બિઝનેસ

વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલા પદ ગ્રહણ કરશે

પદગ્રહણ સમારોહ બાદ ઇન્ડોનેશિયા, ઇથોપિયા, મલેશિયા, અને કેનેડા, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાશે

ચેમ્બરનો ૮૩મો પદગ્રહ

સુરત. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રવિવાર, તા. ર જુલાઇ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૮૩માં પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ ર૦ર૩–ર૪ ના પ્રમુખ તરીકે રમેશ વઘાસિયા અને ઉપ પ્રમુખ તરીકે વિજય મેવાવાલા પદભાર સંભાળશે. રમેશ વઘાસિયા ચેમ્બર ઓફ કોમર્સના ૭૭મા પ્રમુખ બનશે.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, પદગ્રહણ સમારોહમાં ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ મુખ્ય મહેમાન તરીકે પધારશે. જ્યારે સાંસદ તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે. ગુજરાતના ગૃહ મંત્રી (રાજ્ય કક્ષા) હર્ષભાઇ સંઘવી, શિક્ષણ મંત્રી (રાજ્ય કક્ષા) પ્રફૂલ પાનશેરીયા, યુકેના અમદાવાદ સ્થિત ડેપ્યુટી હાઇ કમિશનર સ્ટીવન હિકલીંગ, શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ્‌સ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદ ધોળકિયા અને સુરત ડાયમંડ બુર્સ એન્ડ કિરણ જેમ્સના ચેરમેન વલ્લભ પટેલ (લાખાણી) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

વિદેશી પ્રતિનિધિ મંડળોમાં પાંચ દેશોના એમ્બેસેડર અને કોન્સુલ જનરલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં નવી દિલ્હી સ્થિત ફેડરેલ ડેમોક્રેટીક રિપબ્લીક ઓફ ઇથોપિયાના ડેપ્યુટી હેડ ઓફ મીશન બિઝુનેશ મેસેરેટ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ મલેશિયાના કોન્સુલ જનરલ અહમદ ઝુવેરી યુસુફ, મુંબઇ સ્થિત રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયાના એકટીંગ કોન્સુલ જનરલ તોલ્લાહ ઉબૈદીનો સમાવેશ થાય છે.

ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બરના ૮૩ મા પદગ્રહણ સમારોહની સાથે કનહહય ગ્લોબલ કનેકટ મીશનનો શુભારંભ કરવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સ દેશના વિવિધ ૮૪ દેશોની સાથે વ્યાપાર વધારવાની દિશામાં પ્રયાસ કરશે. પદગ્રહણ સમારોહમાં પધારનાર ઇન્ડોનેશિયા, ઇથોપિયા, અને કેનેડા, યુકે સહિતના એશિયન રાષ્ટ્રોના એમ્બેસેડર તથા કોન્સુલ જનરલ સાથે ઉદ્યોગકારોનું ઇન્ટરેકટીવ સેશન યોજાશે. બપોરે રઃ૩૦ કલાકે યોજાનાર આ સેશનમાં બે દેશોની ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટેની જરૂરિયાતો વિષે ચર્ચા કરાશે તથા ઉદ્યોગકારો અન્ય દેશોમાં તેમજ અન્ય દેશોના ઉદ્યોગકારો ભારતમાં કયા કયા ઉદ્યોગોમાં તથા ક્ષેત્રોમાં રોકાણ કરી શકે તે માટે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવશે. બે દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવશે.

સુરત સાથે ૮૪ આંકડાનો ઇતિહાસ રસપ્રદ રહયો છે. સુરતના બંદર ઉપર ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, આથી એના પરથી એક તાલુકાનું નામ ચોર્યાસી પડયું હતું અને એ સુરતમાં આવે છે. ‘સુરત એ સોનાની મુરત’ અને ‘ભારત સોને કી ચિડીયા’ કહેવાતું હતું. ભારતની આ સમૃદ્ધતાથી આકર્ષાઇને અંગ્રેજો, પોર્ટુગીઝ, ફ્રેન્ચ વ્યાપારીઓ ભારતમાં આવ્યા હતા. આ બધી બાબતોને રિવાઇવ કરી નવા જોશ અને ઉત્સાહ સાથે મોડર્ન ધંધા વ્યવસાયને વિકસાવવા સંકલ્પ લેવાશે તથા સુરત ઉપરાંત સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી ૮૪ હજાર યુવા ઉદ્યોગ સાહસિકોને સમગ્ર વર્ષ દરમ્યાન જોડવામાં આવશે. પ્રાચીન સમયમાં જે દેશો સાથે વ્યાપાર થતો હતો તે દેશોની સાથે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સાથે એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

