સુરત: સુરતના ખજોદમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને ખૂલ્લું મૂકતા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બુર્સને હીરા ઉદ્યોગના વિકાસને બુસ્ટ આપતું અપ્રતિમ સાહસ ગણાવ્યું હતું. બુર્સમાં ભારતના સૌથી મોટા ‘કસ્ટમ્સ ક્લિયરન્સ હાઉસ‘, જ્વેલરી મોલ અને ઈન્ટરનેશનલ બેંકિંગ અને સેફ વૉલ્ટની સુવિધા વિશ્વસ્તરીય વ્યાવસાયિક અનુભવ કરાવશે એમ જણાવી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ભારતનું વૈશ્વિક યોગદાન ૩.૫૦ ટકા છે, જેને ડબલ ડિઝિટમાં લાવવા માટે કેન્દ્ર સરકારે જેમ્સ-જવેલરી સેક્ટરને ફોક્સ એરિયાના રૂપમાં લઈને ભારતની ડાયમંડ અને જવેલરી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાઓને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સુરતના મગદલ્લા પાસે, ખજોદમાં ૬૮૨ હેક્ટર (૧૬૮૫ એકર)માં નિર્માણાધિન ડ્રીમ સિટી (ડાયમંડ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ સિટી) પ્રોજેક્ટના ભાગરૂપે સાકાર થયેલા, ૪૨૦૦ થી વધુ અગ્રણી હીરા ઉદ્યોગકારો દ્વારા નિર્મિત સુરત ડાયમંડ બુર્સની વડાપ્રધાનએ મુલાકાત પણ લીધી હતી અને બુર્સના વિવિધ ભાગો, ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે ઉપસ્થિત હીરા વ્યાપારીઓ સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક ‘ડાયમંડ‘નો ઉમેરો થયો છે, અને આ હીરા નાનોસૂનો નથી પણ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ છે.
આ સંદર્ભે તેમણે બુર્સની અદ્યતન ઈમારતને દુનિયાની તમામ શ્રેષ્ઠ ઈમારતોને ઝાંખી પાડે તેવી હોવાનું જણાવતા દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે નજરાણા સમાન બની રહેશે એમ જણાવી આ વિદ્યાર્થીઓ, અભ્યાસુઓને બુર્સની અવારનવાર મુલાકાત યોજવા સૂચન કર્યું હતું.
સમૃદ્ધિના નવા સોપાન સમા ડાયમંડ બુર્સને ટૂંકા ગાળામાં સાકારિત કરી સામૂહિક શક્તિનો પરિચય કરાવનાર હીરા ઉદ્યોગપતિઓ-વ્યાપારીઓને બિરદાવતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે,વિશ્વસ્તરે ‘મેડ ઈન ઈન્ડિયા‘ એક પ્રભાવશાળી અને સશક્ત બ્રાન્ડ બની ચૂકી છે જેનું ઉત્તમ ઉદાહરણ સુરત ડાયમંડ બુર્સ છે, કારણ કે આ બિલ્ડીંગ ભારતીય ડિઝાઈન, ભારતીય કોન્સેપ્ટ, ભારતીય ઈજનેરી અને સ્થાપત્ય કલા અને આત્મનિર્ભરતાના પ્રતીકના રૂપમાં ઉભરી છે. ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પંચતત્વ, લેન્ડ સ્કેપિંગ, સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બનશે.
બુર્સ થકી સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસની ભાવના મૂર્તિમંત થઈ રહી છે એનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, કારીગરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ખરીદદારો માટે સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર બનશે. સુરતમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે રફ અને પોલિશ્ડ ડાયમંડનું સૌથી મોટું માર્કેટ મળવાથી તેમજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થવાથી આવનાર સમયમાં હીરા ઉદ્યોગની સાથે સુરતની ડાયમંડ અને જવેલરી કંપનીઓ, લેબગ્રોન ડાયમંડ કંપનીઓને નિકાસમાં તેમજ બિઝનેસમાં સીધો ફાયદો મળશે એમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
‘ઈતિહાસનો અનુભવ, વર્તમાનનું વૈવિધ્ય અને ભવિષ્યની દૂરંદેશિતા એટલે સુરત‘ એવી વ્યાખ્યા આપી તેમણે સુરત શહેર અને સુરતીઓ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આફતને અવસરમાં ફેરવવાની શક્તિ સુરતવાસીઓમાં જોઈ છે. પૂર, પ્લેગ જેવા અનેકવિધ સંકટો સામે ઝીંક ઝીલીને જીવવાના સુરતી સ્પિરીટને સમગ્ર દેશે અનુભવ્યો છે. એટલે જ સુરતની માટીમાં કંઈક ખાસ છે ,જે તેને અન્ય શહેરોથી અલગ પાડે છે. ઉપરાંત, વિકાસ માટેની ‘મોદીની ગેરન્ટી‘ઓને સચ્ચાઈમાં પરિવર્તિત થતા સુરતીઓએ ભૂતકાળમાં અનુભવી છે.
