
સુરત-હજીરા, જુલાઈ 10, 2023: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ વિશ્વના બે સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકો, ભરૂચ જિલ્લાના દરિયાકાંઠે આવેલા નાડા ગામમાં મેંન્ગ્રોવ્સ વૃક્ષોના પ્લાન્ટેશનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારના રક્ષણ માટે જંબુસર તાલુકામાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલરૂપે અને પર્યાવરણીય સંરક્ષણની પ્રતિબદ્ધતા સાથે AM/NS India દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. AM/NS India દરિયાકાંઠાના 50 હેક્ટર વિસ્તારમાં આશરે 1.50 લાખ મેંન્ગ્રોવ્સનું વાવેતર કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
મેંન્ગ્રોવ્સ પ્લાન્ટેશન અભિયાનની શરૂઆત AM/NS India ના એન્વાયરમેન્ટ હેડ શંકરા સુબ્રમણ્યન તથા AM/ NS India અને Indonesiaના HSE હેડ સારંગ મહાજનના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સરકારી અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જંબુસર તાલુકાના વન અધિકારીઓ, જંબુસર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી (TDO) અને આસરસા ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલનની પ્રશંસા કરી હતી.
મેંન્ગ્રોવ્સ દરિયાકાંઠાની ઇકોસિસ્ટમના જાળવણી માટે મહત્વપૂર્ણ છે. આ વૃક્ષો નદીમુખ, ડેલ્ટા અને લગૂનના આંતર ભરતી ઝોનમાં ઉગે છે, જે દરિયાકાંઠાના ધોવાણ સામે રક્ષણાત્મક અવરોધ તરીકે કામ કરે છે અને મોજા, ભરતી અને તોફાનની અસરોથી જમીનનું રક્ષણ કરે છે. તદુપરાંત, મેન્ગ્રોવ્સ વિવિધ પ્રકારના વન્યજીવન માટે નિવાસસ્થાન પુરૂ પાડે છે. જેમાં પક્ષીઓના માળા, માછલીઓની નર્સરી અને વિવિધ દરિયાઈ પ્રાણીઓ માટે આશ્રયસ્થાનોનો સમાવેશ થાય છે.
“મેંન્ગ્રોવ્ઝના ઇકોલોજીકલ મહત્વને ઓળખીને AM/NS Indiaએ હેક્ટર દીઠ આશરે 3,000 મેંન્ગ્રોવ્સનું વાવેતર કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે,” AM/NS Indiaના CSR હેડ ડૉ. વિકાસ યાદવેન્દુ એ જણાવ્યું હતું. “આ પ્રોજેક્ટનું ઝીણવટપૂર્વક આયોજન અને અમલીકરણ કરીને કંપની ભરૂચ જિલ્લાની દરિયાકાંઠાની જૈવવિવિધતાને પુનઃસ્થાપિત કરવા અને વધારવા માંગે છે, જેનાથી આ પ્રદેશના એકંદર પર્યાવરણીય સ્વાસ્થ્યમાં યોગદાન મળે.”
AM/NS India આ CSR પ્રયાસ દ્વારા ટકાઉ વિકાસ અને પર્યાવરણીય સંભાળ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મેંન્ગ્રોવની જાળવણીમાં સક્રિયપણે ભાગ લઈને કંપની આબોહવા પરિવર્તનને ઘટાડવા, કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા અને સ્થાનિક વસ્તીની સામાન્ય સુખાકારીને વધારવા માટે અર્થપૂર્ણ પગલાં લઈ રહી છે.