
સુરત: શહેરના વરાછા સ્થિત મિની બજાર વિસ્તારમાં શનિવારે સવારે મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલમાં તૈરતી વખતે એક સોફ્ટવેર ડેવલપરનું મોત થયું હતું. 32 વર્ષીય યુવક પાણીમાં ઊંધા મોઢે પડેલો જોવા મળતાં સ્વિમિંગ પૂલમાં હાજર અન્ય સભ્યે તેને તાત્કાલિક બહાર કાઢ્યો હતો. ત્યારબાદ CPR આપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહોતો. આ ઘટનાથી પરિવાર પર શોકની લાગણી છવાઈ ગઈ છે.
સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી માહિતી મુજબ, વરાછાના એલ.એચ. રોડ પર આવેલી ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા વિમલ રુખડભાઈ કાતરિયા (32) પત્ની અને એક પુત્રી સાથે રહેતા હતા. તેઓ લાલદરવાજા વિસ્તારમાં આવેલી એક IT કંપનીમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરતા હતા. તેમના ભાઈ સંજય કાતરિયાએ જણાવ્યું હતું કે વિમલ છેલ્લા ત્રણ મહિનાથી નિયમિત રીતે મિની બજાર સ્થિત મનપાના સ્વિમિંગ પૂલમાં તૈરવા જતા હતા. શનિવારે સવારે પણ તેઓ રોજની જેમ પૂલમાં પહોંચ્યા હતા, જ્યાં આ દુર્ઘટના બની હતી.
પાણીમાંથી બહાર કાઢ્યા બાદ વિમલને CPR આપવામાં આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
તૈરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા
સ્વિમિંગ પૂલના ઇન્સ્ટ્રક્ટર હિમાંશુ ઇચ્છાપુરિયાએ જણાવ્યું હતું કે વિમલ નિયમિત રીતે તૈરવા આવતા હતા. શનિવારે સવારે અન્ય એક સભ્યે તેમને પાણીમાં ઊંધા મોઢે પડેલા જોયા હતા. ત્યારબાદ તાત્કાલિક બહાર કાઢીને CPR આપવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. તૈરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે તેની સત્તાવાર પુષ્ટિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ થશે.
પૂલમાં માત્ર બે ઇન્સ્ટ્રક્ટર હોવાનો પરિવારનો આક્ષેપ
વિમલના ભાઈ સંજય કાતરિયાએ સ્વિમિંગ પૂલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, પૂલમાં તૈરવા આવતા સભ્યોની સંખ્યાના પ્રમાણમાં પૂરતા ઇન્સ્ટ્રક્ટર અને દેખરેખની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ ત્યાં માત્ર બે ઇન્સ્ટ્રક્ટર હાજર હતા. આ ઘટનાને પગલે સ્વિમિંગ પૂલમાં સુરક્ષા વ્યવસ્થા અને તૈરાકોની દેખરેખ અંગે સવાલો ઊભા થયા છે.



