ખાખી વર્દીમાં માનવતાનો રંગ ભળ્યો: રાંદેર પોલીસના પ્રયાસોથી ૧૯ વર્ષ બાદ માતા, દીકરી અને પિતાનું પુનર્મિલન
૧૯ વર્ષ સુધી પિતાના વાત્સલ્ય માટે તરસતી દીકરી અને પિતાના મિલન વેળાએ પોલીસ સ્ટેશનમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
સુરતઃ કુટુંબમાં કોઈ પણ સભ્યની નાનામાં નાની જરૂરિયાતનો ખ્યાલ જો કોઈ રાખી શકતું હોય તો એ માત્ર પિતા છે, આ જ રીતે માતા પણ મહત્વની જવાબદારી નિભાવતી હોય છે, પણ જ્યારે પિતા અથવા માતાના પ્રેમથી બાળક વંચિત રહે છે ત્યારે બાળક માટે સંઘર્ષભરી સ્થિતિ ઉભી થતી હોય છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં પારિવારિક ઝઘડાના કારણે એક હસતો-રમતો પરિવાર વેરવિખેર થયો, પરંતુ રાંદેર પોલીસના પરિવારનો માળો ફરી બાંધવાના દોઢ મહિનાના પ્રયાસોથી છેલ્લા ૧૯ વર્ષ ઘર છોડીને જતા રહેલા પિતાનું પત્ની, દીકરી અને પરિવાર સાથે સુખદ પુનર્મિલન થયું હતું. ૧૯ વર્ષ સુધી પિતાના વાત્સલ્ય માટે તરસતી દીકરી અને પિતાના મિલન વેળાએ પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
પિતા ઘર છોડીને જતાં રહેતા સુરતની મહિલા અને દીકરીને તેના મામા સાચવતા હતા. પણ હવે જેમ જેમ દીકરી મોટી થઈ અને સમજણ આવતી ગઈ તેમ તેને પિતાની ખોટ સાલવા લાગી, આજીવન સગાસંબંધીના સહારે કેમ રહેવું? ભવિષ્યમાં પોતાના ઘર-પરિવારના પાલન પોષણનું ધ્યાન કોણ રાખશે? એ ચિંતા દીકરીને થયા કરતી હતી. આખરે રાંદેર પોલીસના સહકારથી ઘરમાં ફરી રોનક આવી છે.
રાંદેર પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, આજથી દોઢ મહિના પહેલા રાંદેર વિસ્તારના એક પરિવારની માતા અને ૧૯ વર્ષીય દીકરીએ રાંદેર પોલીસ સ્ટેશન આવીને પોતાની આપવિતી જણાવી હતી. આવો કિસ્સો કદાચ જ રાંદેર પોલીસના ઈતિહાસમાં આવ્યો હશે. માતાના વર્ષ ૨૦૦૩માં લગ્ન થયા બાદ પતિ સાથે મુંબઈ રહેવા ગયા ત્યાં ૧૦ મહિના રહીને સુરતમાં પરત આવ્યા. આ સમયમાં પારિવારિક ઘર-કંકાસના કારણે મહિલાનો પતિ તેને પિયરમાં મૂકીને મુંબઈ જતા રહ્યા. મહિલા સગર્ભા હતા અને વર્ષ ૨૦૦૪માં દીકરીનો જન્મ થયો. દીકરી છ માસની થઇ છતા પતિ મળવા આવ્યા ન હતા. એટલે મારી અને નવજાત દીકરીના નિર્વાહ માટે કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો. કોર્ટે દર મહિને ભરણપોષણના નાણા આપવા માટે હુકમ કર્યો. છતાં પતિ પરત આવતા પણ ન હતા, ભરણપોષણ ચૂકવતા ન હતા અને નામ-સરનામાની કોઈ ભાળ પણ ન હતી.
