બિઝનેસસુરત

સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નો શુભારંભ

સ્ટાર્ટ–અપ માટે ઇનોવેશન કી વર્ડ છે અને સ્ટાર્ટ–અપ રિવોલ્યુશન એ ટેકનોલોજી તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગર સંભવ નથી : ગુજરાતના ટેકનિકલ એજ્યુકેશનના કમિશ્નર બંછાનિધિ પાની

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭, ર૮ અને ર૯ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

શુક્રવાર, તા. ર૭ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે પ્લેટિનમ હોલમાં ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ તેમજ ઉદ્યોગ મંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહયા હતા અને તેમના હસ્તે આ સમિટનું ઉદ્‌ઘાટન થયું હતું. ઉદ્‌ઘાટન સમારોહમાં ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત ટેકનિકલ એજ્યુકેશનના કમિશ્નર બંછાનિધિ પાની (આઇ.એ.એસ.) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત ગુજરાત નોલેજ સોસાયટીના એડિશનલ સીઇઓ પ્રોફેસર તુષાર રાવલ અને ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડના સીઇઓ કમલ બંસલ પણ સમારોહમાં હાજર રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરાયો છે. આ સમિટમાં પ૦ જેટલા સ્ટાર્ટ–અપે ભાગ લીધો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ સમિટમાં આ તમામ સ્ટાર્ટ–અપે પોતાના આઇડિયાને એકઝીબીટ કર્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સે આ સમિટ થકી સ્ટાર્ટ–અપને પ્રોત્સાહિત કરવા માટે પ્લેટફોર્મ પૂરુ પાડયું છે, જ્યાં સ્ટાર્ટ–અપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગકારો એક છત નીચે આવશે તથા સ્ટાર્ટ–અપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટ–અપને આગળ લઇ જઇ વધુ મજબુત કરી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમિટમાં સ્ટાર્ટ–અપ દ્વારા રજૂ કરાનાર ઇનોવેટીવ આઇડીયા, ટેકનોલોજી તેમજ પ્રોડકટથી રૂબરૂ થવા માટે તેમણે શહેરીજનોને સમિટની મુલાકાત લેવા માટે અનુરોધ કર્યો હતો. બધા સ્ટાર્ટ–અપની જાણકારી મેળવી શકે તે માટે પ્રવેશ વિના મૂલ્યે રાખવામાં આવ્યો છે.

ગુજરાતના ટેકનિકલ એજ્યુકેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્ટાર્ટ–અપ રિવોલ્યુશનનું ભારત હવે વીટનેસ બની રહયું છે. સ્ટાર્ટ–અપ માટે ઇનોવેશન કી વર્ડ છે અને સ્ટાર્ટ–અપ રિવોલ્યુશન ટેકનોલોજી તથા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વગર સંભવ નથી. નવી ટેકનોલોજી રિવોલ્યુશનનનું ઇનોવેશન એટલે સ્ટાર્ટ–અપ છે. સ્ટાર્ટ–અપ એ નવું સોલ્યુશન લાવી શકે છે. ભારતની સમસ્યાનું નિવારણ એટલે સ્ટાર્ટ–અપ છે. ભારતના યુવાઓ એ સોલ્યુશન માટે કામ કરે છે. એના માટે તેઓને પ્લેટફોર્મ પૂરું પાડવું પડશે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન આપવું પડશે. ઇનોવેટીવ પ્રોડકટ માટે ટેસ્ટીંગ ફેસિલિટી હોવી જોઇએ.

ભારતભરમાં ૧ લાખ સ્ટાર્ટ–અપ છે. જ્યારે ગુજરાતમાં ૯૦૦૦ સ્ટાર્ટ–અપ રજિસ્ટર્ડ થયા છે. ગુજરાત તથા ભારતની ઘણી એવી સારી કંપનીઓ છે કે જેઓએ સ્ટાર્ટ–અપ કર્યું છે. સ્ટાર્ટ–અપ થકી જે ટેકનોલોજી રિવોલ્યુશન થઇ રહયું છે એ પહેલા કયારેય થયું ન હતું. તેમણે ગુજરાત સરકાર દ્વારા તા. ૭ ડિસેમ્બર– ર૦ર૩ના રોજ આયોજિત થનારી ગુજરાત વાઇબ્રન્ટ સ્ટાર્ટ–અપ સમિટ અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ સમિટમાં ભાગ લેવા માટે સ્ટાર્ટ–અપ, એન્જલ ઇન્વેસ્ટરો અને વેન્ચર કેપિટલના સંચાલકો સહિત તમામને તેમણે અનુરોધ કર્યો હતો.

ગુજરાત નોલેજ સોસાયટીના એડિશનલ સીઇઓ પ્રોફેસર તુષાર રાવલે ગુજરાત સરકાર દ્વારા તા. ૬ અને ૭ ડિસેમ્બરના રોજ આયોજિત થનારી પ્રિ–વાઈબ્રન્ટ સમિટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં તેમણે સ્ટાર્ટ–અપ રાઇઝ પિચીંગ, હેકેથોન અને સરકાર સાથે સ્ટાર્ટ–અપ અંગે ઉદ્‌ભવતા પ્રશ્નોત્તરી સેશન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડના સીઇઓ કમલ બંસલે સ્ટાર્ટ–અપ સમિટમાં ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે સ્ટાર્ટ–અપમાં આગામી ત્રણથી ચાર વર્ષમાં ગુજરાતમાં મોટા પ્રમાણમાં સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનશે. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્ટાર્ટ–અપમાં રિસ્ક છે પણ સમય, રિસર્ચ, ટેકનોલોજી અને શ્રમની સાથે સ્ટાર્ટ–અપને સફળ બનાવી શકાય છે.

ચેમ્બર ઓફ કોમર્સના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ પ્રાસંગિક વિધિ કરી હતી. ચેમ્બરની સ્ટાર્ટ–અપ્સ એન્ડ ઇનોવેશન કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇએ સમિટ વિશે માહિતી આપી હતી. માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર તથા ગૃપ ચેરમેનો બિજલ જરીવાલા, નિલેશ ગજેરા અને ભાવેશ ટેલર તેમજ જિગ્નેશ માધવાની અને ઉદ્યોગ સાહસિકો સમારોહમાં ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button