યુ.આર.સી. કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
સુરત; દર વર્ષે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ગુણો અને ટેકનોલોજી વિશે સજાગતા કેળવાય તે હેતુથી ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લીધે પ્રથમ વખત આ પ્રદર્શન ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવ્યુ. યુ.આર.સી. કક્ષાના દ્વિતીય ઓનલાઇન પ્રદર્શનમાં રાંદેર-સેન્ટ્રલ ઝોનની યુ.આર.સી.-01માં સમાવિષ્ટ ૪૪ શાળાઓના ૧૧૦ વિદ્યાર્થીઓ અને ૫૫ માર્ગદર્શક શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો.
અલગ-અલગ પાંચ વિભાગમાં ૫૫ વિવિધતાસભર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર આયોજન રામનગર સ્થિત શાળા ક્રમાંક ૧૬૬,૧૬૭ અને ૨૬૩ ખાતે યુ. આર. સી. કો-ઓર્ડીનેટર રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. રાંદેર ઝોનમાં આવેલી સંસ્કાર ભારતી વિદ્યાલયના હીનાબેન ચાંપનેરી, પીપરડીવાલા ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલના આશિષભાઈ જરીવાલા, લોકમાન્ય વિદ્યાલયના રાહુલકુમાર એ. ચૌધરી, એમ.એમ.પી. હાઈસ્કુલના ડો. પરિક્ષીત વશી , શ્રીમતી ડી. આર. રાણા વિદ્યાસંકુલના મંજુબેન પી. પટેલ અને લોર્ડ ક્રિષ્ના હાઈસ્કુલના શ્રી દીપિકાબેન બી. પટેલ દ્વારા આ કૃતિઓમાંથી સર્વશ્રેષ્ઠ કૃતિ પસંદ કરવા માટે નિર્ણાયક તરીકે સેવા આપવામાં આવી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના શાસનાધિકારી વિમલભાઈ દેસાઇ દ્વારા આ ફેરની મુલાકાત લેવામાં આવી તથા ભાગ લીધેલ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા તૈયાર કરેલ કૃતિઓ વીડિયોના માધ્યમથી નિહાળ્યા. સુંદર આયોજન બદલ યુ.આર.સી. કો-ઓર્ડીનેટર રમેશભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા. આયોજક યુ.આર.સી. ૦૧ તરફથી ઉપસ્થિત રહેલ સૌ મિત્રોને સ્મૃતિભેટ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. નિર્ણાયકઓ દ્વારા વર્કિંગ મોડેલ તૈયાર કરાવનાર સૌ માર્ગદર્શક શિક્ષકમિત્રોને સારી કૃતિઓ બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા.
સી. આર. સી કો. ઓર્ડીનેટર અમિતકુમાર ટેલર અને પ્રદીપભાઈ પ્રજાપતિ દ્વારા તમામ આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. શાળા ક્રમાંક 338ના આચાર્ય અંશુમન દેસાઈ દ્વારા તમામ ટેકનિકલ સપોર્ટ આપવામાં આવેલ.