સુરતસ્પોર્ટ્સ

નવી દિલ્હીથી પૂણે સુધી આયોજિત મલ્ટી સ્ટેજ સાયકલ રેસ ‘હિન્દ આયન’નું સુરત સર્કિટ હાઉસ ખાતે ભવ્ય સ્વાગત

નેશનલ સાયકલિસ્ટ એવા ૭ આર્મી અને ૧ નેવી ઓફિસર દ્વારા દિલ્હીથી શરૂ કરાયેલી રેસ આશરે ૧૫ દિવસમાં ૧૮૦૦ કિ.મી.નું અંતર કાપી મહારાષ્ટ્રના પૂણે ખાતે પૂર્ણ થશે

સુરત : નવી દિલ્હીના વોર મેમોરિયલથી તા.૫મી ફેબ્રુ.એ શરૂ થયેલી મલ્ટી સ્ટેજ સાયકલ રેસ ‘હિન્દ આયન’નું સુરતમાં આગમન થતા સર્કિટ હાઉસ ખાતે ૮ સાયકલિસ્ટોનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આંતરરાષ્ટ્રીય સાયકલિંગ સ્પર્ધા માટે સ્વદેશમાં જ લાંબા અંતર માટે સાયકલિંગ પ્રેક્ટિસની સુવિધા મળી રહે એ હેતુસર કેન્દ્રિય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેજા હેઠળ આ રેસનું આયોજન કરાયું છે. જેમાં રાષ્ટ્રીય કક્ષાના સાયકલિંગ સ્પર્ધકો એવા ૭ આર્મી અને ૧ નેવીના જવાનો જોડાયા છે. તેઓ આશરે ૧૫ દિવસની ૧૮૦૦-૧૯૦૦ કિમીની સાયકલ રેસ પૂર્ણ કરી આગામી ૧૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના પૂણે શહેર પહોંચશે.

દિલ્હી, આગ્રા, જયપુર, ભીલવાડા, ઉદયપુર અને ગાંધીનગર થઈ સુરત આવી પહોંચેલી સાયકલિંગ ટીમ અહીં એક દિવસ રાત્રિ રોકાણ કરી તા.૧૬મીએ સવારે મુંબઈ જવા રવાના થશે. આ સાયકલ રેસ અંગે ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા હિન્દ આયન રેસના આયોજક અને સર્કલ નેવિગેટરશ્રી વિષ્ણુ ચાપ્કે જણાવે છે કે, “દેશમાં સાયકલિંગને પ્રાધાન્ય મળી રહે તેમજ આંતરરાષ્ટ્રીય સાયકલિંગ સ્પર્ધા માટે વિદેશમાં જતાં સ્પર્ધકોને સ્વદેશમાં જ પ્રેક્ટિસ માટે યોગ્ય તક મળી રહે એ હેતુથી કેન્દ્ર સરકારે ‘હિન્દ આયન’ના રૂપમાં એક નવતર અને પ્રેરક પ્રયાસ કર્યો છે.

વધુમાં ગુજરાતના પ્રજાજનોએ આપેલા ઉત્સાહભેર પ્રતિસાદની પ્રશંસા કરતા અન્ય આયોજકશ્રી સુદર્શન ચાપ્કેએ જણાવ્યું કે, હિન્દ આયન સાયકલ રેસ ગુજરાતમાં પ્રવેશતા જ ગુજરાતીઓ દ્વારા અમને ઉત્સાહભેર આવકાર આપવામાં આવ્યો, જે જીવનભરનું સંભારણું બની રહેશે. તેમણે ગુજરાતના વિવિધ શહેરોમાં સાયકલિસ્ટ ટીમને પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગ દ્વારા મળેલા સહયોગને પણ બિરદાવ્યો હતો.

આ વેળાએ જિલ્લા રમતગમત અધિકારીશ્રી ચેતન પટેલ, સિનિયર કોચશ્રી કનુભાઈ રાઠોડ સહિત પોલીસ, ટ્રાફિક, આરોગ્ય, ફાયર અને મનપાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાંબા અંતરની સાયકલિંગ રેસની પ્રેક્ટિસ માટે અમે હિંદ આયન સાઈકલ રેસમાં જોડાયા:  ઓલિમ્પિક ગેમ્સમાં મેડલો જીતવાનું લક્ષ્ય: સાઈકલિસ્ટ રિશી કુમાર (ભારતીય નેવી)

હિંદ આયન સાઈકલ રેસ અભિયાન અંતર્ગત સુરત શહેરમાં આઠ સાયકલિસ્ટોનું આગમન થયું હતું, જેમાં સામેલ ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા સાઈકલિસ્ટ રિશી કુમારે જણાવ્યું હતું કે, ઈન્ડિયન આર્મી, નેવીના જવાનો ઓલિમ્પિક ગેમ્સમાં નેશનલ સાયકલિસ્ટ તરીકે ભાગ લઈ રહ્યા છે, જેમને લોંગ ડિસ્ટન્સ સાયકલીંગ રેસિંગ પ્રેક્ટિસ માટે યુ.એસ., યુ.કે.માં જવું પડે છે, જેને ધ્યાને લઈ કેન્દ્રિય યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના સહયોગથી હિંદ આયન રેસ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન થકી નેશનલ ગેમ્સમાં ભાગ લેનાર જવાનો ભારતની ધરતી પર જ પ્રેક્ટિસ કરી ઓલિમ્પિક અને નેશનલ ગેમ્સમાં ભાગ લઈ વિજયી બની દેશ-દુનિયામાં ભારતનું નામ રોશન કરશે. ઓલિમ્પિક ગેમ્સમાં મેડલો જીતવાનું અમારૂ લક્ષ્ય છે એમ રિશી કુમારે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button