નવસારી જિલ્લાના પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ

સુરતઃ વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના પાણી પુરવઠા અને સિંચાઇના પ્રશ્નો અંગે સુરત સરકીટ હાઉસ ખાતે બેઠક યોજાઇ હતી. બેઠકમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નવસારીના દાંડી સોલ્ટ મેમોરિયલ ખાતે તળાવ ભરી તેના ડેવલપમેન્ટ માટે સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
વાઘરેચ ખાતેના ટાઈડલ પ્રોજેકટની કામગીરી, નગરપાલિકાના આઠ ગામનો ડી.પી.આર. પ્લાન્ટ ઝડપી તૈયાર કરવા, મહુવાના ઝેરવાવરા ગામોની આગળના તળક્ષેત્રના ગામોમાં સિચાઈનું પાણી પહોચાડવા બાબતે સિંચાઈ વિભાગના અધિકારીઓને મંત્રી આવશ્યક સુચના આપી હતી. આભવા-ઉભરાટ બ્રિજના એપ્રોચ અંગે જમીન સંપાદન કરવા બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ્રી અમિતપ્રકાશ યાદવ તેમજ પાણી પુરવઠા અને સિંચાઇ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.