ગુજરાતબિઝનેસસુરત

લઘુ ઉદ્યોગકારો – વેપારીઓ એમએસએમઇ કાઉન્સીલમાં અપીલ કરી લેણદાર પાસેથી ફસાયેલા નાણાં પરત મેળવી શકે છે : નિષ્ણાંતો

વેપારીઓને વ્યાપારમાં ફસાયેલા નાણાં પાછા મેળવવા માટેની કાયદાકીય જોગવાઇ વિષે માર્ગદર્શન આપ્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ર૪ મે, ર૦ર૩ ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ’વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ– અમદાવાદના પૂર્વ જ્યુડિશિયલ મેમ્બર ડો. દિપ્તી મુકેશ ઉપસ્થિત રહયા હતા. અતિથિ વિશેષ તરીકે બેંક ઓફ બરોડાની સ્ટ્રેસ્ડ એસેટ્‌સ મેનેજમેન્ટ બ્રાંચ– અમદાવાદના ચીફ મેનેજર ભાવેશ મોદી હાજર રહયા હતા. જ્યારે નિષ્ણાત વકતા તરીકે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈલાશ શાહ ઉપસ્થિત રહયા હતા. આ જાગૃતિ સત્રના આયોજન માટે ચેમ્બર ઓફ કોમર્સની બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર્સ) અને બેન્કીંગ (નેશનલાઇઝ, પ્રાઇવેટ) કમિટીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડો. દિપ્તી મુકેશે જણાવ્યું હતું કે, બિઝનેસ માટે ઉછીના લીધેલા નાણાં પરત નહીં કરી શકાય ત્યારે તેને ઇન્સોલ્વન્સી કહેવાય છે અને જ્યારે બેંકમાંથી લીધેલા રૂપિયા ચૂકવી નહીં શકાય ત્યારે તેને બેંકરપ્સી કહેવામાં આવે છે. એમએસએમઇ તેમજ પાર્ટનરશિપ જેવી કંપનીમાં લેણદારોના નાણાં અટકી જતા હતા અને તે પાછા લેણદારોને મળતા ન હતા. કંપની દ્વારા લેણદારોના નાણાં ચૂકવવામાં આવતા ન હોય તો એવી કંપનીને સમેટીને લેણદારોના નાણાં ચૂકવી શકાય તે માટે વર્ષ ૧૯પ૬માં કંપની એકટમાં જોગવાઇ કરાઇ હતી. વર્ષ ર૦૧રમાં બેંકના એનપીએ વધવા લાગ્યા હતા અને બેંકને સત્તા આપ્યા બાદ પણ રૂપિયા રિકવર થઇ શકતા ન હતા. બેંક, ઇન્ડસ્ટ્રીઝ અને બિઝનેસ મુશ્કેલીમાં આવ્યા ત્યારે વર્ષ ર૦૧૬માં નવો કંપની એકટ અમલમાં આવ્યો હતો.

દેવાદાર કંપની પોતે કાયદાકીય આંટીઘુટીમાં ફસાયા વગર ઇન્સોલ્વન્સી બની શકે છે અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં જઇ શકે છે. એમએસએમઇમાં પ્રીપેકેજડ ઇન્સોલ્વન્સી હોય છે, જે અંતર્ગત એમએસએમઇ પોતે રિઝોલ્યુશન પ્લાન બનાવી શકે છે. એનસીએલટીમાં ૩૩૦ દિવસ થઇ ગયા બાદ પણ રિવાઇવ કરવા માટે પ્રયાસ થાય છે. તેમણે કહયું કે, સ્ટાર્ટ–અપ શરૂ થયા બાદ કેટલાક બે – ત્રણ વર્ષમાં બિઝનેસ કરી શકતા નથી. એટલે તેઓ પણ સરળતાથી ઇન્સોલ્વન્સી માટે એનસીએલટી પાસે આવી શકે છે. સમયસર રહીને રિઝોલ્યુશન કરી શકાય છે. એકબીજાને સહકાર કરીને ચાલીશું તો બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી બંનેને બચાવી શકાય છે.

