સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશનના સંયુકત ઉપક્રમે તા. ૦૪/૦૩/ર૦ર૩ થી ૦૬/૦૩/ર૦ર૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એન્ડ મશીનરી એક્ષ્પો – સીટમે ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સોમવાર, તા. ૬ માર્ચ ર૦ર૩ ના રોજ છેલ્લા દિવસે એકઝીબીશન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં પ્રથમ દિવસથી જ બાયર્સનો ધસારો જોવા મળ્યો હતો. આજે રવિવારે તો જાણે બાયર્સ તથા વિઝીટર્સનું માનવ મહેરામણ ઉમટી પડયું હોય તેવી જનમેદની પ્રદર્શનમાં જોવા મળી હતી. દેશભરમાંથી આવનારા બાયર્સ તેમજ ટ્રેડર્સ અને વેપારીઓ માટે સરસાણા સ્થિત એકઝીબીશન સેન્ટરની ૧ લાખ રપ હજાર સ્કવેર ફૂટ જેટલી વિશાળ જગ્યા પણ એકસમયે નાની પડે એવી સ્થિતિનું સર્જન થયું હતું. ગઇકાલે પ્રથમ દિવસે ૬૮૬૮ જેટલા બાયર્સે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યારે આજે રવિવારે બીજા દિવસે ૧૦રર૮ બાયર્સ મળી બે દિવસમાં કુલ ૧૭૦૯૬ જેટલા વિઝીટર્સ પ્રદર્શનમાં જુદી–જુદી મશીનરી જોવા માટે ઉમટી પડયા હતા.
આ પ્રદર્શનમાં મુકાયેલી ડિજિટલ પ્રિન્ટીંગ મશીન, એમ્બ્રોઇડરી મશીન, ફયુઝન મશીન્સ, કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીન, ડાયટ ફેબ્રિક પ્રિન્ટર, ટી શર્ટ પ્રિન્ટીંગ મશીન, બધા પ્રકારના પ્રિન્ટીંગ ઇન્ક, સકર્યુલર નિટિંગ મશીન, નીડલ લૂમ્સ મશીન, રોલ ટુ રોલ મશીન, એપેરલ એસેસરીઝમાં એમ્બ્રોઇડરી થ્રેડ, એમ્બ્રોઇડરી ઓઇલ, એમ્બ્રોઇડરી કન્ટ્રોલ સિસ્ટમ, એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફટવેર અને એપેરલ મશીન્સ તથા તેના સંબંધિત સર્વિસિસ તેમજ વિવિધ એસેસરીઝ જોવા માટે બાયર્સની ભીડ જામી હતી. જેથી એકઝીબીટર્સને પણ બધા બાયર્સ અને વિઝીટર્સને પહોંચી વળવા માટે મુશ્કેલી પડી હતી.
ડિજીટલ ફેકટરીઓને ડિજીટલ મીલમાં કન્વર્ટ કરવાના લક્ષ્ય સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં હાઇસ્પીડ મશીનરીઓ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ડિજીટલ ફેકટરીઓની વાત કરીએ તો એમાં દરરોજ પાંચથી છ હજાર મીટર કાપડ પર પ્રિન્ટીંગ થાય છે. જ્યારે ડિજીટલ મીલમાં દરરોજ પ૦ હજારથી લઇને ૧ લાખ મીટર કાપડ પર ડિજીટલ પ્રિન્ટીંગ થઇ શકે છે. ‘નો વોટર, નો પોલ્યુશન’ના કોન્સેપ્ટ સાથે દર કલાકે ૧૩૦૦ મીટર કાપડ પર પ્રિન્ટીંગ કરતી ફયુઝીંગ મશીન પ્રદર્શિત કરાઇ રહી છે. ઇનહાઉસ ફેકટરીમાં ઉપયોગમાં લેવાતી મશીનરીઓ જ અહીં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ મશીનરીઓ વધુમાં વધુ પ્રોડકશન આપે છે અને એની સામે ખર્ચ પણ ઘટી જાય છે. સુરતમાં આશરે ૧૦૦૦ જેટલી ડિજીટલ પ્રિન્ટીંગની ફેકટરીઓ છે, જેને ડિજીટલ મીલમાં કન્વર્ટ કરવાની સમયની માંગ છે.
આ એકઝીબીશનમાં સુરતની સારામાં સારી બ્રાન્ડ ધરાવતા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ભાગ લીધો છે. તેઓના દરેક સ્ટોલ પર ટ્વીન સિકવન્સ, ટ્વીન બીડ્સ, મિકસ મશીન અને ૪થી લઇને ૮ સિકવન્સ સુધીની નવી વેરાયટીવાળી એમ્બ્રોઇડરી મશીનરીઓનું પ્રદર્શન થઇ રહયું છે. જેમાં ૧પ૦૦ આરપીએમની હાઇસ્પીડ ધરાવતી મશીનરીઓનો સમાવેશ થાય છે. આ મશીનરી થકી કાપડ ઉપર ફિનીશીંગ ખૂબ જ સારી લઇ શકાય છે. સુરતમાં આશરે એવી દોઢ લાખ જેટલી એમ્બ્રોઇડરી મશીનરી છે. રૂપિયા ૩૦ લાખથી લઇને રૂપિયા ૭૦ લાખ સુધીની યુરોપિયન ટેકનોલોજીવાળી મશીનરીનું પ્રદર્શન થઇ રહયું છે.
તદુપરાંત સકર્યુલર નિટિંગ મશીનરી પણ પ્રદર્શનમાં મુકાઇ છે. આ મશીનરી પર બનતા કાપડનો ઉપયોગ રેડીમેડ ગારમેન્ટ, સાડી, ડ્રેસ મટિરિયલ્સ, સ્પોટર્સ વેર માટે થાય છે. જેની ભારતમાં તેમજ વિદેશોમાં ઘણી સારી માંગ છે. રૂપિયા રપ લાખથી લઇને રૂપિયા પ૦ લાખ સુધીની કિંમતવાળી મશીનરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે.
આ બે દિવસ દરમિયાન સુરત અને અમદાવાદ ઉપરાંત દિલ્હી, તિરૂપુર, સેલવાસ, લુધિયાના, અમૃતસર, પાનીપત, જયપુર, ભીવંડી અને માલેગાવ વિગેરે દેશના જુદા–જુદા શહેરોમાંથી બાયર્સ પ્રદર્શનમાં આવ્યા હતા. આથી એકઝીબીટર્સને સેંકડો મશીનરીનો ઓર્ડર મળી જશે. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં માત્ર એમ્બ્રોઇડરી જ નહીં પણ વીવર્સ અને ટ્રેડર્સને પણ સારામાં સારો બિઝનેસમાં લાભ થશે. આ પ્રદર્શનથી એકઝીબીટર્સ અને બાયર્સ બંનેને સારામાં સારા બિઝનેસની આશા જન્મી છે.