તા. ર૧ ઓકટોબર ર૦ર૩ થી ચેમ્બર ઓફ કોમર્સનું ૮૪ મું વર્ષ શરૂ થશે. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખોનું સન્માન કરવામાં આવશે. ચેમ્બરને નવી ઊંચાઇ આપવાના ભાગ રૂપે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો તેમજ ચેમ્બરના સભ્યોનો બિઝનેસ વિશ્વના ૮૪ દેશો સુધી ફેલાય તે માટે આ દેશોને વધારે સારી રીતે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. ચેમ્બરની સ્થાપના દિવસના ૮૪મા દિવસે એટલે તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૪ ના રોજ રૂપિયા ૮૪ હજાર કરોડના બિઝનેસ કરવા માટે એમઓયુ કરાશે, જે અંતર્ગત ઇન્ટરનેશનલ ટ્રેડ માટે સુવિધા ઉભી કરવામાં આવશે.

કનહહય ગ્લોબલ કનેકટ મીશન ૮૪ અંતર્ગત સુરત સહિત સમગ્ર ગુજરાતમાંથી એક્ષ્પોર્ટ વધારી શકાય તે માટેના પ્રયાસના ભાગ રૂપે ભારતની ૮૪ જેટલી ચેમ્બર ઓફ કોમર્સને તથા વિશ્વના ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને એક પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવશે અને ઉદ્યોગકારોની સાથે સંવાદ યોજાશે. ભારતના ૮૪ દેશોમાં કોન્સુલ જનરલને તેમજ ૮૪ દેશોના ભારત સ્થિત કોન્સુલ જનરલને જોડાશે અને તેઓના દેશો સાથે વ્યાપાર માટે જે કાયદા અને નિયમો છે તેના વિષે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપી દિશા નિર્દેશ કરવામાં આવશે. કયા દેશમાં કઇ પ્રોડકટની માંગ તથા જરૂરિયાતો છે તેના વિષે ખાસ ચર્ચા કરાશે અને તેની જાણકારી ઉદ્યોગકારોને આપવામાં આવશે, જેથી કરીને ભારતથી એક્ષ્પોર્ટ વધારી શકાશે. તદુપરાંત વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ, યુનો વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કાર્યરત ભારતીય સ્કોલરને આમંત્રિત કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં ૧ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું યોગદાન ગુજરાત રિજનમાંથી આપવાનો સંકલ્પ કરી તે દિશામાં અથાગ પ્રયાસ કરાશે. વડાપ્રધાને, દેશના ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન ડોલરના એક્ષ્પોર્ટનો લક્ષ્યાંક આપ્યો છે, તેમાં ૧પ૦ બિલિયન ડોલરનો એક્ષ્પોર્ટ ગુજરાત રિજનમાંથી થાય તે દિશામાં મકકમ પ્રયાસ કરાશે. એના માટે ચેમ્બર ઓફ કોમર્સ, તમામ ઔદ્યોગિક એસોસીએશનોને સાથે લઈને આગળ વધશે. જેથી કરીને ભારતને વિશ્વમાં સૌથી મોટી ત્રીજી ઇકોનોમી બનાવવાની દિશામાં યોગદાન આપી શકાય. કનહહય ગ્લોબલ કનેકટ મીશન ૮૪ અંતર્ગત ચાઇના ઉપરની નિર્ભરતાને ઘટાડવાનો પ્રયાસ કરાશે તથા મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા વગેરે અભિયાનોને સફળ બનાવવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button