સુરત : આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાના કરંજ ખાતે, લીમોદરા પાટિયા સ્થિત શાહલોન ઈન્ડસ્ટ્રીઝના સભાગૃહમાં લેબર વેલ્ફેર અને શ્રમિકોને લગતા પ્રશ્નો બાબતે માંગરોળ અને માંડવી તાલુકાના ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શ્રમિકોના કલ્યાણ, આરોગ્ય, નિવાસ જેવી સુવિધાઓની સમીક્ષા કરી ઉપયોગી સૂચનો આપ્યા હતા. તેમણે શાહલોન ઈન્ડસ્ટ્રીઝના વિવિધ વિભાગોની મુલાકાત લઈ શ્રમિકો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રી હળપતિએ ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રતિનિધિઓ સાથે સરકારના નીતિનિયમો અનુસાર શ્રમિકોને વેતન, જી.પી.એફ., ઈ.પી.એફ., રોજીરોટી મળે તેમજ શ્રમિકોના બાળકોને યોગ્ય શિક્ષણ સુવિધા મળી રહે તે અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેમણે કીમના શ્રમિકોને પુન: શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ પોષણક્ષમ દરે ભોજન સુવિધા મળે તે દિશામાં કામગીરી થઈ રહી હોવાનું જણાવ્યું હતું.
મંત્રીએ જણાવ્યું કે, કીમ આસપાસનો સ્થાનિક વિસ્તાર ઔદ્યોગિક હબ તરીકે આગવી ઓળખ ધરાવે છે, ત્યારે જનપ્રતિનિધિ તરીકે શ્રમિકો અને ઉદ્યોગકારો વચ્ચે કડીરૂપ બની શ્રમિકોની સમસ્યાઓને ઉકેલવા પ્રયત્નશીલ છું, સાથોસાથ ઉદ્યોગોની પણ કોઈ પણ પ્રકારની રજૂઆત, જરૂરિયાતને સંતોષવાની તેમજ વધુને વધુ રોજગારીનું સર્જન થઈ શકે તેવા પ્રયાસો કરવાની પણ સરકારના પ્રતિનિધિ તરીકે મારી જવાબદારી છે. શ્રમિકોના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ઔદ્યોગિક વિસ્તારોમાં છાત્રાલય નિર્માણની નવીન યોજના શરૂ કરાશે એમ તેમણે ઉમેર્યું હતું.
શ્રમિકો રાજ્ય સરકારની વિવિધ શ્રમિકલક્ષી યોજનાઓનો બહોળો લાભ મેળવે તેના પર મંત્રીએ ભાર મૂક્યો હતો, અને યોજનાકીય લાભો મેળવવામાં અડચણ હોય તો રજૂઆત કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં શાહલોન ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન ધીરૂભાઈ શાહ, ઉદ્યોગ અગ્રણી નીતિનભાઈ શાહ, દિનેશભાઈ પટેલ, માંડવી અને માંગરોળ તાલુકાના ઉદ્યોગકારો, ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.