ગુજરાત

કેન્દ્ર સરકારની ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ ગુજરાતમાં રૂ।.૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર -માર્ગ અને મકાન મંત્રી  પૂર્ણેશભાઈ મોદી

માર્ગ અને મકાન મંત્રી  પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના નાગરીકોને પરિવહન સુવિધાઓનો વધુને વધુ લાભ મળે તે માટે ગુજરાતમાં રૂ।. ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે નવા ૩૪ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર કર્યા છે. ગુજરાતના નાગરીકો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નિતીન ગડકરીનો મંત્રીશ્રીએ આભાર વ્યક્ત કર્યો છે.

મંત્રી  પૂર્ણેશભાઇ મોદીએ ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ ૨૦૨૨-૨૩નો રૂ।. ૩૭૬૦.૬૪ કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં રૂા.રપ૧૧.૧૦ કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રીજના બાંધકામો તેમજ રૂ।. ૧ર૪૯.૫૪ કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટીવીટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રીજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી/આર.યુ.બીનુ નિર્માણ કરાશે, જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

તેમણે ઉમેર્યુ કે, આ વાર્ષિક પ્લાનમાં રૂા. ૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કી.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે. જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંકશન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે, તેમજ હયાત સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે. આ ઉપરાંત રૂા.૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે. આ ઉપરાંત રૂા. ૧૧૦ કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે ૪ કી.મી. લંબાઇ ૩ એલીવેટેડ ફ્લાય-ઓવરનુ નિર્માણ કરાશે.

મંત્રી ઉમેર્યુ કે, રૂા. ૨૫૭ કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના ૫૦.૪૮ કી.મી.ના ૧૦ મીટર પહોળા રસ્તાનુ નિર્માણ કરાશે. જેના પર ૨(બે) રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનુ નિર્માણ થશે. આ રોડ પર ૧૦૦ કી.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે. આ ઉપરાંત રૂા. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા – અમરેલીના ૫૦.૪૮ કી.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનુ નિર્માણ કરાશે.

આ ઉપરાંત રૂા. ૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા – શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે. તે જ રીતે આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનુ અપગ્રેડેશન કરાશે. વધુમાં રૂા. ૨૫૦ કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ચાર લેન રસ્તો બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરીકોને યાતાયાતની સુવિધાઓમાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે છેલ્લા ૬ માસમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાં રૂા.૧૨,૨૦૦ કરોડના ખર્ચે વિવિધ માર્ગ નિર્માણ-વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કામોની કામગીરી પ્રગતી હેઠળ છે.
તેમણે ઉમેર્યુ કે, ભારત સરકાર દ્વારા આ કામગીરી માટેના ડી.પી.આર. કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવી છે અને એ માટે વિગતવાર સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button