વિશ્વને રાજ્ય વ્યવસ્થા બતાવનારા રાજા આદિનાથના જન્મ પ્રસંગે સુરતના તમામ પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાડવા- પ્રસાદનું વિતરણ
સુરતના વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં વિશ્વના પ્રથમ રાજા, પ્રથમ સાધુ અને પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુના જન્મના આનંદમાં અનોખો કાર્યક્રમ પૂ.આ. સાગરચંદ્રસૂરિજીની નિશ્રામાં થયો હતો.
દાદા આદિનાથે ધર્મની સ્થાપના પૂર્વે રાજ્યવ્યવસ્થા આપી. જીવન જીવવાની શૈલી, કળાઓ, શિલ્પો તથા નીતિનું જ્ઞાન આપ્યું અને પ્રથમ રાજા બની 83 લાખ પૂર્વ સુધી મહત્વનું કર્તવ્ય બજાવ્યું.
સંસ્કૃતિના પુરસ્કર્તા એવા એ પ્રભુની સ્મૃતિમાં વર્તમાન સુરક્ષા વ્યવસ્થાને સંભાળનારા સુરતના પોલીસ વિભાગ- ડીએસપી, એસીપી, કંટ્રોલ રૂમ, ટ્રાફિક બ્રિગેડ, જેલ બ્રિગેડ વગેરે અનેક વિભાગના હોદ્દેદારો વેસુ ઉપાશ્રયે આવ્યા હતા.
દીપ પ્રજ્વલન બાદ પૂ. આ. સાગરચંદ્રસૂરિજીએ જણાવ્યું હતું કે કૃષ્ણ હોય કે આદિનાથ – પરંતુ તેઓ ભગવાન પછી હતા, પહેલા રાજા હતા. રાજ્ય વ્યવસ્થામાં સુરક્ષા વિભાગ ખૂબ જરૂરી છે. સીતા લંકામાં છે તેવા સમાચાર શોધીને લાવનાર હનુમાનની જેવી ભૂમિકા આ પોલીસોમાં હું જોઉ છું. સમાજમાં ખોવાયેલા સંસ્કારોને શોધી લાવે તે સાચો પોલીસ છે. દુષ્ટોને દંડ અને સુજનને માન એ મુદ્રાલેખ બનવો જોઇએ તો ખરેખર આદિરાજ્ય સ્થાપના થાય. સત્ય એ શ્રેષ્ઠ ભગવાન છે. પી- પાવર, ઓ- ઓર્ગેનાઇઝેશન, એલ- લીડરશીપ, આઈ- આઇડીયા, સી- કંટ્રોલીંગ, ઇ- ઇફેક્ટીવ એમ પોલીસના ગુણો જણાવ્યા હતા.
આ પ્રસંગે અશોકભાઈ કાનુંગો વગેરે દ્વારા પધારેલા ડીએસપી સરોજકુમારી તથા અન્યોનું સન્માન કરાયું હતું. સુરતના 7000થી વધુ પોલીસોને લાડવા વિતરિત કરાયા હતા. શ્રી અશોક મહેતા તથા વેસુ સંઘના ટ્રસ્ટીગણો પણ ઉલ્લાસથી જોડાયા હતા.