સુરત

સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક બિરસા મુંડાજીના ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી

જનજાતિય ગૌરવ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સુરતઃ આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારના જમુઈથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથે ઈ- સંવાદ સાધ્યો  હતો. આ સાથે જ દેશવ્યાપી ‘ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો શુભારંભ પણ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરત જિલ્લાના મહુવા તાલુકાના બારતાડ ગામે  કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મંત્રીના હસ્તે રૂ.૩૦ કરોડના ખર્ચે તૈયાર થનારા એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રીએ મહાનાયક બિરસા મુંડાની જન્મજયંતિની શુભકામનાઓ આપતા જણાવ્યું હતું કે, આદિજાતિઓના વિકાસ માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. આદિજાતિ સમાજ સર્વાંગીણ અને નક્કર વિકાસ તરફ આગળ વધે તે દિશામાં ગુજરાતે સમગ્ર દેશમાં નેતૃત્વ લીધું છે. જનનાયક બિરસામુંડાના જીવનમાંથી લોકો પ્રેરણા લે તે માટે વડાપ્રધાને જનજાતિય દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આદિજાતિઓની વિકાસગાથા વર્ણવતા કહ્યું હતું કે, રાજયમાં  સરકારી છાત્રાલયો માટે વર્તમાન વર્ષે ૧૩૦ કરોડની જોગવાઇ, શૈક્ષણિક સુવિધાઓ માટે ૭૫ આદર્શ નિવાસી શાળાઓ પાસે રૂ.૧૨૨૭ કરોડ, સમરસ છાત્રાલયો માટે ૨૪.૮૭ કરોડની જોગવાઈ સહિત અનેકવિધ જોગવાઈ ઓ કરી હોવાની વિગતો તેમણે આપી હતી.

ધારાસભ્ય મોહનભાઈ દ્વારા મહુવા વિસ્તારમાં સંયુક્ત ખાતાઓમાં પડતી મુશ્કેલીઓના કારણે યોજનાના લાભો મળી શકતા ન હોવાની રજુઆત સંદર્ભે મંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

આ અવસરે ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એકલવ્ય મોડલ સ્કુલનું નિર્માણ થવાથી તાલુકાના ૫૦ ટકા વિધાર્થીઓને સિધો પ્રવેશ મળશે. સરકારે રસ્તા, પુલ તથા પાણી સહિતના અનેકવિધ  કામો કર્યા છે. નવ નદીઓના વિસ્તાર હોવાથી નદીઓ ૫૦થી પુલોના નિર્માણ કર્યા છે અને બીજા પુલોના કામો ચાલી રહ્યા છે. મહુવા તાલુકો પશુપાલન સાથે સંકળાયેલો હોય આગામી સમયમાં તાલુકામાં વેટરનરી કોલેજનું નિર્માણ થાય તે માટે મંત્રીશ્રીને રજુઆત કરી હતી.

આ અવસરે શિક્ષણની જયોત સમી રેશિડેન્સીયલ સ્કુલના નિર્માણ માટે જમીન આપવાના હકારાત્મક અભિગમ અપનાવવા માટે બારતાડ ગામના સરપંચ શ્રીમતિ સૈઝલબહેનનું મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું.આ અવસરે કૃષિ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે આદિજાતિની કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. મંત્રી તથા ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના જમુઈથી ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન- પી.એમ.જનમન’ના લાભાર્થીઓ સાથેના ઈ- સંવાદના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ  ભાવિનીબેન પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન  રાકેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ  શિલાબેન, જિલ્લા વિકાસ અધિકારી surat શિવાની ગોયલ, પ્રાયોજના વહીવટદાર નિધિ શિવાય, પ્રાંત અધિકારી જીગ્ના પરમાર, અગ્રણી જીગર નાયક, મામલતદાર-તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button