સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલનો 26 મો પદગ્રહણ સમારંભ યોજાયો
નવા નીમાયેલા પ્રમુખ નીરવ રાણાએ સંસ્થા માટે સતત કાર્ય કરતાં રહેનાર માજી પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો

સુરત : ભારત સરકારના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય દ્વારા સંચાલિત નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ સાથે સંલગ્ન સાઉથ ગુજરાત કાઉન્સિલ – SGPC નો 26 મો પદગ્રહણ સમારંભ યોજાયો હતો. પી પી સવાણી ગ્રુપના મહેશ સવાણી સમારંભના પ્રમુખ તરીકે, VNSGU ના પૂર્વ કુલપતિ પ્રેમ શારદાજી સમારંભના અતિથી વિશેષ તરીકે, સુરતના કામદાર આગેવાન નૈશેધ દેસાઈ તથા ડે. લેબર કમિશનર એમ.સી. કાયા માનદ્ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોએ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા અને SGPC ની સતત ચાલતી રહેલી કામગીરીને બિરદાવી હતી અને નવ નિમણૂક પ્રમુખ નીરવ રાણા અને તેમના પદાધિકારીઓ આશિષ ગુજરાતી ઉપપ્રમુખ તરીકે, દિલીપ ચશ્માવાળા દ્વિતીય ઉપપ્રમુખ તરીકે, સંજય પંજાબી માનદ મંત્રી તરીકે, અને માનદ્ ખજાનચી તરીકે દીપેશ શાકવાળાની ટીમને શુભેચ્છા આપતા, આવતા વર્ષના સંભવિત કાર્યો માટે સહકારની પ્રતિબધ્ધતા દાખવી હતી. ત્યારબાદ સંસ્થામાં ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું સંસ્થા તરફથી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
નવા નીમાયેલા પ્રમુખ નીરવ રાણાએ સંસ્થા માટે સતત કાર્ય કરતાં રહેનાર માજી પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાને આટલી ઊંચાઈએ પહોંચાડવા માટે તેમની કામગીરીને બિરદાવી હતી અને સંસ્થાને વધુ મજબૂત બનાવવાનો અને સતત વધુ નવા કાર્યો કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને સંસ્થાના વડીલો અને સભ્યો પાસે સહકારની અપેક્ષા જાહેર કરી હતી. સાથે જ વિદાય લેતા તત્કાલીન ભૂત પૂર્વ પ્રમુખ મયંક દલાલની સુંદર કામગીરી અને તેમના સતત સહયોગની નોંધ લેતા આભાર વ્યક્ત કર્યો.
ત્યારબાદ સમારંભમાં કાઉન્સિલના ટ્રસ્ટીઓ અને પૂર્વ પ્રમુખો જયવદન બોડાવાળા, શરદ કાપડિયા, મહેન્દ્ર કાજીવાલા, ઉર્મિલાબેન રાણા, આશાબેન દવે, અરવિંદ કાપડિયા, વસંત બચકાનીવાલા, મોહન ઢબુવાલા, નિમિષ પટેલ, હરીશ રાણા, અનીલ સરાવગી, ધનસુખ સોલંકી અને શહેરના નામાંકિત અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવોને હાજર રહેવા બદલ તથા સંસ્થાના સભ્યો અને આમંત્રિતોને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ અને સુંદર રીતે સમારંભનું સંચાલન કરવા બદલ વિજયાબેન મહેશ્વરીનો ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ આભાર માન્યો હતો.