વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ચેમ્બરની લેડીઝ વીંગે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લઇ ડાયમંડ એકસપોર્ટ સુધીની વૈશ્વિક કક્ષાની સુવિધાનો અભ્યાસ કર્યો
ચેમ્બરની લેડીઝ વીંગ અને જીટો લેડીઝ વીંગ– વાપીના સંયુકત ઉપક્રમે સફળ મહિલા સાહસિકો સાથે ફાયનાન્સ મેનેજમેન્ટ વિશે સેમિનાર પણ યોજાયો
સુરત. વિશ્વભરમાં ૮મી માર્ચે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચેમ્બરની લેડીઝ વીંગની ૪૭ જેટલી મહિલા સાહસિકોએ મંગળવાર, તા. ૮ માર્ચ ર૦રર ના રોજ સવારે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી.
ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ તેમજ જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ લેડીઝ વીંગની મહિલા સાહસિકોને સુરત ડાયમંડ બુર્સ વિશે માહિતી આપી હતી. જેમાં મહિલા સાહસિકોએ બેંક, આંગડીયા પેઢી તથા અન્ય ઓફિસોની મુલાકાત લીધી હતી. ડાયમંડને સુરતથી ડાયરેકટ એકસપોર્ટ કરી શકાય તે માટે સુરત ડાયમંડ બુર્સમાં જે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવામાં આવ્યું છે તેનો લેડીઝ વીંગે અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ ચેમ્બરની લેડીઝ વીંગ અને જીટો લેડીઝ વીંગ– વાપીના સંયુકત ઉપક્રમે બપોરે ૩:૦૦ કલાકે સમૃદ્ધિ, સરસાણા ખાતે ફાયનાન્સ મેનેજમેન્ટ વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં જીટોના પ્રેસિડેન્ટ મંદાકીની શાહે જીટો વિશે ચર્ચા કરી હતી.
વાપીના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ભારતી સુમરીયાએ પોતાના સફળ બિઝનેસ વિશે ચર્ચા કરી અન્ય મહિલાઓને પણ બિઝનેસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે રાઇફલ શુટીંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ સીમા ગાલાએ મહિલાઓને જીવનમાં આગળ વધવા માટે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની સલાહ આપી હતી.
ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ ચેમ્બરની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. લેડીઝ વીંગના સેક્રેટરી મનીષા બોડાવાલાએ ભારતી સુમરીયા અને સીમા ગાલાનો પરિચય આપ્યો હતો. જ્યારે જોઈન્ટ સેક્રેટરી સ્વાતિ જાનીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરની લેડીઝ વીંગના કો–ચેરપર્સન તેમજ વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.