અમદાવાદએન્ટરટેઇન્મેન્ટગુજરાત

ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા વર્લ્ડ હેરિટેજ વીક દરમિયાન રાણીની વાવ અને અડાલજની વાવ ખાતે ભવ્ય વૉટર ફેસ્ટિવલનું આયોજન કરાશે

ઉસ્તાદ ફઝલ કુરેશી, ડ્રમ્સ શિવમણિ, અયાન અલી બંગાશ, આદિત્ય ગઢવી અને અન્ય જાણીતા કલાકારો 19 અને 25 નવેમ્બરના રોજ આ બંને ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે

અમદાવાદ : કર્ણપ્રિય સંગીત મહોત્સવ દ્વારા વ્યાપક શ્રોતાગણ સમક્ષ ઐતિહાસિક સ્મારકોની મહાન ગાથાને પુનઃપ્રસ્તુત કરવાની વૈભવી પરંપરાને આગળ ધપાવતા જાણીતાં ભરતનાટ્યમ્ અને લોકનૃત્યકાર બિરવા કુરેશી દ્વારા શરૂ કરાયેલ પહેલ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આગામી 19 અને 25 નવેમ્બરના રોજ અનુક્રમે પાટણની રાણીની વાવ અને અમદાવાદમાં અડાલજની વાવ ખાતે વૉટર ફેસ્ટિવલનું આયોજન કરાશે.

છેલ્લા 13 વર્ષથી સતત ક્રાફટ ઓફ આર્ટ કેટલાક ઐતિહાસિક સ્મારકોના સ્થળે ક્વોલિટી થિમેટીક મ્યુઝિક તેમજ સ્મારકના કસબ, સૌંદર્ય અને ભવ્યતાના સમન્વયની રજૂઆત કરે છે. અમદાવાદમાં અને ગુજરાતના અન્ય સ્થળોએ ક્રાફટ ઓફ આર્ટસનો સુફી, વૉટર અને ગુંબજ ફેસ્ટીવલ લોકોના મન અને હૃદયમાં સંગીતના વૈવિધ્ય અને ગુણવત્તાથી તેમજ તેના કન્સેપ્ટથી નાગરિકોને અદભૂત સ્મારકોના ભવ્ય વારસા સાથે જોડવાનો પ્રયાસ કરે છે.

એપ્રિલમાં ક્રાફટ ઓફ આર્ટ દ્વારા ઈલોરાની વિશ્વ પ્રસિધ્ધ ગુફાઓ ખાતે અને ઓકટોબરમાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે સન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ અંગે માહિતી આપતાં ક્રાફ્ટ ઓફ આર્ટના સંસ્થાપક અને આર્ટિસ્ટિક ડિરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું હતું કે, “રાણીની વાવ અને અડાલજની વાવ ખાતે વૉટર ફેસ્ટીવલનું આયોજન કરીને અમે અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ. વૉટર ફેસ્ટીવલના માધ્યમથી શ્રોતાઓને આ બંને ઐતિહાસિક મહત્વ ધરાવતા સુંદર સ્મારકોના વૈભવને માણવાની સાથે સાથે જ કેટલાંક જાણીતાં કલાકારોની કળાનો આસ્વાદ પણ માણવાનો લ્હાવો મળશે. વર્લ્ડ હેરિટેજ વીક (નવેમ્બર 19થી 25) નિમિત્તે યોજાનારા આ બંને મહોત્સવ કલાકારોની સાથે સાથે જ શ્રોતાઓ માટે પણ આજીવન યાદગાર બની રહેશે.

રાણીની વાવ ખાતેના વૉટર ફેસ્ટીવલમાં પરફોર્મિંગ આર્ટિસ્ટ્સના બે અલગ જૂથો પોતાની કળાની રજૂઆત કરશે. જેમાં કલાકારોના પ્રથમ જૂથ દ્વારા જુગલબંધીની રજૂઆત કરાશે. જેમાં છેલ્લા 35 વર્ષથી દુનિયાભરના દર્શકોને મંત્રમુગ્ધ કરી દેનાર તબલાવાદક ઉસ્તાદ ફઝલ કુરેશી અને બેનમૂન અને કર્ણપ્રિય સરોદવાદન દ્વારા ભારત અને વિદેશમાં સંગીત પ્રેમીઓના દિલ જીતનાર અયાન અલી બંગશની જુગલબંદીનો સમાવેશ થાય છે. તેમની રજૂઆત બાદ અનેક ભાષાઓમાં ગીતો રજૂ કરનાર લોકગાયક આદિત્ય ગઢવી પોતાની કળા રજૂ કરશે.

મહારાષ્ટ્રના ઢોલ તાશે જૂથ દ્વારા એક વિશેષ રજૂઆત પણ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. લોકપ્રિય ટીવી અભિનેતા માનવ ગોહિલ આ કાર્યક્રમનું સંચાલન કરશે.

