સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પબ્લીક હેલ્થ કમિટી અને લેડીઝ વીંગ દ્વારા શનિવાર, તા. ૧૮ માર્ચ ર૦ર૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાકે, સરસાણા સ્થિત સંહતિ બિલ્ડીંગમાં બીજા માળે પિડિયાટ્રિક હોલમાં ‘એન્ટી–એજિંગ એન્ડ રિજનરેટીવ મેડીસીન’ વિષય પર જનજાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જર્મની સ્થિત નિષ્ણાંત ડો. શમ્સ શેકે ન્યુ એજ કોન્સેપ્ટ ઉપર એન્ટિ–એજિંગ માટે ઉપયોગી એવા દસ જુદા–જુદા પગલાં તથા જર્મન ટેકનોલોજી દ્વારા શોધાયેલી વિવિધ થેરપી વિષે વિસ્તૃત સમજણ આપી હતી.
ડો. શમ્સ શેકે જણાવ્યું હતું કે, એન્ટી એજીંગ માટે બહારથી નહીં પણ શરીરના અંદરના ભાગે સુધારો કરવામાં આવે છે. એમાં લોકોની રોગ પ્રતિકારક શકિત વધારવામાં આવે છે, શરીરમાં ઓકિસજનની યોગ્ય માત્રા જાળવવામાં આવે છે, શરીરમાં લોહીની શુદ્ધતા તેમજ હૃદય અને મગજ સહિત શરીરમાં લોહીનું સરળતાથી વહન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જર્મન ટેકનોલોજી દ્વારા શોધાયેલી વિવિધ થેરપી દ્વારા આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે.
તેમણે ન્યુ એજ કોન્સેપ્ટ ઉપર એન્ટિ–એજિંગ માટે ઉપયોગી એવા દસ જુદા–જુદા પગલાં વિષે માહિતી આપી હતી. જેમાં મેક્રો ન્યુટ્રિશન, ઓર્થો મોલ્યુકયુલર ન્યુટ્રિશન, પીએચ/એસિડ બેઇઝ બેલેન્સ, ઇમ્યુન સિસ્ટમ સપોર્ટ, બાયો આઇડેન્ટીકલ હોર્મોન રિપ્લેસમેન્ટ, પેપ્ટાઇડ થેરપી, રેગ્યુલર ડિટોકસીફિકેશન, ઓઝોન થેરપી અને ઓકસીજન થેરપીનો સમાવેશ થાય છે. તણાવમાંથી મુકત થવા માટે પર્સનલાઇઝ એકસરસાઇઝ પ્રોગ્રામ પણ વિકસાવવામાં આવ્યો છે, જેના વિષે તેમણે સવિસ્તર માહિતી આપી હતી. આ ઉપરાંત ટીશ્યુ ૦ર ઓપ્ટીમાઈઝેશન વિષે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા, તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી તથા માનદ્ મંત્રી ભાવેશ ટેલર અને માનદ્ ખજાનચી ભાવેશ ગઢીયા તેમજ ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય અને લેડીઝ વીંગના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતી સત્રમાં ઉપસ્થિત રહયાં હતાં.
ચેમ્બરના ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસીએ સમગ્ર સત્રનું સંચાલન કર્યું હતું. લુથરા ગૃપના ચેરમેન ગિરીશ લુથરાએ વકતાનો પરિચય આપી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન મનિષા બોડાવાલાએ સર્વેનો આભાર માન્યો હતો. સત્રમાં ઉપસ્થિત શ્રોતાઓના વિવિધ સવાલોના ડો. શમ્સ શેકે જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સત્રનું સમાપન થયું હતું.