બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા ત્રિદિવસીય ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ– ર૦રર’નું આયોજન

ત્રિદિવસીય ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’માં ૩૦થી વધુ બ્રાન્ડ પાર્ટીસિપેટ કરશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૬, ૧૭ અને ૧૮ ડિસેમ્બર, ર૦રર દરમ્યાન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, અઠવા, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦રર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વખતે બીટુસી ધોરણે એકઝીબીશન યોજાશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ પ્રદર્શન ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ છે અને વ્યાપારિક સંબંધો વિકસાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રદર્શનમાં જ્વેલરી મેન્યુફેકચરર્સ અને ડિઝાઈનર્સ પોતાના વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે. સુરતમાં ડાયમંડ ટ્રેડીંગ અને જ્વેલરી મેન્યુફેકચરીંગ મોટા પાયા ઉપર થઇ રહયું છે. આથી ડાયમંડ જ્વેલરી મેન્યુફેકચરીંગ હબ તરીકે સુરતમાં વેલ્યુ એડીશનનું કામ થઇ રહયું છે, ત્યારે સ્પાર્કલ પ્રદર્શનને કારણે હીરા ઉદ્યોગને નવી ઊંચાઇ અને એક નવો આયામ પ્રાપ્ત થશે.

સ્પાર્કલ પ્રદર્શનમાં સુરતના બાયર્સ આવતા જ હોય છે. પરંતુ લગ્નસરા હોવાથી આ વખતે નવસારી, બારડોલી અને વાપી વિગેરે દક્ષિણ ગુજરાતમાંથી એનઆરઆઇને એક જ પ્લેટફોર્મ પરથી વિવિધ અવનવી ડિઝાઇનર્સ જ્વેલરી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્વેલરી મેન્યુફેકચરીંગ અને ડિઝાઇનીંગમાં સુરતની કેપેસિટી પણ વધી રહી છે ત્યારે સ્પાર્કલ એકઝીબીશનને હવે સુરત પૂરતું જ સીમિત રાખવામાં આવશે નહીં. સુરતમાં વર્ષોથી સફળ આયોજન બાદ સ્પાર્કલ એકઝીબીશનને અમદાવાદ, રાજકોટ, મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોર જેવા દેશના મેટ્રો શહેરો સુધી લઇ જવાનો પ્રયાસ ચેમ્બર દ્વારા કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને ગ્લોબલ માર્કેટ પુરું પાડવાના હેતુથી યુ.એસ.એ. અને દુબઇ ખાતે એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું, આથી સુરતના હીરાના ઉદ્યોગપતિઓ તેમજ જ્વેલર્સ પણ તેઓની જ્વેલરી વૈશ્વિક બજારમાં મુકી શકે તે માટે ચેમ્બર દ્વારા ભવિષ્યમાં યુએસએ, દુબઇ તથા અન્ય દેશોમાં જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન તેમજ કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ઉપરાંત ગુજરાત તથા દેશભરના બાયર્સને સ્પાર્કલ પ્રદર્શનની પ્રતિક્ષા હોય છે. સ્પાર્કલના આયોજનમાંં આ વર્ષે પણ શહેરના જ્વેલરી તેમજ હીરા ઉદ્યોગ અને તેની સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગકારોએ જે ઉત્સાહ દાખવ્યો છે તે પ્રસંશનીય છે. આવનારા વર્ષોમાં આ ઉત્સાહ ઉત્તરોત્તર વધતો રહે તે જરૂરી છે. કારણ કે, તેનાથી સુરતની અર્થ વ્યવસ્થા વધુ મજબૂત બની શકશે. આ પ્રદર્શનમાં રપથી વધુ જ્વેલર્સ ભાગ લઇ રહયા છે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરને જ્વેલરી હબ બનાવવાનું સપનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું હતું. વિશ્વભરમાં વેચાતા ૧૦૦ માંથી ૯૦ ડાયમંડ સુરતમાં બને છે અને સુરતના જ્વેલર્સ અવનવી ડિઝાઇન બનાવવા માટે આગવી તૈયારી કરી રહયા છે ત્યારે સુરત વિશ્વનું જ્વેલરી હબ બની શકે છે. આવું એટલા માટે થઇ શકે છે કે સુરત જ્વેલરી ડિઝાઇનીંગ ફેકટર્સમાં પણ આગળ છે.

તદુપરાંત દેશના વિવિધ મેટ્રો શહેરોમાંથી રોજના પ૦થી પણ વધુ ગ્રાહકો સુરતની જ્વેલરી ખરીદવા માટે આવે છે, આથી સુરતના જ્વેલર્સને પ્લેટફોર્મ પૂરુ પાડવાના હેતુથી સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેને રાષ્ટ્રીય જ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઇ જવાનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રયાસ કરી રહયું છે.

સ્પાર્કલ એકઝીબીશનને કસ્ટમર ફ્રેન્ડલી એકઝીબીશન બનાવવામાં આવશે. ગ્રાહકો માટે કોન્ફરન્સ રૂમ ઉભો કરવામાં આવશે. પોલકી ડાયમંડ, ફેન્સી ડાયમંડ, એન્ટી ગોલ્ડ જેવી સુરતમાં ડિઝાઇન થતી જ્વેલરી ભારતભરમાં વખાણાય છે. આ એકઝીબીશનમાં રૂપિયા ૧ લાખથી લઇને રૂપિયા ૧ કરોડ સુધીના બજેટની ભરપુર વેરાયટીઝ પ્રદર્શિત કરવામાં આવશે. ગુણવત્તાયુકત અને વિવિધ ડિઝાઇનીંગ સાથેની જ્વેલરી રિઝનેબલ ભાવે મળી રહેશે.

સ્પાર્કલ ઇન્ટરનેશનલ પ્રદર્શનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, સ્નેહલ પચ્ચીગર, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ પણ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે.

સ્પાર્કલ પ્રદર્શનમાં ભારતભરમાંથી ૩૦થી વધુ જ્વેલરી બ્રાન્ડ પાર્ટીસિપેટ કરી રહી છે. જેમાં કાંતિલાલ એન્ડ બ્રોસ જ્વેલર્સ, પચ્ચીગર જ્વેલર્સ, પચ્ચીગર એન્ડ સન્સ, શાહ વીરચંદ ગોવાનજી જ્વેલર્સ પ્રા.લિ., ડી. ખુશાલભાઇ જ્વેલર્સ, ધ્રુવ જેમ્સ પ્રા.લિ., ડી એન ઓર્નામેન્ટ્‌સ પ્રા.લિ., ન્યુ પટેલ જ્વેલર્સ, સી મનસુખલાલ જ્વેલર્સ, એન્ટીક ગોલ્ડ, ધ જ્વેલરી પેલેસ, શી જ્વેલ્સ, તુલસી જ્વેલર્સ, કેજરીવાલ જ્વેલર્સ, રાજશ્રી જ્વેલર્સ, ડીવેરા ડાયમંડ જ્વેલરી, કે. એમ. ચોકસી જ્વેલર્સ પ્રા.લિ., રાજ ઘરાના જ્વેલરી, બિકાનેર જ્વેલર્સ, સુરત જ્વેલરી શો, દાગીના જ્વેલર્સ (આઇ) પ્રા.લિ. અને હેપ્પી જેમ્સ એન્ડ જ્વેલરી તથા અન્ય જ્વેલર્સનો સમાવેશ થાય છે.

સ્પાર્કલ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને સુરત જ્વેલર્સ એસોસીએશન, વરાછા – કતારગામ જ્વેલર્સ એસોસીએશન, જ્વેલરી એસોસીએશન ઓફ અમદાવાદ, વડોદરા જ્વેલર્સ એસોસીએશન, નવસારી જ્વેલર્સ એસોસીએશન, સુરત જ્વેલરી શો અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી કેરીયર ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button