સમાજસેવાની ભાવનાને સદાય વળગી રહો અને વડીલોના સંસ્કારપૂર્ણ જીવનવ્યવહારને જાળવી રાખો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
સ્વ.કાનજીભાઈ ધોળકિયા પરિવાર દ્વારા 'શરદની શણગારેલી નવરાત્રિ' મહોત્સવ યોજાયો
સુરતઃસ્વ. કાનજીભાઈ ધોળકિયા પરિવાર દ્વારા સુરતના ઈચ્છાપોર સ્થિત હરિકૃષ્ણ ડાયમંડ કંપની (HK હબ) ખાતે આયોજિત સ્નેહમિલન- ‘શરદની શણગારેલી નવરાત્રિ મહોત્સવ’માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રજી સહભાગી થયા હતા, અને પરિવારના સભ્યોને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે જ્યારે સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે ત્યારે ધોળકિયા પરિવાર એકતાના અતૂટ બંધન સાથે એકમેકથી જોડાયેલો છે. ધોળકિયા પરિવાર ભારતની પ્રાચીન પરંપરા, મર્યાદાની જાળવણી કરીને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યપાલએ કહ્યું કે, દુર્લભ જીવન અને સારા-નરસાનું જ્ઞાન આપનાર માતાપિતા ખરા અર્થમાં આપણા માટે જીવતા જાગતા ભગવાન છે. દેવતા એટલે જે દે છે તે.. ”જો દેતા હૈ વો દેવતા હૈ..’, આપવા માટે જે સર્જાયા હોય એ દેવતા છે. માતાપિતાએ એવા દેવતા છે જેમણે આપણને અમૂલ્ય ભેટ સમાન જીવન આપ્યું છે. તેમણે પોતાની જરૂરિયાતોનું બલિદાન આપ્યું છે, અને આપણી જરૂરિયાતો અને માંગણીઓ માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, ત્યારે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત યુવાનો, બાળકોને માતાપિતાની સંભાળ રાખવી, માન સન્માન આપવું એ તમારૂં પ્રથમ કર્તવ્ય અને ધર્મ છે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
સુરતના ધોળકિયા પરિવાર માનવતાવાદી, દેવત્વ અને સમાજસેવાનો અભિગમ ધરાવે છે એનો સહર્ષ ઉલ્લેખ કરતા તેમણે આ પરિવારની નવી પેઢીને લોકાભિમુખ અભિગમને, સમાજસેવાની ભાવનાને સદાય વળગી રહેવા અને વડીલોના સંસ્કારપૂર્ણ જીવનવ્યવહારને જાળવી રાખવાની શીખ આપી હતી.
હરિકૃષ્ણ ડાયમંડ કંપનીએ દેશ અને વિશ્વમાં પોતાનુ આગવુ સ્થાન ધરાવી રહી છે. વિશ્વના ૮૩ દેશોમાં ડાયમંડ સાથે વેપાર કરી રહી હોવાનોઉલ્લેખ કરી તેમણે સવજીભાઈ, ગોવિંદભાઈ, ઘનશ્યામભાઈ સહિતના પરિજનોને અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી.