મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરત દ્વારા જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી
મહિલાલક્ષી અનેકવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી
સુરતઃમંગળવારઃ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરત દ્વારા “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીશ્રી બી.જે.ગામીતે જણાવ્યું હતું કે, સમાજમાં દિકરીઓ દરેક ક્ષેત્રે અગ્રેસર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’, વ્હાલી દિકરી જેવી અનેક યોજના અમલી બનાવી છે. દરેક દિકરીને ડીજીટલ કૌશલ્ય, ટેકનોલોજીનું શિક્ષણ અને પ્રગતિની સમાન તક મળે તે સામટે સૌને સહિયારા પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો.
સમાજ સુરક્ષા અધિકારીશ્રી જીગ્નેશ ચૌધરીએ કહ્યું હતું કે, જાતીય ગુના જેવા કે, છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલાં, બળાત્કાર, બાળકો સાથે થતા જાતીય હુમલા, જાતીય સતામણી સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨- પોસ્કો એક્ટ વિશેની વિગતો આપી હતી.
આ અવસરે મહિલા કલ્યાણ અધિકારી શ્રીમતી સ્મીતાબેન પટેલે જણાવ્યું હતું કે, આધુનિક ટેક્નોલોજીના યુગમાં ઈલેક્ટ્રોનિક સંસાધનના વપરાશની સાથે સાયબર ક્રાઈમથી સતર્ક રહેવું પડશે. લોભામણી જાહેરાત જોઈને કોઈ પણ પ્રકારની અંગત માહિતી કોઈ પણ સાથે શેર ન કરવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે અન્ય મહિલાલક્ષી યોજનાઓ જેવી કે, સખી વન સ્ટોપ સેન્ટર, પીબીએસસી સેન્ટર, ૧૮૧ મહિલા હેલ્પ લાઈન, વ્હાલી દીકરી યોજના દ્વારા મહિલા, દિકરીઓ સાથે થતી ધરેલું હિંસાના સમયે સરકારશ્રી દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવાનો ઉપયોગ કરવા અંગેની વિગતો આપી હતી. નોંધનીય છે કે, જિલ્લામાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષામાં રમત-ગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે સિધ્ધી મેળવેલ દિકરીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે હાજર સૌએ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’યોજનાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ અવસરે, ૧૮૧ મહિલા હેલ્પ લાઈનનાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ચંદ્રકાંતભાઈ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી કે.વી.લકુમ, શિક્ષણ શાખાનાં અધિકારીશ્રી, મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં કર્મચારીઓ, જિલ્લામાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષામાં રમત-ગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે સિધ્ધી મેળવેલી દિકરીઓ, વાલીઓ તેમજ શાળાની વિધાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.