બિઝનેસસુરત

એકવીસમી સદીમાં માલિક અને સ્ટાફ પરત્વે સેતુ બાંધવામાં સમભાવ, વિશ્વાસ, ટ્રેનિંગ, ઈનોવેશન અને યોગ્ય તક ગેઇમ ચેન્જર પુરવાર થઈ શકે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા HR: Influence in the Growth of an Organization વિષે સેમિનાર યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૪ નવેમ્બર, ર૦રર ના રોજ સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે HR: Influence in the Growth of an Organization વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિવૃત્ત વાઇસ પ્રેસિડેન્ટ (એચઆર) રાજેશ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ બી. એસ. અગ્રવાલ અને મહેતા વેલ્થ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર એન્ડ સીઇઓ કૃણાલ મહેતાએ ઉદ્યોગકારોને કંપની તથા સંસ્થાઓના વિકાસ માટે એચઆરના પ્રભાવ વિષે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, કંપની અને સંસ્થાઓમાં મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે સુમેળ સાધવાનું મહત્વનું કાર્ય એચઆર કરે જ છે પણ એ સિવાય એચઆર સાથે ઘણી બાબતો જોડાયેલી હોય છે. એચઆર એ કર્મચારીમાં રહેલી ટેલેન્ટ ઓળખીને તેને સીઇઓ સુધી પણ લઇ જાય છે.

વકતા રાજેશ શાહે જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કોમ્પીટિશન, નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ચેલેન્જીસ અને ડાયવર્સીફિકેશન આવ્યું ત્યારે એચઆર કોન્સેપ્ટ આવ્યો હતો. કર્મચારી નિષ્ઠાપૂર્વક કામ કરીને પ્રયત્નો કરતા હોય અને તેમ છતાં ધાર્યા પરિણામ નહીં આવે તો એવા કર્મચારીઓને છુટા કરવા એ યોગ્ય નથી. આજના યુગમાં આવું થઇ જ ના શકે. એચઆરએ પણ કર્મચારીઓના ટેલેન્ટને ઓળખવું પડે છે. માત્ર સ્કીલને ટેલેન્ટ ન કહી શકાય. કોઇ કર્મચારી સ્કીલ ઉપરાંત ઘણા મલ્ટીપલ કામો વિનમ્રપણે કરતો હોય ત્યારે એ બાબત ટેલેન્ટમાં આવે છે. આવા ટેલેન્ટને મેળવવું સહેલું છે પણ એને ટકાવી રાખવું અઘરું છે. કમનસીબે આવું ટેલેન્ટ અત્યારે બહાર જઇ રહયું છે.

કંપનીની જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓને ટેકનિકલ ટ્રેઇનીંગ આપવામાં આવે છે ત્યારે તેઓ માટે બિહેવીયર ટ્રેઇનીંગ પણ જરૂરી છે. સારુ કામ કરનારને રિવોર્ડ મળવો જ જોઇએ. કંપનીઓમાં ડાયવર્સીફિકેશન પણ જરૂરી છે. અત્યારે મહિલા કર્મચારીઓની પણ જરૂર છે. મહિલા કર્મચારીઓમાં રહેલી સુક્ષુપ્ત શકિતનો ઉપયોગ કરી શકાય છે. હાઇબ્રીડ વર્ક કલ્ચરથી સારા પરિણામ મળી રહયા છે. કર્મચારીઓ પણ આત્મનિર્ભર બને તે દિશામાં પ્રયાસ કરવો પડશે.

વકતા કૃણાલ મહેતાએ જણાવ્યું હતું કે, એચઆર સિસ્ટમ બદલાઇ રહી છે અને ટેકનોલોજી સ્વીકારાઇ રહી છે ત્યારે યોગ્ય વર્ક કલ્ચર લાવવું જોઇએ. કંપનીઓ તથા સંસ્થાઓમાં ‘એમ્પ્લોઇ ફર્સ્ટ, કસ્ટમર સેકન્ડ’નું કલ્ચર અપનાવવું જોઇએ. કંપનીમાં લીડરોએ કર્મચારીઓને ગ્રો અપ થવા માટે ચાન્સ આપવો જોઇએ. એના માટે તેઓને યોગ્ય ટ્રેઇનીંગ આપવી પડશે અને તેઓના પર ભરોસો પણ કરવો પડશે. કંપનીની પ્રગતિ માટે કર્મચારીઓ સાથે ચર્ચા કરી તેઓની પાસેથી સૂચનો મેળવવા જોઇએ. કર્મચારીઓ પ્રત્યે એમ્પથી, ટ્રસ્ટ, ટ્રેઇનીંગ, ઇનોવેશન એન્ડ ઓપનનેસ જેવી પાંચ બાબતોને મહત્વ આપવું જોઇએ. તેમણે પોસ્ટ કોવિડ બાદ એચઆરના બદલાયેલા ડાયનામિકસ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

વકતા બી. એસ. અગ્રવાલે જણાવ્યું હતું કે, કંપનીને પોતાની સમજીને કામ કરે એવા કર્મચારીઓને તૈયાર કરવા પડશે. કયા કર્મચારીઓને ટ્રેઇન કરી શકાય છે તે એચઆરને સમજવું પડશે. કર્મચારીઓના હિતની કાળજી રાખવી પડશે અને તેઓને જરૂરી રિસ્પેકટ આપવી પડશે. કંપનીના વિકાસના ફળ કર્મચારીઓ સુધી પણ પહોંચવા જોઇએ. એના માટે કંપનીમાં સારું વ્યવસ્થા તંત્ર ઉભું કરવાનો રોલ એચઆરને ભજવવો પડશે.

ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન તથા સિનિયર ટ્રેનર અને ગ્રોથ સ્ટે્રટેજીસ્ટ મૃણાલ શુકલએ મોડરેટર તરીકેની ભૂમિકા ભજવી હતી. તેમણે એચઆર એ માત્ર હયુમન રિસોર્સ જ નહીં પણ હયુમન રિલેશનશિપ પણ છે તેમ કહીને કાર્યક્રમની પૂર્વભુમિકા બાંધી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયા અને માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સેમિનારમાં પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેઇનીંગ કમિટીના સભ્ય અશ્વિન સુદાનીએ સેમિનારનું સંચાલન કર્યું હતું. કમિટીના અન્ય સભ્યો દિપેશ દસાડીયા અને કમલેશ દવેએ વકતાઓનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે અંતે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button