નેશનલસુરત

સુરતની મહેનતકશ ધરતીનું પાણી અસરદાર છે : ઉપરાષ્ટ્રપતિ

રાજસ્થાન-હરિયાણા સમાજ-સુરત દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનો અભિવાદન સહ દિપાવલી સ્નેહમિલન સમારોહ યોજાયો -

સુરત:ગુરૂવાર: રાજસ્થાન-હરિયાણા સમાજ-સુરત દ્વારા સુરતના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી જગદિપ ધનખડનો અભિવાદન સહ દિપાવલી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. લોકસભા સ્પીકરશ્રી ઓમ બિરલા, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

  આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, સુરતની મહેનતકશ ધરતીનું પાણી અસરદાર છે. સુરતના પાણીદાર લોકોનું દિલ ખૂબ મોટું છે. એટલે જ દેશના સર્વ રાજ્યોના કર્મયોગીઓને આત્મીયતાથી આવકાર્યા છે અને સામૂહિક શક્તિના જોરે આર્થિક મોરચે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.

ઉપરાષ્ટ્રપતિશ્રીએ સુરતમાં વસતા રાજસ્થાન હરિયાણાના સમાજ બંધુઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી વ્યાવસાયિક કુશળતા અને વ્યવહારિક નમ્રતાથી સૌને એક અને નેક બની આગળ વધવા અને દેશના વિકાસમાં વધુમાં વધુ યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

 વધુમાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. ૨૦ કરોડ  ઉજ્જ્વલા ગેસ કનેક્શન, કોરોના કાળમાં ૯૦ કરોડ લોકોને નિઃશુલ્ક અનાજ-ભોજન, સ્વદેશી વેક્સીન સહિતની સેંકડો જનહિતની યોજનાઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે. વડાપ્રધાનશ્રીએ આદિવાસી મહિલા શ્રીમતી દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ અને મારા જેવા ખેડૂતપુત્રને ઉપરાષ્ટ્રપતિ જેવા સર્વોચ્ચ પદની જવાબદારી આપીને સામાન્ય નાગરિક પણ દેશની ધૂરા સાંભળવામાં સક્ષમ છે એવું પ્રતિત કરાવ્યું છે તેમજ સામાન્ય ભારતીયોને ભારતીયતા અને રાષ્ટ્રીયતાનું ગૌરવ અપાવ્યું હોવાનું ઉમેર્યું હતું.  ઉપરાષ્ટ્રપતિએ ઉપસ્થિત સૌને આગામી દિવાળી પર્વ તેમજ આજના કરવા ચોથની શુભેચ્છાઓ પાઠવી હતી.

 પોતાની કર્મઠતા, શ્રેષ્ઠતા થકી રાજસ્થાન હરિયાણાના ઉદ્યોગકારોએ સુરતને આર્થિક શક્તિનું કેન્દ્ર બનાવ્યું છે: લોકસભાના સ્પીકર ઓમ બિરલા

 લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે, પોતાની કર્મઠતા, શ્રેષ્ઠતા થકી રાજસ્થાન હરિયાણાના ઉદ્યોગકારોએ સુરતને આર્થિક શક્તિનું કેન્દ્ર બનાવ્યું છે. સાથોસાથ સુરત અને ગુજરાતે દેશના તમામ પ્રાંતોથી રોજગાર અર્થે આવેલા દેશવાસીઓને દિલથી અપનાવ્યા છે.

આઝાદીના અમૃત્તકાળમાં વડાપ્રધાનએ ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત બનાવવા દેશવાસીઓને સહયોગ આપવા અને સંકલ્પબદ્ધ થવાની હાંકલ કરી છે. ભારતના નવયુવાનો પોતાની ક્ષમતા અને પ્રતિભાથી દેશ દુનિયામાં ભારતનું ગૌરવ અને સન્માન વધાર્યું છે એમ જણાવતાં શ્રી બિરલાએ યુવાધનને દેશને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનના વાહક બનવા આહવાન કર્યું હતું.

ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સુરત ખરા અર્થમાં મિની ભારત છે. સુરતની સામૂહિકતાની શકિત અને એકતાની શ્રેષ્ઠ કાર્ય સંસ્કૃતિએ સમગ્ર દેશ માટે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. ભારતની ભુમિ અનેક ધર્મો, ભાષાઓ અને વૈવિધ્યની ભૂમિ છે, ત્યારે આ જ વિવિધતા આપણી સાચી તાકાત છે. એકતાની તાકાત સાથે ગમે તેવા પડકારોનો સામનો કરી શકીએ છીએ. વિશ્વના દેશોમાં ભારત બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું હોવાનુ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતની શસ્ય શ્યામલા ધરતીએ દેશને આઝાદીના લડવૈયાઓ અને રાષ્ટ્રની ઉન્નતિના ઘડવૈયાઓ આપ્યા છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિ જમીન સાથે જોડાયેલા નિર્મળ વ્યક્તિત્વના ધની છે. તેમની કાર્યક્ષમતા અને દક્ષતાનો લાભ દેશવાસીઓને મળી રહ્યો છે.

ગુજરાતની શસ્ય શ્યામલા ધરતીએ દેશને ગાંધીજી અને સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયાઓ અને દેશને ઉન્નતિના પથ પર અગ્રેસર કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ જેવા ઘડવૈયાઓ આપ્યા છે એમ જણાવતાં રાજ્યપાલએ ઉમેર્યું કે, જન્મભૂમિથી દૂર રહી સુરતને કર્મભૂમિ બનાવી રાજસ્થાન હરિયાણાના ઉદ્યમીઓએ સુરતને વધુ ખૂબસૂરત બનાવ્યું છે.

ધારાસભ્ય અને રાજસ્થાન ભાજપા પ્રદેશ અધ્યક્ષ સતિશ પૂનિયાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, રાજસ્થાન હરિયાણાના પરિશ્રમી વ્યવસાયીઓ ગુજરાતના આર્થિક વૈભવ અને વિકાસની ઈમારત ચણવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. ભારત દુનિયાની પાંચમી ઈકોનોમી બની છે. ત્રણ કરોડ લોકોને આવાસીય છત મળી હોવાનું જણાવી ભારત બદલાઈ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

પ્રારંભે અગ્રણી કિશોર બિંદલે સ્વાગત પ્રવચન કરી મહાનુભાવોને આવકાર્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત રાજસ્થાન-હરિયાણા સમાજના કેસરી સાફા પહેરેલા લોકોના કારણે સમગ્ર ઈન્ડોર સ્ટેડિયમ કેસરિયા રંગે રંગાયું હતું. અગ્રણીઓએ ઉપરાષ્ટ્રપતિને રાજસ્થાનની ઓળખ સમાન ભાતીગળ કેસરી સાફો પહેરાવી, સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ), પાલી સાંસદ પી.પી.ચૌધરી, સિરોહી-ઝાલોર સાંસદ દેવજીભાઈ પટેલ, ચિત્તોડગઢ સાંસદ સી.પી.જોશી, અગ્રણી ઓટારામ દેવાસી, રાનીવાડા ધારાસભ્ય નારાયણસિંહ દેવલ, આહોર ધારાસભ્ય છગનસિંહ રાજપુરોહિત, અગ્રણી  સંજય સરાવગી, દિનેશ રાજપુરોહિત, ધારાસભ્યો, રાજસ્થાન-હરિયાણા સમાજ-સુરતના અગ્રણી હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button