
સુરતઃશનિવારઃ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ચોકસીની વાડી, ન્યુ રાંદેર રોડ ખાતે રૂ.૫.૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી-સુરત તથા જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી-સુરત માટેના નવા ચેરિટી ભવનનું ગાંધીનગર ખાતેથી કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે વર્ચ્યુલી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જિલ્લા સેવા સદન-૨ ખાતેથી જિલ્લા ક્લેક્ટર આયુષ ઓક તથા સંયુક્ત ચેરિટી કમિશનર આર.ટી.પંડ્યા સહિતના અધિકારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે ઈ-માધ્યમથી સંબોધન કરતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં આધુનિક સુવિધાસભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કાર્યો સરળતાપૂર્વક અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ટેક્નોલોજીના યુગમાં સરકાર ઈ-ગવર્નન્સ તરફ અગ્રેસર થઈ રહી છે. રાજ્યનું ચેરિટીતંત્ર ટેકનોલોજીના વિનિયોગથી ડોક્યુમેન્ટસના ડિજિટલાઈઝેશનની ઝીણવટભરી અને જટિલ કામગીરી પણ સરળતાથી કરી રહ્યું છે. નવી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્ટસને પણ ન્યાય મળી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં મંત્રી કહ્યું કે, રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે આંગળીના ટેરવે ટ્રસ્ટની માહિતી સચોટ રીતે મેળવી શકાશે. રાજ્યમાં આવેલા ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટની મિલકતનો સમાજના હિત માટે ઉપયોગ થાય અને વહીવટદારો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુ સાથે રાજ્યના ચેરિટીતંત્રને વધુ સુદ્રઢ બનાવી શકાય તેવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે સમાજસેવા, આરોગ્ય અને શિક્ષણ સેવામાં અગ્રેસર રહેતા દાતાઓએ પણ સમાજહિતને કેન્દ્રમાં રાખીને સેવા કરવી જોઈએ એમ ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, ચેરિટી કમિશનરની કચેરી હાલ બહુમાળી ભવન ખાતે કાર્યરત છે, ત્યારે વધુ નવું સુવિધાયુક્ત ભવન ચોકસીની વાડી, ન્યુ રાંદેર રોડ, અડાજણ ખાતે સાકાર થશે. સુરત જિલ્લામાં વિવિધ ૬ ડિવિઝનમાં ૧૬,૪૧૦ ટ્રસ્ટ અને ૨,૯૫૦ સોસાયટીઓ મળીને કુલ ૧૯,૩૬૦ ટ્રસ્ટ-સોસાયટીઓ રજિસ્ટર્ડ છે. નિર્માણ પામનાર આ કચેરીમાં, રેકર્ડ રૂમ, કોર્ટ રૂમ, બાર રૂમ, રજિસ્ટ્રાર ઓફિસ, ઈન્સ્પેક્ટર રૂમ, એકાઉન્ટ સ્ટાફ ઓફિસ જેવી કચેરી સુવિધાઓ તેમજ અરજદારો માટે લિફ્ટ, વેઇટીંગ રૂમ, દિવ્યાંગો અલગ વોશરૂમ, ફાયર સુવિધા, સિક્યુરિટી રૂમની વ્યવસ્થા ઉભી થશે.
આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી કાયદામંત્રી સાથે કાયદા સચિવ પી.એમ.રાવલ અને ચેરિટી કમિશનર શુક્લા વર્ચ્યુલી જોડાયા હતા, જ્યારે સુરત કલેક્ટર કચેરીના સભાગૃહમાં ડે.કલેક્ટર વી.જે.ભંડારી, ડે.ચેરિટી કમિશનર જે.કે.ગોંડલીયા, આસિ. ચેરિટી કમિશનરશ્રી વી.બી.જોષી કાર્યપાલક ઈજનેર ઉત્તમભાઈ ચૌધરી સહિત વિવિધ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, વકીલ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.