સુરતના મેન્યુફેકચરર્સની વિવિધ પ્રોડકટ માટે અમેરિકાના દ્વાર ખૂલ્યા, ભારતથી નિર્યાતમાં પણ વધારો થશે
યુએસએના એટલાન્ટા ખાતે ચેમ્બરના ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર’ એકઝીબીશનને મળી ઐતિહાસિક સફળતા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા અમેરિકાના એટલાન્ટા શહેરમાં GAS SOUTH CONVENTION CENTER ખાતે તા. ૯ થી ૧૧ જૂન ર૦રર દરમ્યાન ત્રણ દિવસ માટે યોજાયેલા ‘ગ્લોબલ ટેકસટાઇલ ટ્રેડ ફેર– ર૦રર’ એકઝીબીશનને ઐતિહાસિક સફળતા મળી છે. એકઝીબીશનમાં પ્રથમ દિવસે ૪૩ર, બીજા દિવસે ૪૯૦ અને ત્રીજા દિવસે ૮૫૦ બાયર્સ મળી ત્રણ દિવસ દરમ્યાન કુલ ૧૭૭૨ બાયર્સે એકઝીબીશનની મુલાકાત લીધી હતી. આથી સુરતના મેન્યુફેકચરર્સને યુએસએ ખાતે બાયર્સ તરફથી જબરજસ્ત પ્રતિસાદ સાંપડયો છે. પહેલા બે દિવસ બીટુબીમાં ટેકસટાઇલ મેન્યુફેકચરર્સ પાસેથી બાયર્સ વિવિધ પ્રોડક્ટના સેમ્પલ લઈ ગયા છે. આ સેમ્પલ એપ્રુવ થાય તો ટેકસટાઇલ મેન્યુફેકચરર્સને એક – એક મિલિયન (૧૦ – ૧૦ લાખ) મીટરના ઓર્ડર મળવાની શક્યતા છે.
આ એકઝીબીશનની ફળશ્રૃતિ અમેરિકાના માર્કેટમાં ભારતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી ચાઇનાને રિપ્લેસ કરી દેશે. કારણ કે, માઉથ પબ્લીસિટીને કારણે પણ ફેશન ડિઝાઇનરો અને બુટીક સ્ટોલ ધારકો એકઝીબીશનમાં ત્રીજા દિવસે બીટુસીમાં આવ્યા હોવાથી એકઝીબીટર્સનો પ૦ થી ૬૦ ટકા માલ સ્થળ પર જ વેચાઇ ગયો હતો. એટલું જ નહીં પણ એકઝીબીટર્સને દિવસ દરમ્યાન બેથી ત્રણ વખત સેમ્પલ મંગાવવાનો વારો આવ્યો હતો. એકઝીબીશનમાં ગારમેન્ટ વધારે વેચાયા હતા પણ ફેબ્રિક ડેવલપ કરીને આપવા માટે વધારે ઇન્કવાયરી જનરેટ થઇ હતી.
ચેમ્બરના પ્રમુખે આ એકઝીબીશનની સફળતા માટે ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી પીયુષ ગોયલ તથા કેન્દ્રીય ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશનો ખાસ આભાર વ્યકત કર્યો હતો. આ એકઝીબીશન માટે ભારત સરકારની ટેકસટાઇલ મિનીસ્ટ્રીએ લોગો સપોર્ટ પણ આપ્યો હતો. તેમણે વધુમાં કહયું હતું કે, એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસીએશન અને ડાયરેકટર રિસોર્સ ગૃપને સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની મેન્યુફેકચરીંગ કેપેસિટી જોવા માટે ચેમ્બર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
એકઝીબીશનના ચેરમેન અમિષ શાહે જણાવ્યું હતું કે, એકઝીબીશનમાં બાયર્સ તરફથી શિફોન, લીનન, જ્યોર્જેટ, વેલ્વેટ તથા વિસ્કોસમાં ગ્રે અને આરએફડી માટે જબરજસ્ત ડિમાન્ડ જોવા મળી હતી. આગામી સપ્ટેમ્બર મહિનામાં ન્યુ જર્સી, ન્યુ યોર્કમાં ફરીથી એકઝીબીશન કરી શકાય તે માટે સુરતના ટેકસટાઇલ મેન્યુફેકચરર્સ માટે ઘણી મોટી તક ઉભી થઇ છે.
એકઝીબીશનના કો–ચેરમેન હર્ષલ ભગતે જણાવ્યું હતું કે, એકઝીબીશનને સફળ બનાવવા માટે એટલાન્ટા ખાતેના ભારતીય કોન્સુલ જનરલ સ્વાતિ વી. કુલકર્ણી, ઓકટેવિયા એકસપોઝીયમ એલએલપી, એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસીએશન, તમામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, યુએસએના ફેડરેશન ઓફ ગુજરાતી એસોસીએશન અને ડાયરેકટર રિસોર્સ ગૃપ વિગેરેનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો.
ભવિષ્યમાં ચેમ્બર દ્વારા અમેરિકાના વિવિધ રાજ્યોમાં એક મહિનામાં ત્રણ–ત્રણ દિવસના ચાર એકઝીબીશનોની સિરીઝનું પ્લાનિંગ કરી શકાય તેમ છે. ચેમ્બર દ્વારા ટેકસટાઇલ માટે જ નહીં પણ ડાયમંડ, જ્વેલરી અને આઇટી સેકટર માટે પણ એકઝીબીશન કરી શકાશે.
ઓકટેવિયા એકસપોઝીયમ એલએલપીના સીઇઓ સંદીપ પટેલે જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ મેન્યુફેકચરર્સની પ્રોડકટની કવોલિટી અમેરિકાને ગમી છે. આ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભારતની નિકાસ વધારવા માટે અગત્યની ભૂમિકા ભજવી શકે છે.
હવે ચેમ્બર દ્વારા તા. ૧૬ જૂન, ર૦રર ના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. ૧૯ જૂન, ર૦રર ના રોજ કેલીફોર્નિયા ખાતે બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેકસટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં પણ કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.