસાના પુરવઠામાં સમસ્યા ઉભી થઈ રહી છે. તેમજ પર્યાવરણીય પ્રદૂષણને કારણે કોલસામાંથી વીજળી બનાવવામાં પણ દિન પ્રતિદિન સમસ્યા વધી રહી છે. જેથી ભારતે કોલસા આધારિત પાવર પ્લાન્ટનો વિકલ્પને અપનાવવો ખૂબ જરૂરી છે
ડો.ગોયલે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં NGT એ પર્યાવરણના પ્રદૂષણના કારણે કોલસાનો વપરાશ બંધ કરતાં ૯૦% કારખાનાઓ બંધ થઈ ગયા હતા. આગામી સમયમાં સુરતમાં આવી વિકટ સમસ્યા ન સર્જાય તે માટે સુરતમાં ૫૦૦-૫૦૦ મેગાવોટના બે સ્માર્ટ મોડ્યુલર સમયસર લગાવવા પડશે. આ સિવાય તમામ ઉદ્યોગપતિઓ, સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ અને સોસાયટીઓએ સાથે મળીને એ સમજવું પડશે કે કોલસાની અછત અને પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યાને પહોંચી વળવા પરમાણુ ઉર્જા જરૂરી છે.
ડો.ગોયલે સુરતમાં સ્માર્ટ મોડ્યુલર રિએક્ટર વીજળી ઉત્પન્ન કરવાની સાથે હાઇડ્રોજન ઊર્જાનું ઉત્પાદન કરશે એવી વિગતો આપતા ઉમેર્યું કે, હાઇડ્રોજન ઊર્જા પરિવહનમાં જરૂરી પેટ્રોલ અને ડિઝલનો નક્કર અને પુષ્કળ પ્રમાણમાં સ્થિર વિકલ્પ મળશે. તેમજ હીરા ઉદ્યોગમાં, LGD (લેબ ગ્રોન ડાયમંડ) ટેક્નોલોજીથી આ સ્માર્ટ મોડ્યુલર પ્લાન્ટ્સ અંતર્ગત લેબમાં હીરાઓના ઇચ્છિત રંગનું ઉત્પાદન કરવા માટે જરૂરી હીટ એનર્જી અને આયર્ન ઇનપુટને પણ સક્ષમ કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો ભારત દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવો હશે તો કોલસા, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ન્યુક્લિયર એનર્જીને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. ભારતમાં પરમાણુ બળતણ તરીકે સૌથી વધુ થોરિયમ છે, તેમ છતાં દેશમાં પરમાણુ ઊર્જામાંથી સૌથી ઓછી વીજળી ઉત્પન્ન થાય છે. જ્યારે ફ્રાન્સમાં ૭૫%, અમેરિકામાં ૨૧%, જાપાનમાં ૩૫% અને ભારતમાં માત્ર ૨.૫% પરમાણુ ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન થાય છે એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે શ્રી પદ્મભૂષણ સચ્ચિદાનંદ મહારાજ અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, સમસ્ત પાટીદાર સમાજના અધ્યક્ષ વેલજીભાઈ શેટા, લવજીભાઈ બાદશાહ, સમાજના આગેવાનો તથા વિવિધ ઔદ્યોગિક વિસ્તારો અને મંડળોના પ્રમુખો તેમજ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા રહ્યા હતા.