બિલ્ડરે કોમર્શિયલ પ્રોજેક્ટ માટે ખાડો ખોદતા અવૈયા પરિવાર નું મકાન ત્રણ ઇંચ નમી ગયું
જીવના જોખમે નમી ગયેલા મકાનમાં વસવાટ કરવા મજબૂર અવૈયા પરિવાર
વરાછા એલ.એચ. રોડ પર બિલ્ડરે કોમર્શિયલ પ્રોજેક્ટનું બાંધકામ કરવા માટે ખાડો ખોદતા બાજુનું મકાન ત્રણ ઇંચ નમી ગયું છે. બિલ્ડરે આસપાસના મકાનોની સેફટી માટે યોગ્ય કાર્યવાહી કર્યા વગર ખાડો ખોદી દેતા ત્રણ પરિવાર જીવના જોખમે નમી ગયેલા મકાન માં વસવાટ કરવા માટે મજબૂર છે. અવૈયા પરિવારે મહાનગરપાલિકામાં અનેકવાર ફરિયાદ કરી છતાં તક્ષશિલા કાંડ જેવા અકસ્માતની રાહ જોતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. પીડિત પરિવારે નમી ગયેલા મકાનનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવી બિલ્ડર અને દોષિત અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે
વરાછામાં એલ.એચ. રોડ પર વસંત ભીખાની વાડીની સામે સર્વે નં. ૨૩, ટી.પી. સ્કીમ નં. ૪. ફાઇનલ પ્લોટ નં. ૧૫૪થી નોંધાયેલી સૌરાષ્ટ્ર હાઉસિંગ કોલોની સોસાયટીમાં આવેલા મકાન નં. આર-૨ માં પરસોત્તમ કાનજી અવૈયા પોતાના ત્રણ પુત્રો સુરેશ, જગદીશ અને પ્રવીણ સાથે સંયુક્ત કુટુંબમાં ૪૫ વર્ષથી વસવાટ કરે છે. ગાઉન્ડ ફ્લોર પ્લસ બે માળના મકાનમાં અવૈયા પરિવારના ૧૪ સભ્યો રહે છે. વરાછા એ.કે. રોડ પર વિષ્ણુનગર સોસાયટીમાં રહેતા ગિરીશ ભનુ મોવલિયા અને વરાછા એ.કે. રોડ પર રામનગરમાં રહેતા અશોક મોહન ભંડેરીએ પરસોત્તમના મકાનની બાજુમાં “સાનિધ્ધ કોર્પોરેશન નામે કોમર્શિયલ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ કર્યુ હતું.
બાંધકામ કરવા માટે 45 ફૂટનો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરસોત્તમે જણાવ્યું હતું કે મકાનની બાજુમાં યોગ્ય જગ્યા છોડ્યા વગર દીવાલ અને મકાનના કોલમની અડોઅડ ખાડો ખોદવામાં આવતા મકાન અંદાજિત ત્રણ ઇંચ નમી ગયું છે. મકાનમાં અનેક જગ્યાએ દીવાલમાં તિરાડ પડી ગઇ છે. પરસોત્તમભાઇના પરિજનો ગભરાઇ ગયા છે. મકાન ગમેત્યારે પડી જવાની સંભાવના છે.
પરસોત્તમભાઇએ સમગ્ર પ્રકરણમાં વરાછા ઝોનમાં ફરિયાદ કરી હતી, પરંતુ વરાછા ઝોનના અધિકારીઓ બીજ તળાશિલાકાંડ થવાની રાહ જોતા હોય તેમ કોઇ કાર્યવાહી કરી નથી. મકાન ગમે ત્યારે પડી જાય તેવી સંભાવના છે મકાન માં વસવાટ કરતા અવૈયા પરિવારના 14 સભ્યો પર જીવનો જોખમ તોળાઈ રહ્યું છે પરિવારની મહિલાઓએ જણાવ્યું કે અમે આખો દિવસ મકાનની બહાર બેસી રહીએ છે કારણ કે મકાન ગમે ત્યારે તૂટી પડે તેવો અમને સતત ડર લાગી રહ્યો છે.
અવૈયા પરિવારે મકાનનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરવાની માંગણી કરી છે રિપોર્ટ નેગેટિવ આવે તો બિલ્ડર અને આર્કિટેક વિરુદ્ધ એફઆઇઆર નોંધી સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા કરવાની માંગણી કરી છે દોષિત અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કડક પગલાં ભરવાની માંગણી કરી છે.