બિઝનેસસુરત

હવે ઉદ્યોગ – ધંધામાં ભારતના મોડલનો જમાનો આવી ગયો છે : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા

ચેમ્બર દ્વારા ભારતના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાયું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૮ ઓકટોબર, ર૦રર ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ અને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારતે ઈકોનોમી દુનિયા પાસે શીખવાની જરૂર નથી, દુનિયાએ ઇકોનોમીની ગાઈડ લાઈન ભારત પાસેથી શીખી છે. યુરોપિયન મોડલે મૂડીવાદ આપ્યો છે, પરંતુ તેનાથી વિશ્વમાં અસંતુલન ઉભું થયું હતું. ભારતનું મોડલ દુનિયાનું બેસ્ટ છે. ઉત્તમ હોય તો અન્ય મોડલ સ્વીકારવું જોઈએ પણ મોડલ તો ભારતનું જ હોવું જોઈએ. હવે ઉદ્યોગ – ધંધામાં ભારતના મોડલનો જમાનો આવી ગયો છે.

ભારત હવે વિશ્વમાં શક્તિશાળી દેશ તરીકે પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. દુનિયામાં અત્યારે પહેલા ભારતના નાગરિકને મહત્વ આપવામાં આવી રહ્યું છે. કોરોનાના સમયમાં ભારતે જે મેનેજમેન્ટ કર્યું તેની વિશ્વના દેશોએ નોંધ લીધી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વના દેશો ભારતની વાત કરતા હતા. કોરોનાના સમયમાં ભારતથી ૧૫૦ દેશોમાં મેડીસીન મોકલવામાં આવતી હતી. ભારતે એના માટે ક્યારેય વધારે ચાર્જ કર્યો નથી અને સારી ક્વોલીટીની દવા વિશ્વને મદદ કરવાની ભાવના સાથે આપી છે.

ભારત હવે અન્ય દેશોની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યું છે. ભારત હવે દુનિયાની સાથે પોતાની શરત ઉપર એગ્રીમેન્ટ કરી રહ્યું છે. વિશ્વમાં હવે એવી સ્થિતિનું સર્જન થયું છે કે, આખી દુનિયાને વર્તમાન સમયમાં ભારત સાથે બીઝનેસ કરવો છે. કોવિડ બાદ ભારતનું ટ્રેડ વધી રહ્યું છે. દુનિયાને હવે ભારતમાંથી ખરીદી કરવી છે. ભારતમાં રોકાણ કરવા ઈચ્છે છે.

ભારતની સાથે જોઈન્ટ વેન્ચર કરવા માંગે છે. હવે એવો સમય આવશે કે ભારતના મહાજનોની વિશ્વની અંદર શાખ હશે અને આખું વિશ્વ હવે આપણા દરવાજે ઉભું હશે. સરકાર ગરીબ અને ખેડૂતોનું ધ્યાન રાખી ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા પ્રયાસ કરી રહી છે અને ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી બની રહી છે.

સરકાર રિસર્ચ પોલિસી લાવી રહી છે. ફાર્મા સેક્ટરમાં પોલિસી લાવ્યા છે. પીએલઆઈ – ૧ અને પીએલઆઈ – ૨ લાવ્યા છે. એવી જ રીતે કેમિકલ્સમાં પીએલઆઈ લાવી રહ્યા છે. બાયોટેકનોલોજીમાં પણ સરકાર પોલિસી લાવશે. નવા સ્ટાર્ટ – અપ કરી રહ્યા છે. કોમર્સ વધે તે માટે સરકાર તકો આપી રહી છે. પહેલા કન્ટેનર ચાઈનાથી આયાત કરવા પડતા હતા પણ હવે ભાવનગરમાં કન્ટેનર બનાવવામાં આવી રહ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગૃપ ચેરમેન વિજય મેવાવાલાએ સેશનનું સંચાલન કર્યું હતું. ગૃપ ચેરમેન મનિષ કાપડીયાએ મંત્રીનો પરિચય આપ્યો હતો. સેશનના અંતે ચેમ્બરના ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માની સેશનનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button