સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ છે, ત્યારે રાજ્યમાં અનેક સ્થળોએ યોગ દિવસની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતમાં રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે, જેમાં લગભગ 1.5 લાખ લોકોએ એકસાથે યોગ કર્યા હતા.
સુરતના નામે વર્લ્ડ રેકોર્ડ સર્જાય તે હેતુથી સુરત મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘણા દિવસોથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. બુધવારે સવારે 6 થી 8 દરમિયાન આયોજિત યોગ કાર્યક્રમ માટે વાય જંકશનથી એસવીએનઆઈટી સર્કલ અને વાય જંકશનથી બ્રેડ લાઈનર સર્કલ સુધીના છ કિમીના અંતરે યોગાભ્યાસ માટે 125 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી હતી.
બુધવારે સવારે 1.25 લાખથી વધુ લોકો યોગાસન કરવા અને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે અહીં એકઠા થયા હતા. દોઢ લાખ લોકોએ એકસાથે યોગા કરીને સુરતના નામે નવો ગિનિસ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે
લોકો આજે યોગ કરવા વહેલા પહોંચી ગયા હતા અને તેના માટે લગભગ 250 સ્ક્રીન લગાવવામાં આવી હતી. આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સઘવી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યમાં 60 હજારથી વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.