બિઝનેસસુરત

સુરતના યુવા ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે જોડવા પડશે : ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ

ચેમ્બર ઓફ કોમર્સ અને સીએમએઆઇના સંયુકત ઉપક્રમે ‘ગારમેન્ટ કોન્કલેવ’યોજાઇ

સુરત . ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ધી કલોધીંગ મેન્યુફેકચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ૧૧ ફેબ્રુઆરી, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજે પઃ૦૦ કલાક સુધી સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘ગારમેન્ટ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત રહેલા ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ગારમેન્ટ કોન્કલેવનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમણે સીએમએઆઇની ગુજરાત રિજિયોનલ ઓફિસનું પણ ઉદ્‌ઘાટન કર્યું હતું.

ગારમેન્ટ કોન્કલેવમાં આંતર રાષ્ટ્રીય કક્ષાના ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રા, વઝીર એડવાઇઝર્સના મેનેજિંગ ડિરેકટર પ્રશાંત અગ્રવાલ, સોચ (એમડી રિટેઇલ ઇન્ડિયા પ્રા. લિ.)ના ચીફ એકઝીકયુટીવ ઓફિસર એન્ડ મેનેજિંગ ડિરેકટર મનોહર છટલાની, સીએમએઆઇ મુંબઇના માનદ્‌ જનરલ સેક્રેટરી અને પેપરમીન્ટના ચીફ એકઝીકયુટીવ ઓફિસર એન્ડ મેનેજિંગ ડિરેકટર સંતોષ કટારીયા, રાજેશ ભેડા કન્સલ્ટીંગના મેનેજિંગ ડિરેકટર ડો. રાજેશ ભેડા અને સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ સુરતના ઉદ્યોગકારોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ હેતુ તમામ પ્રકારના પાસાઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં ટેક્ષ્ટાઇલ મટિરિયલ્સનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે પણ તેની સાથે સાથે ગારમેન્ટ્‌સનું વિશ્વનું અગ્રણી આયાતકાર પણ છે. વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ભારતમાં વસ્ત્રોની આયાત પ૩ ટકા વધીને ૧.ર બિલિયન ડોલર થઈ છે. જેમાં ૪૦ ટકાથી વધુ તૈયાર કપડાની આયાત બાંગ્લાદેશમાંથી થઇ હતી અને અન્ય ર૦ ટકા ચીનમાંથી થઇ હતી. યુરોપિયન યુનિયન ગારમેન્ટસનું સૌથી મોટું આયાતકાર છે અને ત્યારબાદ યુએસએ, જાપાન અને યુકે આવે છે, આથી ગારમેન્ટના એક્ષ્પોર્ટ માટે વિશાળ તકો રહેલી છે.

ગારમેન્ટીંગ અને ફેશન એક પડકારજનક ઉદ્યોગ છે, પરંતુ એ દેશની આર્થિક પ્રગતિ માટે મહત્તમ પ્રદાન કરે છે. ગારમેન્ટીંગ ઉદ્યોગ સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગોમાંનો એક છે. આ ઉદ્યોગ મહિલા સશકિતકરણ માટે મોટું પ્રદાન કરે છે. સુરતે લેડીઝ ગારમેન્ટ પર ભાર મુકયો છે અને સાડીના ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વનનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. સુરતમાં મેન મેઇડ ફેબ્રિકની સમગ્ર વેલ્યુ ચેઇન ડેવલપ થઇ ત્યારે ઉણપ માત્ર ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીની છે અને તેને સુરતના ઉદ્યોગ સાહસિકોએ પુરવાની છે.

સીએમએઆઇના પ્રમુખ રાજેશ મસંદે જણાવ્યું હતું કે, સીએમએઆઇ વર્ષોથી નેશનલ ગારમેન્ટ શો કરે છે. ભારતની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે તેઓ હવે નવેમ્બર– ર૦ર૩ માં દુબઇ ખાતે એકઝીબીશન કરવા જઇ રહયાં છે, જેમાં ૧પ૦ થી વધુ એકઝીબીટર્સ ભાગ લેશે. તેમણે કહયું કે, સુરતમાં સીએમએઆઇની બ્રાંચ શરૂ કરવામાં આવી છે જેથી કરીને સુરતના ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહેશે. સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ સારું છે અને એમાં સીએમએઆઇ દરેક સ્તરે ઉદ્યોગ સાહસિકોને સહયોગ કરશે.

ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઘણો સ્કોપ છે. ગારમેન્ટ બનાવવા માટેનું રો મટિરિયલ સુરતમાં જ બને છે, આથી ગારમેન્ટ બનાવવા માટેનો ઉત્પાદન ખર્ચ ઘટી જશે. સુરતના યુવા ઉદ્યોગ સાહસિકોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે જોડવા પડશે. સુરતમાં એમએસએમઇ ઉદ્યોગો સૌથી વધુ રોજગારી આપે છે. આથી સરકાર પીએલઆઇ ર સ્કીમ માટે પણ વિચારી રહી છે. ગારમેન્ટીંગ માટે સૌથી વધારે ડિઝાઇનરોની જરૂર પડે છે ત્યારે ફેશન ડિઝાઇનીંગ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને સરકારની મંજૂરી સાથેનું સર્ટિફિકેટ મળે તે દિશામાં ઇન્ડસ્ટ્રીએ પ્રયાસ કરવાનો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા રાજસ્થાન, મુંબઇ, અમદાવાદ અને કચ્છમાં કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને એમાં વિદેશીઓ ભારતના સાંસ્કૃતિક કપડાંઓને પસંદ કરી રહયાં છે, ત્યારે અત્યાધુનિક ટેકનોલોજીને અપનાવવાની સાથે ઇન્ડસ્ટ્રીએ હેન્ડલુમ અને હેન્ડીક્રાફટને પણ આગળ લઇ જવાનું છે. ભારતના સાઉથ અને નોર્થ ભાગમાં હેન્ડીક્રાફટ બનાવનારા વડીલોની સંખ્યા ઘટી રહી છે. વડીલોની આ કલા અન્યોને શીખવવા માટે ઇન્ડસ્ટ્રીએ પ્રયાસ કરવો જોઇએ, જેથી કરીને આ કલા લૂપ્ત નહીં થાય. ભારતની જૂની સંસ્કૃતિની સાથે નવા ટેલેન્ટને જોડવાનો પ્રયાસ કરવાનો છે.

સીએમએઆઇ ગુજરાતના રિજિયોનલ ચેરમેન તેમજ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અજોય ભટ્ટાચાર્યએ કાર્યક્રમની રૂપરેખા આપી સુરતના ઉદ્યોગકારોને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને સ્થાપવા માટે અનુરોધ કર્યો હતો. એના માટે તમામ પ્રકારનો સહયોગ ચેમ્બર તથા સીએમએઆઇ તરફથી ઉદ્યોગ સાહસિકોને મળી રહેશે તથા સમયાંતરે ગારમેન્ટ સંબંધિત વિવિધ સેમિનારો અને વર્કશોપ થકી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોને જે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામની જરૂરિયાત છે એને પૂર્ણ કરવા સીએમએઆઇ દ્વારા સીએસઆર એકટીવિટી કરાશે. તદુપરાંત ર૦થી ૩પ જણાનું ગૃપ બનાવી તેઓના સહયોગથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી સ્થપાય અને સકસેસ સ્ટોરી ઉભી થાય તે દિશામાં પ્રયાસ કરાશે. તેમણે કહયું કે, આગામી ત્રણ વર્ષમાં સુરતમાં ઓછામાં ઓછા એકથી દોઢ લાખ સ્ટીચીંગ મશીન આવવાના છે.

ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રાએ જણાવ્યું હતું કે, ફેશન ડિઝાઇનીંગમાં કમ્ફર્ટનેસ આવશે તો બે – ચાર વર્ષ બાદ તેઓને તકલીફ પડશે. જેથી કરીને ફેશન ડિઝાઇનરોએ નવી ડિઝાઇન માટે સતત સંશોધન કરવું પડે છે. યુનિક ડિઝાઇન એ ગારમેન્ટમાં વેલ્યુ એડીશન કરે છે. જેથી ફેશન ડિઝાઇનરો માટે પણ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વિપુલ તકો છે. સ્થાનિક ઇન્ડસ્ટ્રીએ પણ સ્થાનિક ફેશન ડિઝાઇનરોના ટેલેન્ટને ઓળખવું પડશે. ઇન્ડસ્ટ્રી અને ફેશન ડિઝાઇનરો બંને સાથે મળીને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને આગળ લઇ જઇ શકે છે.

પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૦ થી ર૦ર૧ માં ચાઇનાનું ગારમેન્ટ એક્ષ્પોર્ટ ૧૪૪ બિલિયન ડોલરથી વધીને ૧૭પ બિલિયન ડોલર થયું હતું. બાંગ્લાદેશનું ૧૭ બિલિયન ડોલરથી ૪૦ બિલિયન ડોલર અને વિયેતનામનું ૧૧ બિલિયન ડોલરથી ર૯ બિલિયન ડોલર થયું હતું. આખા વિશ્વભરમાં ૩૩૩ બિલિયન ડોલરથી વધીને ૪૮૭ બિલિયન ડોલરનું ગારમેન્ટનું એક્ષ્પોર્ટ નોંધાયું છે. તેમણે કહયું કે ઉદ્યોગ સાહસિકો યોગ્ય ટેકનોલોજી, યોગ્ય સોફટવેર, યોગ્ય લાઇટીંગ અને ફિઝીકલ લેઆઉટની સાથે ર૦૦ થી રપ૦ મશીનો સાથે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી સ્થાપી શકે છે.

