સુરતઃ કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરત જિલ્લાના કિમ-કોસંબા સ્થિત વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સુરત જિલ્લાના માંગરોળના મહુવેઝ-કોસંબા ખાતે ફેડરલ ટેક્ષ્ટાઈલ પાર્ક સ્થિત વિવિધ યુનિટોની મુલાકાત લીધી હતી. મંત્રીએ કર્મચારીઓના રહેણાંક મકાનની મુલાકાત લીધી હતી.
આ અવસરે મંત્રીએ સિટિઝન અંબ્રેલા મેન્યુફેક્ચરિંગ લિ. તથા કુસુમનગર પ્રા. લિ. કંપનીમાં આર્મી માટે ઉપયોગમાં લેવામાં આવતા પેરાશુટ ફેબ્રિક, થર્મલ પ્રોટેકશન જેકેટ, મિલિટ્રી સેગમેન્ટ યુનિટની મુલાકાત લીધી હતી.
મંત્રીએ કિમ સ્થિત ડોઢીયા સિન્થેટિકસ લિ.ની મુલાકાત લીધી હતી, જયાં પ્લાસ્ટિક કચરામાંથી બનાવવામાં આવતા યાર્ન યુનિટને નિહાળી પ્રભાવિત થઈને જણાવ્યું હતું કે, કંપની દ્વારા ૨.૫ મિલિયન ટનની કેપેસિટીનું રિસાયકલિંગ કરીને યાર્ન બનાવવામાં આવે છે, જેમાંથી સાડી, સ્વેટર, શર્ટ, બુટ જેવી અનેક ચીજવસ્તુઓ, ઉત્પાદનો બનાવવામાં આવી રહી છે. જે પર્યાવરણના સંરક્ષણ માટે ખૂબ જરૂરી છે.
ભારતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ ૧૧ ટકાના દરે અને ગારમેન્ટ સેકટર ૩૫ ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે. સુરત મિનિ ભારત છે. અહી ટેક્ષટાઇલ સેકટરના અનેક યુનિટો કાર્યરત છે. વડાપ્રધાનની આગેવાની હેઠળ ભારત દેશ તેજીથી આગળ વધી રહ્યો હોવાનું જણાવી સરકાર દરેક ઈન્ડસ્ટ્રીઝ સાથે હોવાનું જણાવ્યું હતું.
આ અવસરે ડોઢીયા ઈન્ડસ્ટ્રીઝના મનસુખભાઈ તથા કરશનભાઈ તથા અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.