રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઇ
ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ
આજે ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાના અધ્યક્ષસ્થાને રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં રાજ્યના મહાનગરપાલિકા વિસ્તારમાં નગર આયોજન વધુ સુવ્યવસ્થિત થાય તે સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી વિનોદભાઇ મોરડીયાએ બેઠકમાં ઉપસ્થિત મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓને સંબોધતા કહ્યુ કે, રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારમાં નગર આયોજન વધુ સુદ્રઢ અને સુવ્યવસ્થિત થાય તે માટે વધુને વધુ નવી નગર રચના યોજનાઓ ઝડપથી બનાવી અને આ યોજનાઓનો પરામર્શ નિયત કરેલ ૬૦ દિવસની સમય મર્યાદામાં અચૂક આપવો.
મંત્રી મોરડીયાએ ઉમેર્યુ કે, ટાઉનપ્લાનીંગ સ્કીમો અંતર્ગત મહાનગરપાલિકાઓને સંપ્રાપ્ત પ્લોટોમાં થયેલ દબાણો દૂર કરવા સઘન ઝૂંબેશ હાથ ધરાશે અને જરૂર જણાયે લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની આર્થિક પરિસ્થિતી વધુ સુદ્રઢ બને અને વિકાસના કામોને વધુ વેગ મળે તે ધ્યાને લઇ વેરા વસુલાતની કામગીરી વધુ વેગવંતી બનાવાશે. ઉપરાંત રખડતા ઢોરોના પ્રશ્નના નિરાકરણ સંબંધે આયોજનબદ્ધ નક્કર કાર્યવાહી હાથ ધરવા રાજ્યની મહાનગરપાલિકાઓના કમિશનરશ્રીઓને સૂચનાઓ પણ આપી હતી.
આ બેઠકમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.