બિઝનેસસુરત

પરિવારને જોડી રાખવા માટે સમજદારી, સરળતા, સંવાદ, સન્માન, સંસ્કાર, સમાધાન અને સંબંધ જરૂરી છે : મીનાક્ષી ભટનાગર

ચેમ્બર દ્વારા ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશનમાં ‘રિશ્તા દિલ સે’વિષે સમજણ અપાઇ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે વિવિધ નોલેજ બેઇઝ સેશનને વધુ રસપ્રદ બનાવવાના હેતુથી ફિલ્મો આધારિત ટ્રેઇનીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુરૂવાર, તા. ૧૭ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘રિશ્તા દિલ સે’ વિષય ઉપર ટ્રેઇનીંગ સેશન યોજાયું હતું. જેમાં સુરતના મોટીવેશનલ ટ્રેઇનર મિનાક્ષી ભટનાગરે બધાઇ હો ફિલ્મમાંથી વિષયલક્ષી જરૂરી કન્ટેન્ટ અને પ્રેઝન્ટેશન થકી ઉદ્યોગ સાહસિકોને પરિવારને જોડી રાખવા માટે સમજદારી, સરળતા, સંવાદ, સન્માન, સંસ્કાર, સમાધાન અને સંબંધના મહત્વ વિષે સમજણ આપી હતી.

મિનાક્ષી ભટનાગરે જણાવ્યું હતું કે, પરિવાર માટે જોડી રાખવા માટે સમજદારી અત્યંત જરૂરી છે. પરિવારમાં કયારેક એવી સ્થિતિ ઉભી થાય છે કે કોઇ બાબત પરિવારના કેટલાક સભ્યોને સારી લાગતી હોય છે પણ કેટલાકને તે યોગ્ય લાગતી નહીં હોય. આવા સંજોગોમાં સમય પસાર થઇ ગયા બાદ પરિસ્થિતિ આપમેળે સારી થઇ જાય છે, આથી પરિવારમાં સંબંધોને ટકાવી રાખવા માટે દરેકે સમજદારી દાખવવી જોઇએ.

કોઇ વસ્તુઓને લઇને પરિવારના સભ્યોમાં સરળતા પણ હોવી જોઇએ. જ્યારે સરળતા હોતી નથી ત્યારે ગુંચવણ ઉભી થાય છે અને તેને કારણે પરિસ્થિતિ બગડી જાય છે. પરિસ્થિતિ નહીં બગડે તે માટે હમેશા પરિવારજનોમાં સંવાદ થવો જોઇએ. કયારેક ખોટા સંવાદને કારણે ગેરસમજ પણ ઉભી થઇ જાય છે. કયારેક પરિવારમાં મોભીઓ તથા વડીલોના શબ્દો અન્યોને ખોટા લાગતા હોય છે પણ તેઓની લાગણી સારી અને સમાજને ધ્યાને લઇને યોગ્ય હોય છે.

પરિવારમાં સંબંધોને ટકાવી રાખવા માટે સન્માન પણ મહત્વનો હોય છે. પરિવારમાં નાના સભ્યોએ વડીલોનો સન્માન કરવો જ જોઇએ. પણ તેની સાથે સાથે નાનામાં નાની વ્યકિતને પરિવારમાં સન્માન મળવો જોઇએ અને તેની વાતોને સાંભળવી જોઇએ તથા તેની લાગણીને સમજવી જોઇએ. શબ્દોથી લાગણી વ્યકત કરીને સન્માન આપી શકાય છે. કયારેક વડીલોનું સાંભળીને તથા તેઓની સામે શાંત અને ચૂપ રહીને તેઓનો સન્માન કરી શકાય છે. પરિવારમાં વિવિધ સમસ્યાઓ આવવાની જ છે, પરંતુ બધાએ સાથે મળીને એકત્રિત થઇને એ સમસ્યાનું નિવારણ લાવવાનું હોય છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સેશનમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની સોફટ સ્કીલ્સ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ચિરાગ દેસાઇએ વકતાનો પરિચય આપ્યો હતો. કમિટીના સભ્ય પરિમલ શાહે સેશનનું સંચાલન કર્યું હતું. સેશનમાં વકતાએ વિવિધ સવાલોના જવાબ આપ્યા હતા અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button