ત્રણ દિવસ ઘરે ઘર રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે ચેમ્બર તેના ૫૦ હજારથી વધુ સભ્યોને ધ્વજ આપશે
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૧૩૦ થી વધુ એસોસીએશનો – સંસ્થાઓને સાંકળીને ઉદ્યોગ, ધંધા, રોજગાર, માર્કેટથી લઇને સી.એ. સંગઠનો સાથે મળી દરેક સુધી રાષ્ટ્રધ્વજ પહોચાડવા યોજના ઘડાશે : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા
સુરત. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. જેના ભાગરૂપે શુક્રવાર, તા. ૨૯ જુલાઈ, ૨૦૨૨ ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નેજા હેઠળ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ આશીષ ગુજરાતી, માનદ્દ મંત્રી ભાવેશ ટેલર, માનદ્દ ખજાનચી ભાવેશ ગઢીયા, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ પ્રફુલ શાહ, રાજેન્દ્ર ચોખાવાળા, નિલેશ માંડલેવાલા, પી. એમ. શાહ, શરદ કાપડીયા, રૂપીન પચ્ચીગર, પ્રેમકુમાર શારદા તથા ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, સાઉથ ગુજરાત પ્રોસેસિંગ એસોસીએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારિયા, ફોસ્ટાના ચેરમેન ચંપાલાલ બોથરા, લસકાણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હરિભાઈ કથીરિયા, સચિન જીઆઈડીસીના મયુર ગોલવાળા, વેડરોડ વિવર એસોસિયેશનના ઉપ પ્રમુખ ભુપેન્દ્ર ચાહવાલા, સીટાના દિપક શેઠવાલા અને બશીર મન્સૂરી, વાંસદાના ધર્મેન્દ્રસિંહ સોલંકી, ગીરધરગોપાલ મુન્દ્રા, વિજય મેવાવાલા, હાર્દિક શાહ, બી. એસ. અગ્રવાલ, જનક પચ્ચીગર, આશા દવે, ડો. અનીલ સરાવગી, પ્રવિણ દોન્ગા, કેતન જરીવાલા, નિખિલ મદ્રાસી, નીરજ મોદી, ધર્મેશ વાણીયાવાલા, નેરો ફેબ્રિક એસોસીએશનના મનોજ સિંગાપુરી, બારડોલીના કમલેશ લાલાણી, વાપીના સુધીર સાવલીયા, સુરત ટેક્સટાઇલ ક્લબના કૃષ્ણકાંત ખરવર, સ્કૉબાના ડો. જયનાબેન ભક્તા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિયેશનના સીએ નિકેત સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ ઔદ્યોગિક સંગઠનોના હોદ્દેદારો જોડાયા હતા.
સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્રમાં ‘‘હર ઘર તિરંગા ‘‘કાર્યક્રમનું આયોજન તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવનાર છે. લોકોમાં તિરંગા પ્રત્યે આદરભાવ વધારવા તેમજ રાષ્ટ્રભક્તિની એક નવી મિશાલ ઉભી કરવા દરેક ઘર ઉપર તિરંગો લહેરાય તે જરૂરી છે. આથી તેમણે વેપારીઓ તથા ઉદ્યોગકારોને સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો.
ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ‘હર ઘર તિરંગા’કાર્યક્રમ હેઠળ ત્રણ દિવસ ઘરે ઘર રાષ્ટ્રધ્વજ લહેરાય તે હેતુથી ચેમ્બર દ્વારા તેના ૫૦ હજારથી વધુ સભ્યોને ધ્વજ આપવામાં આવશે. સુરત સહીત દક્ષિણ ગુજરાતનાં ઔદ્યોગિક એસોસિયેશનો સાથે સંપર્ક સાધી તેઓને પણ આ ઉજવણીમાં સામેલ કરવામાં આવશે તથા તેઓની જરૂરિયાત પ્રમાણે તેઓને પણ ધ્વજ આપવાની વ્યવસ્થા ચેમ્બર તરફથી કરવામાં આવશે. તેમણે ઉદ્યોગકારોને ફેક્ટરી, પોતાના ઘરે તેમજ કારીગરોના ઘરે તેમજ વેપારીઓને તેઓના ઘરે તથા દુકાને તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
શહેરની જીઆઇડીસીઓમાં આવેલા દરેક કારખાનાઓ, મિલો, યુનિટો, માર્કેટો, ઓફિસોથી લઇને ટેક્સટાઈલ વિસ્તારમાં આવેલી ઇમારતો પર તિરંગો લહેરાય તે માટે ઔદ્યોગિક એસોસિયેશનોના આગેવાનોએ આગોતરું આયોજન કરીને તમામ લોકો હર ઘર તિરંગાની યોજનામાં આન, બાન અને શાનથી જોડાય તે માટે નૈતિક જવાબદારી લીધી હતી.