સુરત ખાતે આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં ૨૩૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
આહીર સમાજ સુરતમાં શૈક્ષણિક છાત્રાલયનું નિર્માણ કરવા ઈચ્છતો હોય તો રાજ્ય સરકાર જમીન આપવા માટે તત્પર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
સુરત:શનિવાર: મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહીર સેવા સમાજ સમિતિ દ્વારા આયોજીત ૨૯માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી થઈ ૨૩૮ નવયુગલોને આશીર્વચન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પ્રભુતામાં પગલા પાડનારા નવદંપતિઓ લગ્ન જીવનમાં એકબીજાનો સહારો બની એકબીજાના સુખે સુખી થઈને સધિયારો આપી જીવન ઉજળુ બનાવે તેવી શુભકાનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આહિર સમાજ એક બનીને આગળ વધતો સમાજ છે, જેથી તેમને પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહી. સમાજ સારા ઉદ્દેશ સાથે આગળ વધતો હોય તો સરકાર તેમની સાથે હોવાનુ જણાવીને સરકારની નીતિ અનુસાર આહિર સમાજ સુરતમાં શૈક્ષણિક છાત્રાલયનું નિર્માણ કરવા ઈચ્છતો હોય તો રાજ્ય સરકાર દ્વારા જમીન આપવા માટેની તત્પરતા મુખ્યમંત્રીશ્રી દર્શાવી હતી. સમાજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો લઈને પ્રગતિ કરી રહ્યો છે. કરકસરના પ્રતિકરૂપ સમુહલગ્નોથી એકતાનો ભાવ પ્રગટ થાય છે. લગ્નમાં જોડાનાર પરિવારને આર્થિક બચત થતી હોય છે જે નાણા બાળકોના શિક્ષણ, આરોગ્ય પાછળ ખર્ચ કરી શકતો હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, આહીર સમાજમાં શિક્ષણની ભૂખ ઉઘડી છે. પૈસાના અભાવે કોઈ દીકરીઓના લગ્ન થતા રહી ન જાય તે માટે સમાજના અગ્રણીઓએ વર્ષોથી સમુહલગ્નોત્સવનું આયોજન કરી રહ્યો છે જે બદલ સૌ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા. કોરોનાના કપરા કાળમાં આહિર સમાજના ડોકટરોએ સેવાપરાયણતાના ભાવ સાથે દર્દીઓની કરેલી સેવાને યાદ કરી સૌને શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. સમૂહલગ્નની સાથે સેવાકીય પ્રવૃતિમાં સમારોહ સ્થળે ‘રક્તદાન કેમ્પ, અંગદાન મહાદાન’ જાગૃતિ અભિયાન તેમજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર ૨૩૮ નવયુગલોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા તથા પ્રધાનમંત્રી જીવનજયોતિ યોજના હેઠળ રૂ.૪ લાખના કવચની ભેટ આપવામાં આવી હતી. જેનું સંપુર્ણ પ્રિમિયમ સમાજ દ્વારા ભરવામાં આવશે. રાજય સરકારની સાત ફેરા સમુહલગ્ન અને કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ દરેક દીકરીઓને રૂ.૨૪,૦૦૦ની સહાયનો પણ લાભ મળશે.
આ સમૂહલગ્નોત્સવમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતિ દર્શનાબેન જરદોશ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણમંત્રી મુળુભાઈ બેરા, વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જામનગર સાંસદ પુનમબેન માડમ, મેયર શ્રીમતિ હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્યશ્રીઓ, આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ જીતુભાઈ કાછડ, પ્રદેશમંત્રી રઘુભાઈ હુંબલ, નટુભાઈ ભાટુ, હરિભાઈ નકુમ, મગનભાઈ ઝીંઝાળા, વરજાંગભાઈ ઝીલરિયા સહિત સમાજશ્રેષ્ઠીઓ, આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.