ગુજરાતબિઝનેસસુરત

ઉદ્યોગ સાહસિકોએ પોતાની સ્ટ્રેન્થને ઓળખી બિઝનેસ કરવો જોઈએ અને બિઝનેસમાં હમેશા એથીકલી પ્રેકટીસ કરવી જોઇએ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશન અંતર્ગત ‘શરારત સે સફલતા તક’વિષે યોજાયેલા સેશનમાં વકતા ચિરાગ દેસાઇએ મહત્વનું માર્ગદર્શન આપ્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે યોજાતા નોલેજ બેઇઝ સેશનને વધુ રસપ્રદ બનાવવાના હેતુથી ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશન અંતર્ગત સોમવાર, તા. ૧૪ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘શરારત સે સફલતા તક’વિષય ઉપર ટ્રેઇનીંગ સેશન યોજાયું હતું. જેમાં સુરતના ટ્રેઇનર અને મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ચિરાગ દેસાઇએ બદમાશ કંપની ફિલ્મમાંથી વિષયલક્ષી જરૂરી કન્ટેન્ટ અને પ્રેઝન્ટેશન થકી ઉદ્યોગ સાહસિકોને પોતાની સ્ટ્રેન્થને ઓળખી બિઝનેસમાં એથીકલી પ્રેકટીસ કરી સફળ થવા મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, વર્ષોથી ભારતીય કલ્ચરમાં ફિલ્મોનું ઘણું મહત્વ રહયું છે. ફિલ્મો એ લોકોને માત્ર મનોરંજનનું પ્લેટફોર્મ જ પૂરું નથી પાડતું પણ તેની સાથે સાથે જીવનમાં તથા બિઝનેસમાં સફળ થવાની દિશાએ આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે.

વકતા ચિરાગ દેસાઇએ જણાવ્યું હતું કે, ફિલ્મના અભિનેતા શાહીદ કપુરને આ ફિલ્મમાં તેના પિતા અનુપમ ખેરની જેમ નોકરી કરવાનું ગમતું નથી પણ તે બિઝનેસ કરીને સફળ થવા માગે છે. આ બાબત દર્શાવે છે કે આજની યુવા પેઢી જુદા–જુદા બિઝનેસમાં સાહસ કરવા માગે છે. પોતાનું જે પેશન છે તેમાં કારકિર્દી બનાવવા માગે છે અને સ્ટાર્ટ–અપ કરવાની ઇચ્છા ધરાવે છે પણ તેને ઘરેથી આર્થિક સહયોગ મળતો નથી. પરંતુ બિઝનેસ માત્ર પૈસાથી નહીં પણ સારા આઇડીયાથી શરૂ કરી શકાય છે, આથી ઉદ્યોગ સાહસિકોએ પોતાની સ્ટ્રેન્થને ઓળખવી જોઇએ અને બિઝનેસમાં તેનો પોઝીટીવ ઉપયોગ કરવો જોઇએ. તેઓએ બિઝનેસના પ્રોફેશનલી કલ્ચરમાં પોતાની જાતને ધીમે ધીમે ડેવલપ કરવી જોઇએ.

ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે ચાર મિત્રો મળીને બિઝનેસ શરૂ કરે છે અને બિઝનેસ ડીલ કરવા માટે વિદેશ જાય છે ત્યારે તેઓને ભાષાનું બેરીયર નડતું નથી. આ બાબતથી શીખવા મળે છે કે કોઇ બાબત બિઝનેસ કરવાથી અટકાવી શકતી નથી. ફિલ્મમાં શરૂઆતમાં ચાર મિત્રો ખોટો માર્ગે બિઝનેસ કરવા જાય છે અને તેઓ મુશ્કેલીમાં સપડાય છે. ત્યારબાદ જ્યારે તેઓ પોતાના ટેલેન્ટનો સદુપયોગ કરે છે અને સિદ્ધાંતો જાળવીને કાયદાનું પાલન કરીને બિઝનેસ કરે છે ત્યારે તેઓ સફળ થાય છે. આથી હમેશા સરકારની ગાઇડ લાઇન અને કાયદાનું પાલન કરીને જ બિઝનેસ કરવો જોઇએ. બિઝનેસમાં એથીકલી પ્રેકટીસ કરવી જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બિઝનેસમાં સન્માન સાથેની સફળતા જરૂરી છે. બિઝનેસમાં તમારી સાથે જોડાયેલા ભાગીદારો અથવા તો કર્મચારીઓને છુટા કરવા જોઇએ નહીં. કારણ કે, તેઓનો સાથ અને સહકાર મેળવીને બિઝનેસમાં સફળ થઇ શકાય છે, આથી ભૂતકાળમાં થયેલી ભૂલોને સુધારીને નવા આઇડીયા ઉપર કામ કરવું જોઇએ. તેમણે કહયું કે, બિઝનેસમાં યોગ્ય પ્રેઝન્ટેશન પણ જરૂરી છે. બિઝનેસમાં સફળ થવા માટે ગણતરીનું રિસ્ક પણ લેવું પડે છે. બિઝનેસને ગ્રો કરવા માટે બ્રાન્ડીંગ, માર્કેટીંગ અને સ્ટ્રેટેજી ખૂબ જ જરૂરી છે. કોઇપણ ફિલ્ડનું નોલેજ અને અનુભવ જીવનમાં હમેશા કામ લાગે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ચેમ્બરના ગૃપ ચેરમેન મૃણાલ શુકલએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને કાર્યક્રમનું સમગ્ર સંચાલન પણ કર્યું હતું. ચેમ્બરની સોફટ સ્કીલ્સ ડેવલપમેન્ટ કમિટીના સભ્ય શૈલેષ ખવાનીએ વકતાનો પરિચય આપ્યો હતો. ચેમ્બરના માનદ્‌ ખજાનચી ભાવેશ ગઢીયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button