મનોહર છટલાનીએ જણાવ્યું હતું કે, લેડીઝ અને કીડ્‌ઝ ગારમેન્ટથી ટ્રેડીંગ બિઝનેસની શરૂઆત કરી હતી. ગારમેન્ટમાં કવોલિટી અને ફિનીશીંગ સારા હોવા જોઇએ. જયપુરમાં રપ૦થી ૩૦૦ મશીનો સાથેની ૧૦૦ જેટલી ગારમેન્ટ ફેકટરીઓ શરૂ થઇ ગઇ છે. જો જયપુર કરી શકતું હોય તો સુરત કેમ નહીં? સુરતમાં રો મટિરિયલ ઉપલબ્ધ છે ત્યારે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે સૌથી વધુ સ્કોપ છે.

સંતોષ કટારીયાએ જણાવ્યું હતું કે, ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ અને બ્રાન્ડ ઉભી કરવા માટે સખત મહેનત કરવી પડશે. સિન્થેટિક કપડાંથી જ ફેશન બને છે. હાલનો જમાનો ફોરવર્ડ ઇન્ટીગ્રેશનનો છે, આથી સુરતના ઉદ્યોગ સાહસિકોએ ફેબ્રિકના ઉત્પાદન બાદ હવે ગારમેન્ટીંગ અને ત્યારબાદ રિટેલીંગમાં જવું જોઇએ. સુરતમાં જગ્યા, લેબર છે અને રૂપિયા બધું જ છે ત્યારે ઉદ્યોગ સાહસિકોમાં એટીટયુડની જરૂર છે.

રાજેશ ભેડાએ જણાવ્યું હતું કે, સુરતના યુવા ઉદ્યોગ સાહસિકો ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવી શકે છે અને દસ વર્ષમાં ઇન્ડસ્ટ્રીને એક લેવલ પર લઇ જઇ શકશે. તેમણે ઇન્ડસ્ટ્રીની મુશ્કેલીઓ અને સ્માર્ટ મેન્યુફેકચરીંગ માટે માહિતી આપી હતી. ગારમેન્ટ ઉત્પાદકો ચાર કલાકમાં વર્ચ્યુઅલ તેમજ ફિઝીકલ સેમ્પલ બનાવીને મોકલી રહયાં છે. સોફટવેર ઓટોમેશનની મદદથી માનવીના સ્પર્શ વગર ટી શર્ટ બની રહયાં છે. અમેરિકા અને યુરોપ આ દિશામાં આગળ વધી રહયાં છે. આપણે પણ ગારમેન્ટમાં સ્માર્ટ મેન્યુફેકચરીંગ માટે વિચારવું પડશે.

રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, સુરતમાં ઘણા સફળ વ્યવસાયિકો છે તેમ છતાં તેઓ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નથી. ગારમેન્ટ બનાવવા માટે રો મટિરિયલની સપ્લાય ચેઇન ખૂબ જ મહત્વની છે, જે સુરતમાં પહેલાંથી જ ઉપલબ્ધ છે. સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે સાનુકુળ વાતાવરણ છે. આથી ગારમેન્ટમાં બ્રાન્ડ બનાવવા માટે કેટલીક બાબતોનો અભ્યાસ, મહેનત અને પ્લાનિંગ કરવી પડશે. ઉદ્યોગકારોએ હવે કોસ્ટ કટીંગને બદલે પ્રોડકટીવિટી વધારવા માટે વિચારવું પડશે.

ગારમેન્ટ કોન્કલેવમાં નિષ્ણાંતોના પ્રેઝન્ટેશન બાદ પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેમાં પેનલિસ્ટો તરીકે મનોહર છટલાની, સંતોષ કટારીયા અને સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ ભાગ લીધો હતો. પેનલિસ્ટોએ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને લઇને ઉદ્યોગ સાહસિકોને મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી ભાવેશ ટેલરે ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમગ્ર કોન્કલેવમાં મોડરેટર તરીકે ભૂમિકા ભજવી હતી. જ્યારે ચેમ્બરની ગારમેન્ટ કમિટીના ચેરમેન દિપક શેટા તથા મનોજ ગૌતમે વકતાનો પરિચય આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button