ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા પાલની શાળાને મોડેલ ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવાશે
સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા પાલની ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાના વિદ્યાર્થીઓને બેન્ચ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર પુનીત નૈયર તેમજ સુરતના કોર્પોરેટર નિલેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. જે કાર્યક્રમમાં ગ્રીનમેન દ્વારા ખુશાલદાસ વનમાળીભાઈ પાલવાળા શાળાને દત્તક લઈ તેને પર્યાવરણીય મુલ્યો સાથે ગ્રીન સ્કૂલ બનાવવાની જાહેરાત થઈ હતી.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધાની સાથે પર્યાવરણની જાગૃતિ મળે એ માટે વિરલ દેસાઈ દ્વારા આ બેન્ચીઝ વિશેષરૂપે બેન્ચ તૈયાર કરવામાં આવી હતી, જ્યાં બાળકો પર્યાવરણ માટે નિસ્બત કેળવે એ માટે તમામ બેન્ચ પર પ્રકૃતિ સંરક્ષણ અને પ્રર્યાવરણ પ્રેમ સંદર્ભના યુનિક ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું, ‘બાળકોને સુવિધા મળે અને સુવિધાની સાથે તેમની પર્યાવરણની સમજણ કેળવાય એ મારું મુખ્ય ધ્યેય છે. આખરે આજના સમયમાં આપણને પર્યાવરણ પ્રત્યે સાચી નિસ્બત ધરાવતા નાગરિકોની સૌથી વધુ જરૂર છે. એટલા માટે જ મેં આ શાળાને પ્રથમ એવી શાળા બનાવવાનો નિર્ણય કર્યો છે, ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શનની થીમ પર આધારીત હશે.’
બેન્ચ વિતરણના આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈ તેમજ ડીએફઓ પુનિત નૈયરે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન તેમજ ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન સંદર્ભે સંવાદ પણ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્ય પ્રકાશભાઈ પરમારે આ પ્રસંગે પણ રાજીપો વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘શાળાના વિદ્યાર્થીઓને બેન્ચના લાભની સાથે પર્યાવરણની શીખ મળે એનો શિક્ષક તરીકે અમને સ્વાભાવિક આનંદ હોય.’
તો પુનિત નૈયરે કહ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓ વનીકરણ કે પર્યાવરણ સંરક્ષણ બાબતે જાગૃત થાય એ રીતે તૈયાર થયેલી આ બેન્ચીઝનો વિચાર વધાવી લેવા જેવો છે. વિરલ દેસાઈએ દિશામાં કામ કર્યું એ અભિનંદનને પાત્ર છે.’
ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા આ અગાઉ ઉધના રેલવે સ્ટેશનને મોડેલ સ્ટેશન તરીકે વીકસાવાયું હતું. જે સ્ટેશન આજે દેશ, એશિયા અને દુનિયાનું પ્રથમ એવું સ્ટેશન છે, જે ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર તૈયાર થયું હોય.