
સુરત : દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગ જગતની સર્વોચ્ચ સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સંસ્થાના 86મા સ્થાપના દિવસ નિમિત્તે બુધવાર, 21 ઑક્ટોબર 2026ના રોજ એક ભવ્ય અને યાદગાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ગૌરવવંતા ઇતિહાસની સ્મૃતિ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ચાર ભૂતપૂર્વ પ્રમુખોનું સન્માન, કેક કટિંગ તેમજ નવરાત્રિ ગરબા મહોત્સવ સહિતના ત્રિવેણી સંગમ સમાન આયોજનમાં ચેમ્બર પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

86 વર્ષનો વારસો અને શતાબ્દીનો સંકલ્પ: ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા
સ્થાપના દિવસ પ્રસંગે સંબોધન કરતાં SGCCIના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ માત્ર એક સંસ્થાના જન્મદિવસની ઉજવણીનો નથી, પરંતુ સુરતના અદમ્ય સાહસ, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક સામર્થ્ય અને વેપારી આલમની અખંડ એકતાનો ઉત્સવ છે. સંસ્થાનું આયુષ્ય કેલેન્ડરના પાનાંઓથી નહીં, પણ તેણે સમાજ અને ઉદ્યોગના જીવનમાં સર્જેલા વાસ્તવિક પરિવર્તનથી મપાય છે. વર્ષ 1940માં સ્વ. દિવાન બહાદુર ભૂપતરાય જમીએતરામ શાસ્ત્રી દ્વારા રોપાયેલું નાનું બીજ આજે 86 વર્ષની અવિરત તપસ્યા બાદ એક વિરાટ વટવૃક્ષ બની ચૂક્યું છે.”
તેમણે ઉમેર્યું કે, “જ્યારે પણ ઉદ્યોગ પર સંકટ આવ્યું ત્યારે ચેમ્બરે ઢાલ બનીને રક્ષણ કર્યું છે અને વેપાર અટક્યો ત્યારે નવો માર્ગ કંડાર્યો છે. આજના બદલાતા યુગમાં સ્પર્ધા માત્ર સસ્તા માલની નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોલિટી, ઇનોવેશન અને ગ્લોબલ બ્રાન્ડિંગની છે. અહીંથી બરાબર 14 વર્ષ પછી જ્યારે ચેમ્બર પોતાની ‘શતાબ્દી’ ઉજવતી હશે ત્યારે નવી પેઢી ગર્વથી કહી શકવી જોઈએ કે અગાઉ લેવાયેલા સાહસિક નિર્ણયો થકી સુરત વૈશ્વિક આર્થિક નકશા પર અજેય મહાસત્તા બન્યું છે. કવિ નર્મદની પંક્તિ ‘ડગલું ભર્યું કે ના હઠવું’ને ચરિતાર્થ કરી આપણે ‘Business Beyond Excellence’ના ધ્યેયમંત્ર સાથે ભવિષ્યનું નેતૃત્વ કરવાનું છે.”
ભૂતપૂર્વ પ્રમુખોનું વિશેષ સન્માન અને કેક કટિંગ
કાર્યક્રમ દરમિયાન સંસ્થાને વિવિધ દાયકાઓમાં સક્ષમ નેતૃત્વ પૂરું પાડનારા દ્રષ્ટિવંત પૂર્વ પ્રમુખો સર્વશ્રી વસંતલાલ બચકાનીવાલા, પ્રેમ શારદા, રાજેન્દ્ર ચોખાવાલા અને અમરનાથ ડોરાનું ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા તેમજ વર્તમાન હોદ્દેદારો દ્વારા પુષ્પગુચ્છ અને સન્માનપત્ર અર્પણ કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ અતિથિઓ, હોદ્દેદારો અને પૂર્વ પ્રમુખો દ્વારા સામૂહિક કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેમ્બરના મુખપત્ર ‘સમૃદ્ધિ’ સામયિકના અંકનું વિધિવત્ વિમોચન કરવામાં આવ્યું હતું.
સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે SGCCI લેડીઝ વિંગ દ્વારા એક આકર્ષક અને વિશિષ્ટ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. પપ્પુ મ્યુઝિક – ટીમ આલાપ દ્વારા માતાજીની આરતીનું ભાવસભર ગાન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર હોલ ભક્તિભાવમાં લીન બન્યો હતો. ત્યારબાદ 3 કલાક સુધી ચાલેલા નવરાત્રિ રાસ-ગરબામાં સભ્યો અને પરિવારો મન મૂકીને ઝૂમ્યા હતા.
ગરબા સ્પર્ધાના નિર્ણાયક (જ્યુરી) તરીકે મેઘના દેસાઈ, નિધિ દેસાઈ, ઊર્જિતા કિનારીવાલા, રૂપલ શાહ તેમજ કોરિયોગ્રાફર શ્રદ્ધા શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. લેડીઝ વિંગનાં ચેરપર્સન અલ્પા મદ્રાસીએ જ્યુરી મેમ્બર્સનો પરિચય કરાવ્યો હતો અને પ્રમુખશ્રી દ્વારા તેમનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. અંતમાં વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા ખેલૈયાઓને મહાનુભાવોના હસ્તે આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું કુશળ સંચાલન SGCCIના ગ્રૂપ ચેરમેન ભાવેશ ટેલરે કર્યું હતું, જ્યારે અંતમાં આભારવિધિ ઉપપ્રમુખ રવિ રાજ દેસાઈએ આટોપી હતી. આ ગૌરવવંતા સ્થાપના દિને ચેમ્બરના માનદ્ મંત્રી પરેશ લાઠીયા, માનદ્ ખજાનચી અતુલ પટેલ, ઑલ એક્ઝિબિશન ચેરમેન મનિષ કાપડિયા, લેડીઝ વિંગનાં ચેરપર્સન અલ્પા મદ્રાસી, સભ્યો અને સ્ટાફ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



