યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસ નિમિતે સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપતું ટ્રાફિક સર્કલ ખુલ્લું મુકાયું
સુરત : દેશભરમાં બુધવારે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરતમાં યુથ નેશન દ્વારા સતત સાતમાં વર્ષે અનોખું આયોજન કરવામાં આવ્યું. આ વખતે યુથ નેશન શહેરવાસીઓને એક એવું ટ્રાફિક સર્કલ અર્પણ કર્યું કે જે અહીં થી પસાર તથા વ્યક્તિને ડ્રગ્સ ના વ્યસનથી દૂર રહેવાનો અને જિંદગીને પ્રેમ કરવાનો સંદેશ આપશે.
આ અંગે યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે યુથ નેશનની સ્થાપના આજની યુવા પેઢીને ડ્રગ્સના વ્યસનથી દૂર રાખવા માટે અને સમાજને નશામુક્ત બનાવવામાં માટે કરવામાં આવી છે. દર વર્ષે સંસ્થા દ્વારા ગણતંત્ર દિવસ પર રોડ શોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ બે વર્ષથી કોરોના મહામારીના કારણે રોડ શો નું આયોજન શક્ય નહીં બનતા અલગ રીતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પાછલા વર્ષે કાર રેલી દ્વારા સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફનો સંદેશ આપ્યો હતો. જ્યારે આ વર્ષે યુથ નેશન દ્વારા અનુવ્રત દ્વારા પાસેના ટ્રાફિક સર્કલ ને અલગ અલગ રંગોથી શણગારવામાં આવ્યું છે અને તેના પર સે નો ટુ ડ્રગ્સ, યસ ટુ લાઈફ ના સંદેશાઓ લખવામાં આવ્યા છે. આ સર્કલ પરથી રોજ 40 થી 50 હજાર વાહનો પસાર થાય છે ત્યારે આ સર્કલ લોકોને ડ્રગ્સના નશાથી દૂર રહેવાનો સંદેશ આપશે અને યુવા પેઢીની નશાની ચંગુલમાંથી દૂર રાખવા મદદગાર બનશે.
ગણતંત્ર દિવસની સાંજે સ્કોડા સ્ટેલારના સહયોગથી સર્કલના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર, પોલીસ કમિશનર, મનપા કમિશનર, સહિતના અધિકારીઓ, શહેરના અગ્રણી સામાજિક કાર્યકર્તાઓ વગેરેની પ્રેરક ઉપસ્થિતિમાં સર્કલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ ઉડાન બેન્ડ દ્વારા અહીં સુંદર એવી પ્રસ્તુતિ આપવામાં આવી હતી.