સુરતની ઘારીમાં Gen-Zનો તડકો, ‘જંતરમંતર’માં સોનાચાંદીની ચમક!
ચાંદની પડવા નિમિત્તે ભાગળની 100 વર્ષથી વધુ જૂની સુખડિયા પેઢીએ રજૂ કરી નવી ફ્લેવર્સ; 200થી 1,600 સુધીની ઘારી આકર્ષણનું કેન્દ્ર

સુરત : સુરતની ઓળખ સમાન ઘારી અને ભૂસું ચાંદની પડવાના તહેવારની ઉજવણીનો અભિન્ન હિસ્સો છે. આ પર્વ નિમિત્તે સુરતીલાલાઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂસું આરોગે છે. સમયની સાથે ઘારીની પરંપરાગત વેરાઈટીઓમાં પણ નવીન પ્રયોગો થઈ રહ્યા છે. ત્યારે ભાગળ ખાતે આવેલી એસ. મોતીરામ મીઠાઈની 100 વર્ષથી વધુ જૂની પેઢી દ્વારા આ વર્ષે પરંપરાગત સ્વાદની સાથે નવી પેઢીને આકર્ષવા ‘જેન-ઝી’ અને ‘જંતરમંતર’ સહિતની અનોખી ફ્લેવર્સની ઘારી તૈયાર કરવામાં આવી છે.
પેઢીના સંચાલકો ગૌરાંગભાઈ સુખડિયા, મુકુંદભાઈ સુખડિયા અને હિમાંશુભાઈ સુખડિયાના જણાવ્યા અનુસાર, વર્ષોથી ઘારીની પરંપરા જાળવી રાખવાની સાથે સમયની માંગ પ્રમાણે નવી ફ્લેવર્સ રજૂ કરવામાં આવે છે. અગાઉ મુખ્યત્વે માવાની ઘારીનું ચલણ હતું. ત્યારબાદ બદામ-પિસ્તા, કેસર-બદામ-પિસ્તા, પિસ્તા અને ડ્રાયફ્રૂટ્સ જેવી વિવિધ વેરાઈટીઓ લોકપ્રિય બની. હવે ચોકલેટ, કેરેમલ, હેઝલનટ અને ક્રિસ્પી વેફર જેવા સ્વાદના ઉમેરા સાથે ઘારીને નવો અવતાર આપવામાં આવ્યો છે.
જેન-ઝી માટે બ્યુએનો અને કેરેમલ ફ્લેવર
નવી પેઢીની પસંદગીને ધ્યાનમાં રાખીને ‘જેન-ઝી બ્યુએનો’ અને ‘જેન-ઝી કેરેમલ’ ઘારી તૈયાર કરવામાં આવી છે. બ્યુએનો ફ્લેવરમાં હેઝલનટ, મિલ્ક ક્રીમ, ક્રિસ્પી વેફર અને ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘારીપ્રેમીઓ માટે કુનાફા અને બિસ્કોફ ફ્લેવરની ઘારી પણ રજૂ કરવામાં આવી છે. આમ, પરંપરાગત મીઠાઈમાં આધુનિક સ્વાદનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.
‘જંતરમંતર’ ઘારીમાં રિયલ ગોલ્ડ અને સિલ્વરની ચમક
આ વર્ષની ખાસ વિશેષતા ‘જંતરમંતર’ ઘારી છે. તેમાં અડધા ભાગ પર રિયલ ગોલ્ડ અને બીજા અડધા ભાગ પર રિયલ સિલ્વર વરખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પેઢી દ્વારા વિશેષ સુવર્ણ ઘારી પણ તૈયાર કરવામાં આવી છે. સોના-ચાંદીના વરખથી સજેલી આ ઘારીઓ પોતાની વિશિષ્ટ બનાવટને કારણે આકર્ષણનું કેન્દ્ર બની છે. રિયલ ગોલ્ડ અને સિલ્વરના ઉપયોગને કારણે આ ઘારીઓની કિંમત વધુ છે અને તે ખાસ ઓર્ડર પર તૈયાર કરવામાં આવે છે.
ઘારીના ભાવ પણ ખાસ
પેઢી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, જેન-ઝી બ્યુએનો અને જેન-ઝી કેરેમલ ઘારીનો ભાવ પ્રતિ નંગ 200, બિસ્કોફ ઘારીનો 200 અને કુનાફા ઘારીનો 250 છે. જ્યારે જંતરમંતર ઘારીનો ભાવ 1,000, સિલ્વર ઘારીનો 500 અને સુવર્ણ ઘારીનો 1,600 પ્રતિ નંગ છે.
આમ, સુરતની સદીઓ જૂની ઘારી પરંપરામાં આધુનિક ફ્લેવર્સ અને સોનાચાંદીની ચમકનો ઉમેરો થયો છે. પરંપરાગત માવા અને ડ્રાયફ્રૂટ્સના સ્વાદથી લઈને Gen-Zને પસંદ પડે તેવી નવીન વેરાઈટીઓ સુધી, આ ચાંદની પડવા પર સુરતીઓ માટે ઘારીના સ્વાદમાં કંઈક નવું માણવાની તક મળશે.