વડાપ્રધાનશ્રીએ બુર્સ થકી વર્ષે બે લાખ કરોડનો બિઝનેસ અને દેશવિદેશના બાયર્સ, સેલર્સનું સુરતમાં આગમન થવાનું છે જેને ધ્યાને લેતા સુરતની નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષા શીખી સંવાદ કરી શકે એ માટે યુવા વિદ્યાર્થીઓ માટે લેન્ગવેજ ઈન્ટરપ્રિટેશન કોર્સ શરૂ કરવાનું રચનાત્મક સૂચન કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, આજે વૈશ્વિક માહોલ ભારત તરફી છે. વિદેશો ભારત પ્રત્યે આદર સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક સાનુકૂળ માહોલમાં દેશની પ્રગતિ માટે સૌને ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારતને આગામી પાંચ વર્ષમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા, ફાઈવ ટ્રીલિયન ઈકોનોમી તેમજ વિકસિત ભારત બનાવવા માટે ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરને પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
વર્ષ ૨૦૧૦માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ડાયમંડ ઉદ્યોગ માટે સ્પેશ્યલ નોટીફાઈડ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી, જેના પરિણામે ડાયમંડ બુર્સ જેવી વૈશ્વિક ડાયમંડ કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાના બીજ રોપાયા હતા અને ડ્રીમ સિટી અંતર્ગત વર્ષ ૨૦૧૫માં બુર્સનો પાયો નંખાયો હતો એમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં સુરત દેશના મોટા જહાજોના નિર્માણનું કેન્દ્ર હતું. એક સમયે સુરતમાં ચોર્યાસી દેશોના બંદરોના વાવટા ફરકતા હતા ત્યારે આજે ડાયમંડ બુર્સના પરિસરમાં ૧૨૫થી વધુ દેશોના વાવટા ફરકી રહ્યા હોવાનું જણાવી બુર્સ થકી સુરતના સોનેરી ઇતિહાસ પુન:જીવિત થયો છે એમ ગર્વસહ જણાવ્યું હતું.
બુલેટ ટ્રેન, નેશનલ ફ્રેઈટ કોરિડોર, હજીરા પોર્ટ અને LNG પોર્ટ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેવા ચાવીરૂપ પ્રોજેક્ટ્સનો લાભ મેળવતું એકમાત્ર સુરત છે એમ જણાવી આ વિકાસ પ્રકલ્પો સુરતના સર્વાંગી વિકાસની કેડી માટે રોડમેપ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડાયમંડ અને જ્વેલરીના વ્યાપાર માટે કેન્દ્ર સરકાર હંમેશા સકારાત્મક રહી છે અને ભવિષ્યમાં આ ક્ષેત્રમાં જરૂરી તમામ સહાય કરવાની ખાતરી વડાપ્રધાનશ્રીએ ઉચ્ચારી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાલ સુધી ‘મોદી હૈ તો મુમકીન હૈ‘ એમ કહેવાતું, હવે વિકાસની ગેરેન્ટી એટલે મોદીજી એવો વિશ્વાસ દેશભરમાં પ્રસ્થાપિત થયો છે. ‘વિકસિત ભારત@૨૦૪૭‘ના સંકલ્પ સાથે વડાપ્રધાનશ્રીએ દેશમાં વિકાસનો નવો ઈતિહાસ રચ્યો છે એમ જણાવી રાજ્યની જનતાને તેમના દીર્ઘદ્રષ્ટિયુક્ત નેતૃત્વનો લાભ બે દાયકાથી મળતો રહ્યો છે. આ બે દાયકામાં વડાપ્રધાનશ્રીએ ‘જે કહેવું તે કરવું’ એવા કાર્યમંત્ર સાથે ‘ડ્રીમને ડિલિવરી‘ સુધી લઈ જવામાં સફળતા મેળવી છે. પરિણામે તેમના નેતૃત્વમાં રાજ્યમાં વેપાર-વાણિજ્ય-ઉદ્યોગો, કૃષિ, ગ્રામ વિકાસ, અંત્યોદય દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે.