સુરતને બ્રાન્ડ બનાવવા હેતુ ઉદ્યોગકારોએ કાપડનું પેટેન્ટ કરાવવું પડશે અને વેલ્યુ એડીશનમાં જવું પડશે : ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશી
ચેમ્બરના જીએફઆરઆરસી દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’નો શુભારંભ કરાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા ‘ટેક્ષ્ટાઇલ વીક’નું આયોજન કરવામાં આવ્યું છે. સોમવાર, તા. રપ એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ટેક્ષ્ટાઇલ વીકનો ભારતના ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશી (IA & AS) ના હસ્તે ઉદ્ઘાટન કરાવી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ભારતના કાપડ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલ, એડીશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ. પી. વર્મા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ ટેક્ષ્ટાઇલ કમિશનર સમક્ષ કેટલી મહત્વની રજૂઆતો કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સુરત રિજીયનમાં માત્ર એક સીઇટીપીને મંજૂરી મળી છે. આથી ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ (આઇ.પી.ડી.એસ.) હેઠળ વધુ સાત નવા સીઇટીપીને મંજૂરી આપવામાં આવે. કેપીટલ ગુડ્સની આયાત પરની ડયૂટી ઘટાડવામાં આવે. પોલિએસ્ટર યાર્નને લગતા બીઆઇએસ સર્ટિફિકેશન ઓફ કેઆરએમનો પ્રશ્ન ઉકેલવા માટે પણ તેમણે ટેક્ષ્ટાઇલ કમિશનરને અનુરોધ કર્યો હતો.
ટેક્ષ્ટાઇલ કમિશનર રૂપ રાશીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશું. સુરતમાં વડીલોના અનુભવ અને યુવા પેઢીની મહેનતથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી નવી ઉંચાઇ સુધી પહોંચી છે ત્યારે આ બાબત જાળવી રાખવા માટે તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો અનેક કવોલિટીના ખૂબ જ સારા ફેબ્રિકસ બનાવે છે. આથી તેમણે ઉદ્યોગકારોને સુરતની બ્રાન્ડ બનાવવાના હેતુથી કાપડનું પેટેન્ટ કરાવવા અને વેલ્યુ એડીશનમાં જવા માટે હાકલ કરી હતી.
સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ ડિફેન્સીવને બદલે સ્ટ્રેન્થથી આગળ વધવું પડશે. પીએલઆઇ અને મિત્રા સ્કીમ ખૂબ જ સારી સ્કીમો છે તથા તેની મદદથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી બાંગ્લાદેશ અને વિયેતનામથી આગળ વધી શકાય છે. માર્કેટ ઘણું સારુ આવવાનું છે આથી તેમણે બધાને સંપૂર્ણ એનર્જી સાથે આગળ વધવા માટે જણાવ્યું હતું. તેમણે ઉદ્યોગકારોને કવોલિટી સાથે કયારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવા સલાહ આપી હતી. કલસ્ટર સ્કીમમાં સુરતથી ઉદ્યોગકારોનું પાર્ટીસિપેટ ઓછું હોવાથી તેમાં વધારો કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલય દ્વારા જ્યાં સુધી ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી ડેવલપમેન્ટ સ્કીમની ગાઇડ લાઇન જાહેર નહીં થાય ત્યાં સુધી એ–ટફ સ્કીમને ચાલુ રાખવા માટે અને ફંડની ફાળવણી કરવા માટે ભલામણ કરી છે. નવી ટીટીડીએસ સ્કીમમાં રપ થી ૩૦ ટકા સબસિડી આપવા માટે પણ તેમના તરફથી નાણાં મંત્રાલયને ભલામણ કરવામાં આવી છે. સુરત રિજીયનમાં વધુ સાત સીઇટીપીને મંજૂરી આપવા માટેની ચેમ્બરની રજૂઆતને તેમના વિભાગ તરફથી આગળ મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે જ પોલિએસ્ટર યાર્નને લગતા બીઆઇએસ સર્ટિફિકેશન ઓફ કેઆરએમનો પ્રશ્ન ઉકેલવા માટે ચેમ્બરની પાસેથી વિગતો માગી હતી.
ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલે જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોએ પીએલઆઇ અને મિત્રા સ્કીમનો લાભ લઇને બાંગ્લાદેશ અને વિયેતનામે જે માર્કેટ ગ્રેપ કર્યુ છે તેને ગ્રેપ કરવું પડશે. ભારતનું માર્કેટ એકસપોર્ટ માટે કઇ રીતે એકસ્પાન્ડ કરીએ તેના ઉપર ધ્યાન આપવું પડશે.
એડીશનલ ટેક્ષ્ટાઇલ કમિશનર એસ. પી. વર્માએ ‘ઇનોવેશન ઇન મેન્યુફેકચરીંગ ઓફ ટેક્ષ્ટાઇલ્સ’ વિશે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નાનો ઉદ્યોગકાર પણ ઇનોવેશન કરી શકે છે. આથી ઉપલબ્ધ મટિરિયલ અને મશીનરીની સાથે ઇનોવેશન કરવું પડશે. સ્પેશ્યલ ફાયબર અને ફેબ્રિકસ સિલેકટ કરીને પ્રોડકશનમાં આગળ વધવું પડશે. પ્રોડકટમાં રિસાયકલીંગ આવશે ત્યારે જ કોસ્ટ કટીંગને બદલે કોસ્ટ સેવીંગ કરી શકાશે. વૈશ્વિક માર્કેટમાં સ્પોટર્સ વેર અને મેડીકલ ટેક્ષ્ટાઇલની સારી માંગ હોવાથી તે દિશામાં આગળ વધવા માટે તેમણે ઉદ્યોગકારોને હાકલ કરી હતી.
ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ભરત ગાંધીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના જીએફઆરઆરસીના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ ટેક્ષ્ટાઇલ વીક સંદર્ભે માહિતી આપી હતી. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ્લ શાહે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર કાજીવાલાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અંતે ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.