વધુમાં શ્રી ચૌધરીએ કહ્યું કે, દીકરીની આંખમાં ૧૯ વર્ષથી પિતાને ક્યારેય ન જોયાનું દુ:ખ સ્પષ્ટ જોવા મળતું હતું. માતા-દીકરીની વેદનાને અનુભવી રાંદેર પોલીસની ટીમે તત્પરતા દાખવીને ગુમ પિતાને શોધવા સગાસંબંધીઓના ઘર સહિત મુંબઈ-ગોવા પોલીસની મદદ લીધી, અનેક સ્થળે તપાસ કરી. વર્ષ ૨૦૨૧માં મહિલાના સસરાનું અવસાન થયું એટલે આશા હતી કે પિતાના મરણ-પ્રસંગમાં હાજરી આપશે. પણ તે પિતાની અંતિમક્રિયામાં પણ ન આવ્યા. એટલે દીકરી અને માતાએ આશા છોડી દીધી કે હવે તેમનું મોં જોવા મળશે કે કેમ?
તેમણે ઉમેર્યું કે, પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુ બંધાય એ માટે લોકોની સુરક્ષા સાથે લોકસેવા પણ કરવી, મદદ અને સુરક્ષા માટે હરહંમેશ તૈયાર રહેવું એવો અભિગમ સુરત પોલીસે અપનાવ્યો છે. પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત, જોઈન્ટ પો.કમિ.શ્રી એન.કે. ડામોર અને ઝોન-૫ના ના.પોલીસ કમિશનરશ્રી આર.પી.બારોટ તથા એ.સી.પી.(કે ડિવીઝન)શ્રી બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભું થાય અને લોકોની સેવા સાથે સુરક્ષા અને શાંતિ પ્રસ્થાપિત થાય એવા અનેક કાર્યો કર્યા છે, ત્યારે આ કેસમાં પણ રાંદેર પોલીસ ગુમ પિતાને શોધવા સતત કાર્યરત હતી.
ઉચ્ચ અધિકારીઓના સતત માર્ગદર્શનમાં રાંદેર પોલીસ ટીમમાં સેકન્ડ પો.ઈ.શ્રી એમ.કે.ગોસ્વામી, ડી-સ્ટાફ પીએસઆઈ માનવાલા, ઈશ્વરભાઈ, ટેક્નિકલ શાખાના ચેતનભાઈ, સુરેશભાઈ ટીનાબેન, શી ટીમના કાઉન્સેલર પૂજાબા અને નયનાબેન સહિતની ટીમે કોઈ ડોક્યુમેન્ટ કે મોબાઈલ નંબર ન હોવા છતાં હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી દોઢ મહિનામાં પગેરું મેળવી લીધું હતું. ડીસ્ટાફ હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રાઠોડના સોર્સથી મળેલી બાતમીના આધારે સુરતના ઓલપાડ નજીકના ગામથી છેલ્લા ઘણા વર્ષોથી સંપર્કવિહોણા પિતાને શોધવામાં સફળતા મળી હતી. બાદમાં દીકરીને ફોન કરીને ‘તારા પિતા મળી ગયા છે’ એમ જણાવ્યું ત્યારે તેની ખુશીનો કોઈ પાર ન હતો. તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા ત્યારે ખૂબ જ ભાવાત્મક દ્રશ્યો સર્જાયા હતા. દીકરી અને માતાને વિશ્વાસ થતો ન હતો કે તેમના સ્વજન પરત આવ્યા છે.
આ ઘટનાક્રમ વર્ણવતા તેમણે કહ્યું કે, પોલીસ સ્ટાફે જ્યારે દીકરીને કહ્યું કે, ‘બેટા, આ તારા પિતા છે, ત્યારે દીકરીએ માતા સામે જોયુ. માતાએ કહ્યું કે, ‘હા બેટા, આ જ તારા પિતા છે.’ એ સાથે જ દીકરીએ રડતા રડતા પિતાને ભેટી પડી હતી. લાગણીશીલ બનેલા પોલીસ સ્ટાફની આંખોમાં આંસુ છલકાયા હતા અને માનવતાના કાર્યમાં નિમિત્ત બન્યા હોવાનો ગર્વ અનુભવતા હતા. રાંદેર પોલીસના માનવીય અભિગમથી ૧૯ વર્ષે દીકરીને પિતા સાથે સુખદ મિલન થયું હતું.
આમ, ખાખી રંગની વર્દીમાં માનવતાનો રંગ ભળે ત્યારે સમાજના જરૂરિયાતમંદ વર્ગને સુખદ અનુભવ થતો હોય છે, જેનું પ્રમાણ રાંદેર પોલીસના માનવતાવાદી રૂપમાં ફરી એક વાર જોવા મળ્યું છે.