સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ર૯ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ‘Practical Issues/Changes in Annual Return (GSTR-9) And Reconciliation Statement (GSTR-9C) Under GST’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડો. શૈલેન્દ્ર સકસેનાએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.
સીએ ડો. શૈલેન્દ્ર સકસેનાએ જણાવ્યું હતું કે, વાર્ષિક રૂપિયા ર કરોડનું ટર્નઓવર હોય અથવા એનાથી ઓછું ટર્નઓવર હોય તો એવા કેસમાં GSTR-9 ફાઇલ કરવું ફરજિયાત નથી. પરંતુ જો GSTR-1 અને GSTR-3 ફાઇલ કરતી વખતે કોઇ ભૂલ થઇ ગઇ હોય તો એવા સંજોગોમાં GSTR-9 ફાઇલ કરવું હિતાવહ છે. રૂપિયા પ કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા ડીલર્સે GSTR- 9C ફાઇલ કરવું ફરજિયાત નથી. જો કે, રૂપિયા પ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા ડીલરે પોતાના સેલ્ફ ડેકલેરેશનથી GSTR- 9C ફાઇલ કરવું ફરજિયાત છે.
વર્ષ દરમ્યાન GSTR-1, GSTR- 3B બુકસ ઓફ એકાઉન્ટસનું રિકન્સીલેશન કરી GSTR-9 અને GSTR- 9C ભરવાનું રહેશે. જો આ રિકન્સીલેશન દરમ્યાન જો કોઇ વધારાની જવાબદારી ઉદ્ભવતી હોય તો DRC-03 દ્વારા ચલણ ભરવાનું રહેશે. જો ડીલર GSTR- 9 ફાઇલ નથી કરતા તો તેઓને પ્રતિદિન રૂપિયા ર૦૦ તથા વધુમાં વધુ રૂપિયા ૧૦ હજાર દંડપેટે ભરવાના રહેશે. GSTR- 9C માટે ટર્નઓવરના ૦.પ ટકા અથવા રૂપિયા પ૦ હજાર એ બેમાંથી જે વધુ હોય તે લેટ ફી દંડપેટે ભરવાની રહેશે. GSTR-1, GSTR-3B, GSTR-2A અને GSTR-2B સાથે યોગ્ય ચકાસણી કર્યા બાદ રિટર્ન ફાઇલ કરવું જોઈએ અન્યથા ASMT 10 ની નોટિસ આવે છે.
બુકસ ઓફ એકાઉન્ટ્સ અને ઇલેકટ્રોનિક ક્રેડીટ લેજર અને બુકસની ITC ચકાસવી જોઇએ. ઇલેકટ્રોનિક કેશ લેજર અને ઇલેકટ્રોનિક કેશ પેમેન્ટ ચકાસવું જોઇએ. ૭ર મહિના સુધી ઇલેકટ્રોનિક બેકઅપ રાખવો જોઈએ. વર્ષ દરમિયાન રિફંડ અને રિજેકટેડ રિફંડની નોંધ લેવી જોઇએ. જો જોબવર્ક માટે માલ મોકલ્યો હોય અને જોબવર્કર એક વર્ષ સુધીમાં માલ નથી મોકલતો તો તેવા સંજોગોમાં પુરેપુરી ટેકસની જવાબદારી ઉભી થાય છે. તેવી જ રીતે જો કેપિટલ ગુડ્સ હોય તો એવા સંજોગોમાં ત્રણ વર્ષની વચ્ચે કેપિટલ ગુડ્સનું જોબવર્ક કરી પાછું આવવું જોઇએ. જો આવું નહીં થાયતો તેવા સંજોગોમાં ટેકસની જવાબદારી ઉભી થાય છે.
એજીએફટીસીના પ્રેસિડેન્ટ હિરેન વકીલ, ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના સેક્રેટરી સીએ શ્રીધર શાહ, સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેકસ બાર એસોસીએશનના પ્રેસિડેન્ટ એડવોકેટ પ્રશાંત શાહ, સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચના ચેરમેન વેસ્ટ એડવોકેટ ડો. અવિનાશ પોદ્દાર, લલિત હિરપરા અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીના પ્રેસિડેન્ટ કશ્યપ ગાંધીએ વેબિનાર વિષે પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
ચેમ્બરની જીએસટી કમિટીએ વેબિનાર માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વેબિનારના આયોજનમાં ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેકસ કન્સલ્ટન્ટ્સ, ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ઇન્કમ ટેકસ બાર એસોસીએશન, ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેકસ બાર એસોસીએશન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસીએશન સુરત, સોસાયટી ફોર ટેકસ એનાલિસિસ એન્ડ રિસર્ચ અને વલસાડ ડિસ્ટ્રીકટ જીએસટી પ્રેકટીશનર્સ એસોસીએશન– વાપીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને ઉપ પ્રમુખ રમેશ વઘાસિયાએ ઓપનીંગ રિમાર્કસ આપ્યા હતા. ચેમ્બરના માનદ્ મંત્રી ભાવેશ ટેલર પણ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન સીએ મુકુંદ ચૌહાણે વેબિનારની રૂપરેખા આપી હતી. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના કો–ચેરમેન એડવોકેટ દિપેશ શાકવાલાએ વેબિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું અને એડવોકેટ અનિલ શાહે વકતાનો પરિચય આપ્યો હતો. સીએ તથા એડવોકેટ પ્રોફેશનલ્સના વિવિધ સવાલોના વકતાએ જવાબ આપ્યા હતા અને ત્યારબાદ વેબિનારનું સમાપન થયું હતું.