સુરત

સુરતમાં જિલ્લા કક્ષાનાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

દેશને મળેલી G20નું પ્રતિનિધિત્વ કરવાની સુવર્ણ તકથી ગુજરાતમાં યોજાનારા વિવિધ ચર્ચાસત્રો ગુજરાતના ઔદ્યોગિક વિકાસને બળ પૂરું પાડશે

 સુરત:ગુરૂવાર: સુરત ખાતે દેશનાં આન, બાન અને શાન સમા ૨૬મી જાન્યુઆરી-૭૪માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે ધ્વજવંદન કરતાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ના સંકલ્પને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરતા કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધી રહેલા ગુજરાતની વિકાસ ગાથાનું વર્ણન કરી આદર્શ ભારતનાં નિર્માણમાં વિકાસશીલ કાર્યો કરી ગુજરાતની ભૂમિકાને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

સુરત જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં હજીરાના કવાસ-લીમલા સ્થિત ક્રુભકો સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમજ વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓ, ક્રાંતિકારીઓનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, હજારો ક્રાંતિવીરો, સત્યાગ્રહીઓના ત્યાગ અને બલિદાનને પરિણામે આપણે સ્વતંત્ર ભારતનો ભાગ બની ગૌરવદિનની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદ ભારતના સંચાલન હેતુ દેશનું બંધારણ આકાર પામ્યું જેથી આજે દેશનો જનજન આગવા બંધારણીય અધિકારો થકી લોકશાહીની મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, સરદાર પટેલ દ્વારા સાકારિત અખંડ ભારતના સ્વપ્નને આગળ ધપાવી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ ઉત્તમ ભારતની રચના થઈ રહી છે જેમાં તેમના પ્રબોધેલા ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ની રાહ પર ચાલી સ્વર્ણિમ ભારત માટે આપણે સૌએ સઘન પ્રયાસ કરવાના છે.

દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અને ૧૧.૫%નાં GDP ગ્રોથ રેટ સાથે આગળ વધતું શહેર સુરત છે એમ જણાવતા મંત્રીશ્રીએ નવા ઉદ્યોગોને આવકારવા તત્પર અને વ્યાપાર માટે સુરતને સર્વશ્રેષ્ઠ હબ ગણાવી રોજગાર અર્થે વિવિધ પ્રદેશોમાંથી આવતા કર્મશીલ નાગરિકોના કારણે  સુરતને ‘લઘુ ભારત’ તરીકેની ખ્યાતિ પણ મળી હોવાનુ કહ્યું હતું. સાથે જ ડાયમંડ, ટેકસ્ટાઈલ અને બ્રિજ સિટી બાદ હવે સુરતને મળેલા કલીનેસ્ટ સિટીના ખિતાબની જાણકારી આપી હતી.

રાજ્ય સરકારે પ્રશાસનને સત્તા નહીં, પણ સેવાનું માધ્યમ બનાવ્યું છે એમ સ્પષ્ટપણે જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૨૪ કલાક વિજળી, નલ સે જલ યોજના, આવાસ યોજના, ખેડૂત સહાય, આદિવાસી જાતિનો વિકાસ, સાગરખેડૂ તેમજ સ્ટાર્ટઅપ સહાય જેવી અનેક યોજનાઓ હેઠળ ડાયરેક્ટ લાભો આપી જન જનનો વિકાસ સાધી આર્થિક અને સામાજિક ક્ષેત્રે વિકાસની નવી સિદ્ધિઓને ગુજરાત આંબી રહ્યું છે.

ઐતિહાસિક રીતે માત્ર ૩ મહિનાના ટૂંકા સમયગાળામાં સફળ રાષ્ટ્રીય ખેલ મહોત્સવની યજમાની બદલ વહીવટી તંત્રને શુભેચ્છા પાઠવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત મક્કમ રીતે સમગ્ર ભારત માટે આદર્શ રોલ મોડલ તરીકે ઉભરી રહ્યું છે. સાથે જ વડાપ્રધાનનાં ઉમદા પ્રયત્નોને કારણે આ વર્ષે ભારતને મળેલી G20ની યજમાનીની સુવર્ણ તક વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વફલક પર યોજાનાર G20 સમિટનાં ગુજરાતમાં યોજાનારા વિવિધ સત્રો ગુજરાતના ઔદ્યોગિક વિકાસને બળ પૂરું પાડશે અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરશે. સાથે જ ગિફ્ટ સીટીની વાત કરતા તેમણે જણાવ્યું કે, નેશનલ સ્ટોક એક્સચેન્જ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસીસ સેન્ટર અને સિંગાપોર એક્સચેન્જ લિમિટેડ ગિફ્ટ સિટી સહિત સમગ્ર ગુજરાતને એક નવી ઓળખ આપશે.

દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં વિશેષ ફાળો આપતું ગુજરાત પર્યાવરણ સુરક્ષામાં પણ અગ્રેસર પ્રયાસો કરી રહ્યું છે એમ જણાવી મંત્રીશ્રીએ મોઢેરાના આદર્શ નગર દ્વારા થઈ રહેલા ૪૩૦૦ ટન કાર્બન ડાયોક્સાઈડનાં પ્રદુષણ ઘટાડા વિષે અગત્યની માહિતી આપી હતી. સાથે જ કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વના સૌથી વિશાળ ૩૦ ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્ક વિષે અને ટુરીઝમ ક્ષેત્રે થઇ રહેલા ગુજરાતનાં અદ્યતન વિકાસની માહિતી આપી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ અને કરૂણા અભિયાનમાં સેવા આપનાર સેવાભાવી સંસ્થાઓઓનું પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરાયું હતું. મંત્રીશ્રીએ સુરત જિલ્લાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટર આયુષ ઓકને અર્પણ કર્યો હતો. આ ઉપરાંત તમામ મહાનુભાવોએ કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ પણ કર્યુ હતું. તેમજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક હાજર સૌ કોઈએ નિહાળી હતી.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ  ભાવેશભાઇ પટેલ, ચોર્યાસીના ધારાસભ્ય  સંદિપભાઈ દેસાઈ, સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, નિવાસી અધિક કલેક્ટર યોગરાજસિંહ ઝાલા, જોઈન્ટ પોલીસ કમિશનર ડી.સી.પરમાર, અધિક પોલીસ કમિશનર શરદ સિંધલ તથા પી. એલ. મલ, કે. એન. પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એમ.બી. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  દિપક દરજી, તાલુકા વિકાસ અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ, પોલીસ જવાનો, સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ સહિત ક્રિભકો કંપનીની વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button