સુરતની પહેલી શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ, હરિપ્રકાશ સ્વામીએ કહ્યુંઃ ”દાદાના ચરિત્રોથી યુવાઓનાના સંસ્કારને સુશોભિત કરવાનો આ કથા હેતુ”

સુરતઃ આજથી સુરતમાં તાપી નદીના કિનારે પહેલી હનુમાન ચાલીશા કથાનો પ્રારંભ થઈ ગયો છે. સાળંગપુરના શાસ્ત્રી સ્વામી સાંજે 8.30થી 11.30 વાગ્યા સુધીને શ્રોતાઓને હનુમાનજીના ચરિત્રની કથાનું વ્યાસપીઠ પરથી રસપાન કરાવશે. કથા પહેલાં ભવ્ય પોથીયાત્રા યોજાઈ હતી. જેમાં 500 મહિલાઓએ તેમના મસ્તક પર શ્રીરામ ચરિત માનસ ગ્રંથ ધારણ કર્યો હતો. તેમજ પુરુષો સાફો બાંધ્યો હતો. આ ઉપરાંત પોથીયાત્રામાં પુરુષઓએ કાઠીયાવાડી, રાજસ્થાનની થીમ પર વેશભૂષા ધારણ કરી હતી. તો પોથીયાત્રામાં બગીમાં સંતો સુરતના ભક્તોને દર્શન આપ્યા હતા.
આ ઉપરાંત પોથીયાત્રામાં ડીજે, બેન્ડબાજા, નાસિક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ, સંગીત સાથે જમવાટ કરી હતી. હાથી ઉટગાડી, બળદગાડી, ખુલ્લી થાર જીપ, બુલેટ સમૂહ પોથીયાત્રાની શોભા વધારી હતી. આ ઉપરાંત સ્કુલના પ્રદર્શન ફ્લોટ, વાનરો,હનુમાનજી દેવ દેવતાઓ, મિકી માઉસ સાથે અસંખ્ય ભક્તો પોથીયાત્રામાં ચાર ચાંદ લગાવ્યા હતા.
હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ”સુરતના આંગણે રામભક્ત શ્રીહનુમાનજી યુવા કથાનું આયોજન કરાયું છે. આ કથામાં હનુમાનજીના પરાક્રમ, શૌર્ય અને ઐશ્વર્યની કથા છે. આ કથાનો મેઇન ઉદ્દેશ એ છે કે, આજનું આપણું યુવાધન ડ્રગ્સ અને દારુમાં સંપડાઈ રહ્યું છે. આ કથા દ્વારા આપણે સમાજના તમામ દીકરા-દીકરીઓને એક વાત બતાવવી છે કે, આપણાં રોલમોડેલ હનુમાનજી હોવા જોઈએ. હનુમાનજી મહારજમાં શૌર્ય, ભક્તિ, શક્તિ, પરાક્રમ, સફળતા, વિરતા અને દાસત્વપણું છે. આમ હનુમાનજીમાં તમામ સદગુણોનો સમનવય માત્ર હનુમાનજીમાં છે. મોટાભાગના મોટિવેશન સ્પીકરના રોલમોડેલ હનુમાનજી છે.આધ્યાત્મિક અને ભૌતિકમાર્ગની અંદર સફળ થવા માટે હનુમાનજીને અનુસરવા શ્રેષ્ઠ છે. ”
હરિપ્રકાશ સ્વામીએ વધુમાં જણાવ્યું કે, ”હનુમાજીની બીજી મહત્ત્વની વાત એ છે કે, સમગ્ર રાષ્ટ્રને સનાતન ધર્મ હિન્દુના નામે એક કરવા માત્રને માત્ર બજરંગબલી હનુમાનજી મહારાજ કરી શકશે. રાષ્ટ્રનું પુનઃ જાગરણ મોદી સાહેબ દ્વારા થઈ રહ્યું છે. એમાં પણ હનુમાનજી મહારાજનો ઘણો રોલ છે. તો આજના નાનામાં નાના વ્યક્તિથી મોટામાં વ્યક્તિને માર્ગદર્શન પુરું પાડતાં હોય, પ્રેરણા પુરી પાડતા હોય, હિંમત, બળ અને ઉત્સાહ પુરું પાડવાનું કોઈપણ કામ કરતું હોય તો તે હનુમાનજી મહારાજ છે, તેમની આસ્થા છે. તેમની શ્રદ્ધા છે, તેમની પ્રત્યેની ભક્તિ છે અને હનુમાનજી મહારાજના જે ચરીત્રો છે તેના દ્વારા જ સમાજને જાગૃત કરીશું એ માટે ઉમદા હેતુ આ હનુમાન ચાલીસા યુવા કથાનો છે.”