અડાલજની વાવ ખાતે યોજાનારા વૉટર ફેસ્ટીવલમાં તબલા પર ઉસ્તાદ ફઝલ કુરેશી અને વિશ્વભરમાં પોતાની કળા દ્વારા દર્શકોનું મન જીતી લેનાર તથા સંગીતજગતમાં અનેક ટોચના લોકો સાથે કામ કરનાર ડ્રમવાદક શિવમણીના નેજા હેઠળ દેશના કેટલાંક જાણીતાં કલાકારો પોતાની કળા રજૂ કરશે.

આ ઉપરાંત વૉટર ફેસ્ટીવલ દરમિયાન સિતારવાદન, કમ્પોઝર અને ગ્રેમી એવોર્ડ માટે નામાંકિત થનાર રવિન્દ્ર ચેર, એવોર્ડ વિજેતા કીબોર્ડ પ્લેયર સ્ટીફન ડેવસી, સેશન બાસ પ્લેયર, કમ્પોઝર અને સંગીત નિર્માતા શેલ્ડન ડીસિલ્વા તથા પ્રતિભાશાળી ઢોલકવાદક નવિન શર્મા વગેરે જેવા નામાંકિત કલાકારો પોતાની કલા દ્વારા શ્રોતાઓના ઉત્સાહમાં વધારો કરશે.

ભારતના ટોચના પરફોર્મન્સ જૂથ પૈકીના એક મૈઈતી પંગ ચોલોમ ડ્રમર્સ દ્વારા વૉટર ફેસ્ટીવલમાં નૃત્ય,ડ્રમિંગ તથા માર્શલ આર્ટ્સના અનોખા સંયોજન પર આધારિત પોતાનું પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંચાલન અભિનેતા વ્રજેશ હિરજી દ્વારા કરાશે.

વર્ષ 2010માં આ વાર્ષિક ફેસ્ટીવલનો યુનેસ્કોએ જાહેર કરેલા વર્લ્ડ હેરિટેજ વીકના ભાગ તરીકે સરખેજના રોજા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. સતત 13 વર્ષ સુધી દેશભરમાં 27થી વધુ મ્યુઝિક અને સ્મારકોના સમન્વયના જાદુના કાર્યક્રમનું આયોજન કરીને પ્રસિધ્ધ કલાકારો કલા અને સંગીત ચાહકોને જોડવામાં આવ્યા હતા. સ્થાપત્યની અજાયબીની ભવ્યતાને મોહક સંગીત સાથે જોડીને રજૂ કરાતા આ કાર્યક્રમોને વિવિધ શહેરો લોકો, મિડીયા અને કલા ચાહકોનો અભૂતપૂર્વ પ્રતિભાવ હાંસલ થયો હતો.

રાણીની વાવએ 11મી સદીમાં નિર્માણ પામેલી તેમજ પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલી વાવ છે. આ સ્થાપત્યને 1940ની આસપાસ ફરીથી શોધી કાઢવામાં આવી હતી અને વર્ષ 1980માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયાએ તેનુ પુનઃસ્થાપન કર્યુ હતુ. આ સ્મારકને વર્ષ 2014થી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટસની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અડાલજની વાવનું નિર્માણ 15મી સદીમાં કરવામાં આવ્યું હતું અને તે ભારતીય સ્થાપત્ય કળાનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટેનું લોકપ્રિય પ્રવાસન આકર્ષણ છે.

ક્રાફટ ઓફ આર્ટનો ઉદ્દેશ સ્મારકોને લોકો સુધી લઈ જઈને સ્મારક અને વારસામાં લોકોની રૂચી પેદા કરવાનો છે અને એમાં છુપાયેલી કલા, ઐતિહાસિક સ્મારકોની ભવ્યતાને સમૃધ્ધ અને આકર્ષણનો સમન્વય કરીને રજૂ કરવાનો છે. તેનુ સંગીત સાથે મિશ્રણ લોકોને ઈતિહાસ, સંસ્કૃતિ, પરંપરા,  કલા, કસબ અને સ્થાપત્ય સાથે જોડવામાં મદદ કરે છે.

રાણીની વાવ અને અડાલજની વાવ ખાતે યોજાનાર વૉટર ફેસ્ટીવલના મુખ્ય સ્પોન્સર – ગુજરાત ટુરિઝમ, કો-સ્પોન્સર – અદાણી (ફક્ત અડાલજની વાવ), રેડિયો પાર્ટનર – રેડિયો સિટી અને આઉટડોર પાર્ટનર – સેલવેલ છે.

વૉટર ફેસ્ટિવલમાં પ્રવેશ મફત છે પરંતુ bookmyshow.com પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હશે તેઓને સ્થળ પર ફિઝિકલ ઇન્વાઇટ આપવામાં આવશે. પ્રવેશ વહેલા તે પહેલા ધોરણે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button