સુરત : પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે સોમવારથી શરૂ થયેલી બીજી યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ ૨૦૨૨ માં ગુજરાતના ચાર ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરીને અંડર-11 કેટેગરીમાં મેઇન ડ્રોમાં પ્રવેશ કર્યો હતો.
સુરતના ત્રણ ખેલાડી હ્રિદાન પટેલ (અંડર-11 બોયઝ), દાનીયા ગોદીલ તથાવિન્સી તન્ના (અંડર-11 ગર્લ્સ)એ ઘરઆંગાણાનો લાભ ઉઠાવીને શાનદાર રમત દાખવી હતી તથા તેમની ક્વોલિફાઈંગ રાઉન્ડની મેચો આસાનીથી જીતી લીધી હતી.
બોયઝ વિભાગમાં હ્રિદાને કર્ણાટકના શ્રીરામ કિરણને તથા મહારાષ્ટ્ર બી ટીમના પ્રનિલ ઐગાંવકરને ગ્રૂપ 6માં હરાવ્યા હતા.
ગર્લ્સ કેટેગરીમાં અમદાવાદની ખ્વાશ લોટિયાએ ગ્રૂપ-15માં મજબૂત દેખાવ કર્યો હતો. ગ્રૂપ-11માં દાનિયા ગોદીલે આસામની આયાત રહેમાન, રાજસ્થાનની દાસુંદી સિંઘને હરાવી હતી. વિન્સીએ પણ તેની બંને મેચમાં આસાન વિજય હાંસલ કરી લેતાં મેઇન ડ્રોમાં પ્રવેશ કરી લીધો હતો.
અગાઉ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના (ટીટીએફઆઈ) મહામંત્રી તથા આઠ વખતના નેશનલ ચેમ્પિયન કમલેશ મહેતા તથા ટીટીએફઆઈના વાઇસ પ્રેસિડેન્ટ પૂર્વેશ જરીવાલા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજલન મેનેજર પ્રવીણ કુમારે સમારંભમાં ટુર્નામેન્ટને ખુલ્લી મુકાયેલી જાહેર કરી હતી.
ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર મુનાફ પટેલે ખેલાડીઓને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમની આશ્ચર્યજનક મુલાકાત લીધી હતી.
ક્વોલિફાઇંગ રાઉન્ડના કેટલાક પરિણામોઃ
બોયઝ (અંડર-11) : હ્રિદાન પટેલ જીત્યા વિરુદ્ધ શ્રીરામ કિરણ 3-0 (11-9, 11-4, 11-5); સેહજદીપ સિંઘ જીત્યા વિરુદ્ધ શારંગ ગાવલી 3-1 (11-9, 11-9, 4-11, 11-9).
ગર્લ્સ (અંડર-11) : વિન્સી તન્ના જીત્યા વિરુદ્ધ એશા પોકાલા 3-0 (11-8, 11-6, 11-3); ખ્વાઇશ લોટિયા જીત્યા વિરુદ્ધ ઇન્કિતા બોરાહ 3-0 (11-5, 11-2, 11-5); દાનિયા ગોદીલ જીત્યા વિરુદ્ધ આયાત રહેમાન 3-1 (12-10, 11-3, 9-11, 11-7).