સામાજિક અને આર્થિક પ્રતિષ્ઠા બચાવવા 17 વર્ષ જુના કેસમાં માલિક-ભાડૂઆત વચ્ચે સુખદ સમાધાન
લાંબા સમયથી ભાડૂ ચુકવવામાં અખાડા કરતાં ભાડૂઆતના વિરૂદ્ધમાં કોર્ટે ચુકાદો આપ્યો હતો, મીડિએશન સેન્ટરમાં બંને પક્ષકારો મિલકત તબદિલ કરવા સંમત થયા
સુરત, કોર્ટમાં કેસના ભારણને ઓછું કરવા માટે રચાયેલા મીડિએશન સેન્ટરમાં 17 વર્ષ જુના કેસનો સુખદ નિકાલ આવતા બંને પક્ષોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. લાંબા સમયને અંતે બંનેના મોઢા પર સ્મિત જોવા મળતા કોર્ટ સંકુલમાં પણ આનંદ વ્યાપી ગયો હતો.
વિગતો અનુસાર આનંદ મહેલ રોડ પર આવેલી એક મિલકતમાં માલિક-ભાડૂઆતના વિવાદમાં કોર્ટે માલિકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેનાથી નારાજ થઈને ભાડૂઆતે અપીલ ફાઈલ કરી હતી. લાંબા સમયથી ચાલી રહેલી કાનુની લડતને કારણે બંને પક્ષકારોના હજારો કલાક વેડફાઈ ગયા હતા. પરિણામની આશાએ બંને પક્ષો સતત કોર્ટના ચક્કર લગાવતા હતા પરંતુ કોર્ટમાં કેસનું ભારણ એટલી હદે વધી ગયું હોવાથી વિદ્વાન ન્યાયમૂર્તિ દ્વારા મીડિએશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં કોર્ટની કાર્યવાહી વિના બંને પક્ષકારોને મીડિએશન સેન્ટરમાં પુરતી દલીલો રજુ કરવાની તક આપવામાં આવે છે અને બંનેની દલીલોને અંતે મીડિએટર સમાધાનકારી વલણ અપનાવીને યોગ્ય માર્ગ દર્શાવે છે. આ માર્ગને બંને પક્ષકારોની લીલીઝંડી મળી જાય તો કોર્ટ બહાર જ મામલો સેટલ થઈ જાય છે.
આવી જ રીતે અડાજણસ્થિત આવેલી મિલકતના મામલામાં ભાડૂઆત અતુલ ચંદુભાઈ પટેલ અને માલિક પ્રથમેશ પરમાર વચ્ચે ચાલતી લાંબી કાનુની લડાઈનો સુખદ અંત આવ્યો હતો.
જ્યારથી અતુલભાઈ રહેતા હતા તે સમયથી અત્યાર સુધીનું ભાડૂ મળીને 19 લાખ રૂપિયા ચુકવવાના થતાં હતાં પરંતુ સિનિયર એડવોકેટ મુદસ્સીર એસ. કાનુન્ગોની દરમિયાનગીરીથી બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું છે જેનાથી મિલકત માલિક પ્રથમેશભાઈને પણ ન્યાય મળ્યાનો સંતોષ પ્રાપ્ત થયો છે તો 19 લાખ રૂપિયા ચુકવ્યા પછીયે ભાડૂત રહેવાને બદલે થોડી રકમ વધુ આપીને અતુલભાઈ એ જ મિલકતના માલિક બની ગયા છે. કોઈપણ કેસ લાંબા સમય સુધી ચાલે તો બંને પક્ષકારોની આર્થિક તેમજ સામાજિક પ્રતિષ્ઠા ખરડાય છે તેમજ બંને પક્ષોમાં લાંબા સમયે હતાશા ઘેરાઈ જતી હોવાથી મીડિએટર એમ.એસ. કાનુન્ગોએ બંને સુઝબુઝ પૂર્વક સમાધાનકારી વલણ અપનાવીને બંને પક્ષોને રાજી કરી દીધા હતા. તેમની દરમિયાનગીરીને ચેરમેન તેમજ સચિવે પણ પોઝિટિવ નોંધ લીધી છે.
મીડિએશન સેન્ટરના ચેરમેન તરીકે સેવારત ડિસ્ટ્રીક્ટ જજ બીકે વ્યાસ તેમજ સચિવ તરીકે સેવારત સીઆર મોદીના સતત માર્ગદર્શનને કારણે સુરતમાંથી અનેક કેસનું ભારણ ઓછું થયું છે. સુરતના આ મિજાજની ગાંધીનગર સુધી નોંધ લેવાઈ રહી છે.