બિઝનેસસુરત

સુરતથી એકસપોર્ટ વધારવા માટે ઉદ્યોગકારો અને નિર્યાતકારોને સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી અપાઇ

‘આત્મનિર્ભર ભારત માટે નિર્યાતની ભૂમિકા’વિષે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન – સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૪ નવેમ્બર, ર૦રર ના રોજ  સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘આત્મનિર્ભર ભારત માટે નિર્યાતની ભૂમિકા’વિષય ઉપર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નિષ્ણાત વકતા તરીકે અમદાવાદના એકસપોર્ટ – ઇમ્પોર્ટ કન્સલ્ટન્ટ અંકિત મજમુદારે સ્ટેટેસ્ટીક ડેટાના આધારે આયાતકારો અને નિર્યાતકારોને એકસપોર્ટ વધારવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ કઇ રીતે લઇ શકાય? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

અંકિત મજમુદારે જણાવ્યું હતું કે યુએસએ, યુકે, જર્મની, ચાઇના અને ફ્રાન્સ બાદ ભારત હવે ૪ ટકા વર્લ્ડ માર્કેટ શેરની સાથે વિશ્વનું સાતમું લાર્જેસ્ટ સર્વિસિસ એકસપોર્ટર બની ગયું છે. દેશના જીપીડી ગ્રોથમાં એમએસએમઇનો ફાળો ૩૦ ટકા છે.

જ્યારે હાલ ભારતમાંથી થતા એકસપોર્ટમાં એમએસએમઇનું યોગદાન ૪પ ટકા જેટલું છે, આથી સરકાર દેશમાંથી એકસપોર્ટ વધારવા માટે ઉદ્યોગકારો તથા નિર્યાતકારોને પ્રોત્સાહન આપી રહી છે અને એના માટે સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે.

તેમણે સરકાર દ્વારા ખાસ કરીને નિર્યાતકારો માટે બનાવવામાં આવેલી યોજનાઓ જેવી કે રોડટેપ સ્કીમ, સ્કીમ ફોર ઇન્ડિયન સર્વિસ એકસપોર્ટ્‌સ, રિબેટ ઓન સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેકસ એન્ડ લેવી, ડયુટી ફ્રી ઇમ્પોર્ટ ઓથોરાઇઝેશન, ડયૂટી ડ્રોબેક ઇન્સેન્ટીવ, ઇપીસીજી સ્કીમ, પ્રોડકશન લીન્કડ ઇન્સેન્ટીવ સ્કીમ્સ, ઇન્ટરેસ્ટ ઇકવલાઇઝેશન સ્કીમ અને માર્કેટ એકસેસ ઇનીશિએટીવ સ્કીમ વિષે માહિતી આપી હતી.

ભારતમાંથી રેડીમેડ ગારમેન્ટ અને જેમ્સ એન્ડ જ્વેલરીનું એકસપોર્ટ પણ વધી રહયું છે ત્યારે નિર્વિક સ્કીમ નાના નિર્યાતકારો માટે આશિર્વાદ સમાન છે. નિર્યાતકારોનું જ્યારે પેમેન્ટ ફસાઇ જાય છે અને વિદેશી બાયર્સ તરફથી પેમેન્ટ મળતું નથી ત્યારે આ સ્કીમ અંતર્ગત સરકારની ઇન્સ્યુરન્સ કંપની દ્વારા નાના નિર્યાતકારોને ૯૦ ટકા સુધીની રકમ ચૂકવવામાં આવે છે, આથી આ સ્કીમ નાના નિર્યાતકારોને એકસપોર્ટ ક્રેડીટ રિસ્ક પૂરું પાડે છે.

તેમણે નિર્યાતકારો માટે આવશ્યક ર૭ જેટલા એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ્સ વિષે સમજણ આપી હતી. તેમણે કહયું હતું કે, ભારતથી એકસપોર્ટ કરવામાં આવતી પ્રોડકટ પ્રમાણે જુદી–જુદી કાઉન્સીલના સભ્ય થઇને નિર્યાતકારો વિવિધ સ્કીમનો લાભ સરળતાથી લઇ શકે છે. તેમણે એકસપોર્ટ કરવા માટે જરૂરી ડોકયુમેન્ટ્‌સ અને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે નિર્યાતકારો તથા ઉદ્યોગ સાહસિકોને વિદેશમાં બાયર્સને ઓળખવા અને શીપમેન્ટ સંબંધિત જાણકારી આપી હતી. લોકલ ટ્રાન્સપોર્ટેશન, બેન્ક ડોકયુમેન્ટ્‌સ, પેમેન્ટ ફોર્માલિટીઝ, યોજનાઓનો લાભ મેળવવા માટે કલેમ, કસ્ટમ કલીયરન્સ, અરેન્જીંગ શિપીંગ લાઇન અને એરલાઇન એકટીવિટી વિષે માહિતી આપી હતી. સાથે જ તેમણે એકસપોર્ટ માટેના રિસ્ક ફેકટર્સ અંગે માહિતી આપી એડવાન્સ પેમેન્ટ, લેટર ઓફ ક્રેડીટ, કલેકશન, ઓપન એકાઉન્ટ અને કન્સાઇન્મેન્ટ વિષે સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે ચેમ્બરની પ્રવૃત્તિઓ વિષે માહિતી આપી હતી. ચેમ્બરની એકસપોર્ટ પ્રમોશન એન્ડ ફોરેન ટ્રેડ કમિટીના એડવાઇઝર દેવકિશન મંઘાણીએ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના સભ્ય હરેશ કલકત્તાવાલાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

કાર્યક્રમમાં વકતાએ આયાતકારો તથા નિર્યાતકારોના વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશનના એકઝીકયુટીવ ડાયરેકટર ઉન્મેશ દિક્ષીતે સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button