કોઇ વેપારી જ્યારે ૪પ દિવસમાં નાણાં નહીં ચૂકવતો હોય તો એવા કેસમાં ૪પ દિવસમાં નાણાં ચૂકવવા સંબંધિત લેખિતમાં કરાર હોય તો વેપારીઓ લેણદાર સામે એમએસએમઇ કાઉન્સીલમાં અપીલ કરી શકે છે અને પોતાના ફસાયેલા નાણાં પરત મેળવી શકે છે. ઇ–કોમર્સમાં હવે વેપારીઓ તેઓની પ્રોડકટ એક્ષ્પોર્ટ પણ કરી રહયાં છે ત્યારે એનસીએલટી એકટ અંતર્ગત ભારત બહારની કંપની તથા ડાયરેકટરને પણ નાણાં ચૂકવવા માટે સમન્સ પાઠવી શકાય છે.

ભાવેશ મોદીએ જણાવ્યું હતું કે કંપનીએ ફાયનાન્શીયલ ડિસીપ્લીન રાખવું જોઇએ, જેથી કરીને કંપની વ્યવસ્થિત રીતે ચાલી શકે છે. કોઇપણ કંપની બેંકના નાણાં ચૂકવવાની સ્થિતિમાં નહીં હોય ત્યારે બેંકનો પ્રથમ પ્રયાસ સેટલમેન્ટનો હોય છે. સેટલમેન્ટ એટલે રિઝોલ્યુશન, જે અંતર્ગત કંપનીને વેચવાને બદલે સેટલમેન્ટ કરવામાં આવે છે. રિઝોલ્યુશન એડવાઇઝર કંપનીને ટેકઓવર કરે છે અને તેને બંધ થવા દેતો નથી. આ રિઝોલ્યુશન પ્લાનની કોઇ મર્યાદા રહેતી નથી. કંપનીને ચાલુ રાખી નવું મેનેજમેન્ટ કંપનીની બાગડૌર સંભાળે છે. કંપનીના કર્મચારીઓની નોકરી પણ ચાલુ રહે છે અને બેંક પોતાના નાણાંની રિકવરી કરે છે.

સીએ કૈલાશ શાહે જણાવ્યું હતું કે, કોઇ કંપની જ્યારે એનસીએલટી પાસે જાય છે ત્યારે ફાઇનલ ઓથોરિટી એનસીએલટી હોય છે. લેણદારોના ફસાયેલા નાણાં ચૂકવી શકાય તે માટે કંપની પાસેથી આખું પેમેન્ટ નથી આવતું ત્યાં સુધી મોનીટરીંગ કમિટી રિઝોલ્યુશન પ્લાન મુજબ ધ્યાન રાખે છે. કંપનીને ટેકઓવર કરનારને જૂની પ્રક્રિયામાંથી છુટકારો મળી જાય છે અને નવું મેનેજમેન્ટ પોતાની રીતે કામ કરી કંપનીને આગળ લઇ જાય છે, આ બાબત આ કાયદામાં સૌથી સારી ગણવામાં આવે છે. કંપનીના જૂના કેસો અંગે નવા મેનેજમેન્ટને ચિંતા કરવાની જરૂર હોતી નથી અને નવા મેનેજમેન્ટને કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને ગુડવીલ પણ મળી જાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એસોસીએશનના માધ્યમથી બે વેપારીઓ પોતાના ફસાયેલા નાણાં પરત મેળવવા માટે આર્બીટ્રેશન માટે અરજી કરી શકે છે. તેમણે આર્બીટ્રેશન એન્ડ કોન્સીલ્વીએશન એકટ ૧૯૯૬ અંતર્ગત સેટલમેન્ટ પ્રોસિડીંગ, એપોઇન્ટમેન્ટ ઓફ આર્બીટ્રેટર, કન્ડકટ ઓફ આર્બીટ્રેશન પ્રોસિડીંગ અને એન્ફોર્સમેન્ટ ઓફ એવોર્ડસ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ સત્રમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી ભાવેશ ટેલર હાજર રહયા હતા. ચેમ્બરની બેન્કીંગ (નેશનલાઇઝ, પ્રાઇવેટ) કમિટીના ચેરમેન સીએ વિપુલ શાહે સમગ્ર કાર્યક્રમનું તેમજ સવાલ–જવાબ સેશનનું સંચાલન કર્યું હતું.

બેન્કીંગ (કો–ઓપરેટીવ સેકટર્સ) કમિટીના ચેરપર્સન ડો. જયના ભકતાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કમિટીના કો–ચેરમેન રાજીવ કપાસિયાવાલા તથા સભ્યો હર્ષલ દોરીવાલા અને અરવિંદ બાબાવાલાએ નિષ્ણાંતોનો પરિચય આપ્યો હતો. ત્રણેય નિષ્ણાંતોએ શ્રોતાઓના વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સત્રનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button