ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને પગલે ચેમ્બર દ્વારા ‘સીટેક્ષ– ર૦રર (સીઝન– ર)’નું આયોજન
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧ર, ૧૩ અને ૧૪ માર્ચ, ર૦રર ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર (સિઝન ર)’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે ચેમ્બરને સુરત ટેકસમેક ફેડરેશનનો સહકાર પ્રાપ્ત થયો છે.
ચેમ્બરના માનદ્ મંત્રી દીપક કુમાર શેઠવાલાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જાન્યુઆરી– ર૦રર માં યોજાયેલા સીટેક્ષ એકઝીબીશનને ભવ્ય સફળતા મળી હતી. જેને પગલે બે મહિના બાદ તુરંત જ ‘સીટેક્ષ– ર૦રર (સીઝન ર) નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બની રહયું છે કે એક જ પ્રમુખના કાર્યકાળ દરમ્યાન સીટેક્ષ એકઝીબીશન બે વખત યોજાયું છે. આ પ્રદર્શનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓ ઉપરાંત યુરોપિયન મશીનરીઓ તેમજ ચાઇના તથા અન્ય દેશોમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે.
જાન્યુઆરી– ર૦રર ના સમયગાળા દરમ્યાન ભારતમાં માત્ર સુરત ખાતે જ ટેકસટાઇલ મશીનરીઓ અને એન્સીલરીઓ માટેનું વિશાળ એકઝીબીશન યોજાયું હોવાથી દેશભરમાંથી ટેકસટાઇલ ઉદ્યોગકારોએ અને બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા રપ૦ કરોડથી વધુની ટેકસટાઇલ મશીનરીઓના ઓર્ડર મળ્યા હતા. તદુપરાંત મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ હતી તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી છ મહિનામાં ટેકસટાઇલ મશીનરીઓમાં રૂપિયા ૧૩૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની સંભાવના વ્યકત કરાઇ હતી. આથી સમગ્ર ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને ધ્યાને લઇને ચેમ્બર દ્વારા ‘સીટેક્ષ– ર૦રર (સીઝન ર)’નું આયોજન કરવામાં આવ્યું છે.
‘સીટેક્ષ– ર૦રર (સીઝન ર)’ પ્રદર્શનનું ઉદ્ઘાટન તા. ૧ર માર્ચ ર૦રર ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે રાખવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરી પ્રદર્શનને ખૂલ્લું મુકવામાં આવશે. જ્યારે ટેકસટાઇલ કમિશનર રૂપ રાશી, ઇન્કમ ટેકસ સુરતના ચીફ કમિશનર કવિતા ભટનાગર, સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની અને કસ્ટમ્સ એન્ડ સીજીએસટીના પ્રિન્સીપલ કમિશનર ડો. ડી.કે. શ્રીનિવાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
ચેમ્બરના માનદ્ ખજાનચી પરેશ લાઠીયાએ જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.રપ લાખ સ્કવેર ફૂટ એરિયામાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ટેકસટાઇલ વેલ્યુ એડીશન ચેઇન પ્રોડકટસ, મશીનરીઝ અને ટેકનોલોજી સાથેના ૬૦ થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. નેશનલ ડેલીગેશન્સ પણ આ પ્રદર્શનમાં આવશે. આથી આ પ્રદર્શન થકી ટેકસટાઇલ ઉદ્યોગકારોને બિઝનેસ માટેની તથા નેટવર્કીંગ માટેની તક મળી રહીશે.
આ મશીનરી સીટેક્ષ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ બની રહેશે
આ પ્રદર્શનમાં ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરીનું પ્રદર્શન થનાર છે. આ મશીનરી દરરોજ પાંચ હજાર મીટર પ્રોડકશન કરે છે. જ્યારે ૧૯૦ સેન્ટીમીટર સિંગલ પનો, ૧પ૩૬ હુક જેકાર્ડ અને રપ૦ આરપીએમવાળું રેપીયર મશીન પણ પ્રદર્શનમાં મુકાશે. મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ભારતમાં જ આ રેપીયર જેકાર્ડ મશીનરી બનાવવામાં આવી છે. આ ઉપરાંત ડબલ બીમ સાથેની ૧ર૦૦ આરપીએમવાળી હાઇસ્પીડ એરજેટ ડોબી મશીનરી અને હાઈસ્પીડ વોટરજેટ ઇલેકટ્રોનિક ડોબી મશીનરી પ્રથમ વખત આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે.
આ ઉપરાંત સીટેક્ષ પ્રદર્શનમાં વોટરજેટ મશીન, રેપીયર મશીન, એરજેટ મશીન, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, નીડલ લૂમ્સ મશીન, સકર્યુલર નીટિંગ મશીન, વોર્પ નીટિંગ મશીન, પાવર લૂમ્સ, જેકાર્ડ ટેકનોલોજી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવશે. ટેકનીકલ ટેકસટાઇલની મશીનરીઓ તથા એસેસરીઝ ઉપરાંત સ્પીનિંગ પ્રિપરેશન માટેની મશીનરીઓ, મેન–મેઇડ ફાયબર પ્રોડકશન, સ્પીનિંગ, વાઇન્ડીંગ, ટેકસ્ચ્યુરાઇઝીંગ, ટ્વીસ્ટીંગ, ઓકઝીલરી મશીનરી અને એસેસરીઝનો સમાવેશ કરવામાં આવશે.
નીટિંગ એન્ડ હોઝીયરી મશીનરી, ઓન્સીલરી મશીનરી એન્ડ એસેસરીઝ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાન્ડીંગ મશીનરી એન્ડ એસેસરીઝ, ગારમેન્ટ મેકીંગ મશીનરી, અન્ય ટેકસટાઇલ પ્રોસેસિંગ મશીનરી, વેસ્ટ રિડકશન અને પોલ્યુશન પ્રિવેન્શન માટેના ઇકવીપમેન્ટ અને એસેસરીઝ તથા વોટરજેટ લૂમ્સ અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઉપયોગી ૧૦૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલીંગ સોલ્યુશન માટેની અદ્યતન મશીનરીને આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવશે.
પ્રદર્શનમાં બિઝનેસ માટેની ઘણી ઓપોર્ચ્યુનીટીઝ મળી રહેશે
આ પ્રદર્શનમાં ટેકસટાઇલ ઉદ્યોગકારો તેઓની નવી પ્રોડકટ લોન્ચ કરી શકશે. ઇન્ડસ્ટ્રીમાં પોતાની બ્રાન્ડ વિશે અવેરનેસ લાવી શકશે. પ્રદર્શનમાં અદ્યતન પ્રોકડટસ તેમજ ટેકનોલોજી મળી રહેશે. આ પ્રદર્શનમાં પણ દેશભરમાંથી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો પાર્ટીસિપેટ કરશે. સાથે જ દેશ – વિદેશમાંથી બાયર્સ આ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની અદ્યતન મશીનરીઓનું પ્રદર્શન નિહાળવા આવશે. આથી બિઝનેસ માટેની ઘણી નવી તકો ઉદ્યોગકારોને મળી રહેશે.